Comments

જૂની પેન્શન યોજના મંજૂર કરી તેવા કર્મચારીને નિવૃત્તિના એક વર્ષ પછી પણ પેન્શન શરૂ થયું નથી

ગુજરાતનાં થોડાં લોકોને સમસ્યા હોય એટલે તે સમસ્યા ના કહેવાય તેવું નથી.  ફિક્સ પગારમાં લાગ્યા હોય અને એપ્રિલ 2005 પછી કાયમી થયાં હોય તેવા  ગુજરાતના  શિક્ષણ ક્ષેત્રમાં  છેલ્લે ઓક્ટોબરમાં અને કર્મચારી ક્ષેત્રે ડિસેમ્બરમાં રીટાયર થયેલા અને રાજ્ય સરકારનાં કર્મચારીઓનું પેન્શન શરૂ થયું નથી. આમ તો પ્રજાના ક્લ્યાણનું ધ્યાન રાખતી સરકાર આ કર્મચારીઓ રીટાયર થાય પછીના મહિનાથી પેન્શન મેળવતાં થાય તેવી જાહેરાતો કરે છે  પણ આ કર્મચારીઓ એક વિશેષ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે પરિણામે તેમનું પેન્શન શરૂ થયું નથી.

ગુજરાતમાં ત્રીજા અને ચોથા વર્ગનાં કર્મચારીઓની લાખો ખાલી જગ્યાઓ ફિક્સ પગારથી ભરવાની નીતિ ૧૯૯૯ થી શરૂ થઇ. આ નીતિમાં કર્મચારી પાંચ વર્ષ ફીક્ષ પગારમાં પસાર કરે પછી તેને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવતી. બેકારી અને નીચા વેતનમાં શોષાતાં યુવાનો પાંચ વર્ષ પછી તો શાંતિ થશે તેમ માની આ ફિક્સ પગારની નોકરી સ્વીકારવા લાગ્યાં  પણ આ યુવાનોને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ ફુલ પગારમાં આવશે,  કાયમી ગણાશે ત્યારે તેમને કોઈ નવી જ પેન્શન યોજના માથે પડશે! હા,વર્ષ 2005 એપ્રિલ પછી દેશમાં નવી મૂલ્યવર્ધિત પેન્શન યોજના લાગુ પડી. શેર બજારમાં રોકાણ કરીને જે વળતર મળે તે આધારે પેન્શન ચુકવવાની યોજના લાગુ પડી. વર્ષ ૨૦૦૧ માં જે યુવાનો ગુજરાતમાં નોકરીએ લાગ્યાં તેમને ખબર ના હતી કે ૨૦૦૬ માં તેમને તદ્દન અનિશ્ચિતતાવાળી પેન્શન યોજનામાં ભેળવવામાં આવશે. કર્મચારી મંડળો  જાગ્યાં.

સરકાર પાસે માંગ કરી કે 2005 પહેલાંના ફિક્સ પગારદાર કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો. ૨૦૨૨ની ચૂંટણી  સમયે સરકારે માંગ સ્વીકારી તો ખરી પણ સત્તાવાર જાહેરાત છેક ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી પછી કરી. સત્તાવાર જાહેરાત પછી બે-ત્રણ મહિના સુધી પરિપત્ર ના થયો.પછી પરિપત્ર થયો. કામ ધીમી ગતિએ ચાલ્યું. એક નિયમબધ્ધ કાર્યપ્રણાલી નક્કી ના થઈ-કરી કે કેવી રીતે આ નવીમાંથી જૂની યોજનામાં ગયેલાં કર્મચારીને પેન્શન આપવું. વળી સમય થયો કે 2001 માં નોકરીએ લાગેલાં કર્મચારીઓ નિવૃત્ત પણ થવા લાગ્યાં. આજે આ લખાય છે ત્યારે ગયા વર્ષે મે મહિનામાં નિવૃત્ત થયાં હોય તેવાં કર્મચારીઓને એક વર્ષ થવા છતાં પેન્શન શરૂ થયું નથી. આ છે આપણી કાર્યક્ષમતા.

