SURAT

સુરતના જોળવા ગામમાં મકાનના ટેરેસ પર રમતા બાળક પર વીજળી પડતાં મોત

સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ભારે કડાકા ભડાકા સાથેના વરસાદ વચ્ચે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાનના ધાબા પર રમત રમતા બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના જોળવા ગામની નક્ષત્ર સોસાયટીમાં બની હતી. બે બાળકો રમી રહ્યાં હતાં. તે દરમિયાન વીજળી પડી હતી. જેથી 9 વર્ષના બાળક પુખરાજ નેમિચંદ સુથારનું મોત નીપજ્યું હતું. જ્યારે જશોદા ભૂરારામ સુથાર (ઉ.વ.આ.8) ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કડાકા ભડાકા વચ્ચે વરસાદની સાથે વીજળી પડી રહી હતી. જેમાં મકાનની છત પણ વીજળીના કારણે નુકસાનગ્રસ્ત થયો હતો. બે બાળકોમાંથી એક બાળકનું વીજળી પડતા મોત નીપજ્યું હોવાની જાણ બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ દુઃખના આ સમયમાં પરિવારને આશ્વાસન આપી સહભાગી બન્યા હતા. જ્યારે બીજા બાળકની તબિયત હાલ નાજૂક હોવાનું તબીબો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

પતિને શોધવા ગયેલી પત્ની નદીમાં પડી, ફાયર બ્રિગેડ અને હોમગાર્ડે બચાવી
બારડોલી: બારડોલીમાં પતિને શોધવા માટે મીંઢોળા નદી કિનારે ગયેલી મહિલાનો પગ લપસી જતાં તે સીધી નદીમાં પડી હતી. સ્થાનિકોએ જોઈ લેતાં હોમગાર્ડ અને ફાયર બ્રિગેડની મદદથી તેણીને બચાવી લેવામાં આવી હતી.

બારડોલી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા સંજયભાઈ રાઠોડ (રહે., માતા ફળિયા, બારડોલી) ઘરેથી કહ્યા વગર ક્યાંક જતા રહેતાં તેમની પત્ની સોમવારે રાત્રે શોધવા માટે નદી કિનારે ગઈ હતી. તે સમયે અચાનક તેનો પગ લપસી જતાં તે સીધી નદીમાં પડી હતી. જો કે, તે સમયે ત્યાં હાજર હોમગાર્ડની તેના પર નજર પડતાં નજીકમાં ફાયર સ્ટેશન હોવાથી ફાયરની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટીમ સાથે મળીને મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

તેણીને સામાન્ય ઇજા થઈ હોવાથી સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે પણ બનાવ અંગે જાણવા જોગ નોંધ કરી હતી. ઉપરાંત મહિલાના પતિ ખોવાઈ ગયા અંગે પણ ગુમ જાણવા જોગ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top