પાંચ દેશોની મુલાકાતે જઈ આવ્યા પછી માનનીય વડાપ્રધાનશ્રીએ પહેલી મિટિંગમાં કહ્યું કે અધિકારીઓ ફાઇલો અટકાવી ન રાખે અને આ જ સમયે ગુજરાતમાં આ જૂની પેન્શન યોજના મંજૂર થઈ છે તેવાં કર્મચારીઓની ફાઇલ ખાતાંઓ વચ્ચે ફર્યા કરે છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે એક નવો મુદો્ ઊભો થયો છે તે એ કે સરકારે ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા સળંગ ગણવાનો નિર્ણય કરેલો જ છે. વળી જેમને જૂની પેન્શન યોજનાના લાભ આપ્યા તેમને તો નિમણૂક તારીખથી જ લાભ આપવાના છે છતાં અધિકારીઓ હવે કહે છે કે ગ્રેજયુઇટીના લાભ ગણવામાં ફિક્સ પગારના પાંચ વર્ષ નથી ગણવાનાં.

આવું જ રજાઓના રોકડ રૂપાંતરમાં થવાનું છે એટલે ફરી અર્થઘટનના પ્રશ્નો અને ફરી વિલંબ. વાત માત્ર સરકારની નથી, કર્મચારી મંડળ અને તેના આગેવાનો પણ સાવ નિષ્ક્રિય છે. કોઈ સરકારમાં કહેતું નથી કે આ નિવૃત્ત કર્મચારીઓને લાભ આપો. પેન્શન શરૂ ન થાય તો વચગાળાની રાહત આપો  અને અધિકારીઓને કહો કે નીતિવિષયક નિર્ણય સરકારશ્રીએ કરેલો જ છે. તમે ખોટાં અર્થઘટન કરી કામમાં વિલંબ ન કરો. 2005 પહેલાં ફિક્સ પગારમાં લાગેલાં કર્મચારીઓ નિવૃત્ત થવા લાગ્યાં છે. દર મહિને આ સંખ્યા વધવાની છે. શિક્ષણમાં દર સત્ર બાદ વધવાની છે તો ઝડપથી એક કાર્યપધ્ધતિ નક્કી કરો અને પેન્શન પ્રક્રિયા ચાલુ કરો.

આમ તો આપણી ગુજરાત સરકાર તત્કાલ નિર્ણય લેવા અને સમયબદ્ધ અમલ કરવા માટે પોતાને શાબાશી આપે છે. તાતા નેનોને જમીન ફાળવણી હોય કે બુલેટ ટ્રેન માટે જમીન સમ્પાદન હોય,  તે તરત કામ કરે છે. માત્ર આ સરકારી કર્મચારીના મુદ્દામાં થોડી વાર થઇ જાય છે. હશે, આપણે ચિંતા કરવી છે આ કર્મચારીની જેઓનો પગાર બંધ થયો છે અને પેન્શન શરૂ નથી થયું. વળી એન. પી. એસ.ના જે રૂપિયા અત્યારે મળ્યા છે તે પણ પાછા ભરવાના થાય તો તૈયાર રહેવાનું.આવા પ્રશ્નો તેમને ઉચાટમાં રાખે છે. 

ગુજરાતમાં કર્મચારી મંડળો હવે સાવ સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેઓ સત્તા સાથે, શાસન સાથે દ્વિમાર્ગી વ્યવહારને બદલે એકમાર્ગી આદેશપાલન કરતાં થઇ ગયા છે.  નિવૃત્ત કર્મીઓ પણ‘‘અમે તો થોડાં છીએ અમારું કોણ સાંભળે”- નિસાસા નાખી  શાંત બેસી રહ્યા છે. શાસનની કાર્યક્ષમતા ક્યારેક ક્યારેક જોવામાં આવતી નથી. પ્રજાને રોજના જીવનમાં તેનો અનુભવ મળવો જોઈએ. નેતાઓ  નિસ્બતવાળા હોય, સંવેદનશીલ હોય તો તેમણે આ પ્રશ્નમાં રસ લઈને નિવૃત્ત કર્મચારીને વચગાળાની રાહત મળી રહે તે વિચારવું જોઈએ અને આવાં વહીવટી કામો, સમગ્રલક્ષી નિર્ણયો ઝડપથી અમલી બનાવવા જોઈએ. જો આ પેન્શન યોજના માટે ખાસ રસ લઈને નિયમબદ્ધ પગલાં નહીં લેવાય તો આ સંખ્યા વધતી જ જશે  અને શાસનની બિનકાર્યક્ષમતા ફેલાતી જ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top