Charchapatra

કોમી સંવાદિતાનું સુંદર દૃષ્ટાંત

સદગત રામદેવ સાહુ (ઉ.વ. ૭૫) છેલ્લાં ૨૫ વર્ષથી બિહારમાં એક મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા અને પોતાનું નિયત દરજીનું કામકાજ કરતા હતા. રામદેવ જયારે મૃત્યુ પાત્યા ત્યારે તેઓ જેમની સાથે રહેતા હતા એ મહમ્મદ અરમાન અને તેમનાં કુટુંબીજનોએ રામદેવની અંતિમ ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટે એમની નનામીને કાંધ આપી. તે સમયે ત્યાં હાજર પ્રત્યેક વ્યકિત અદબભેર ઊભી રહી હતી. નનામી ઊંચકીને જતા મુસ્લિમ ડાઘુઓ હિંદુ પરંપરા મુજબ ‘રામનામ સત્ય હૈ’ બોલતાં બોલતાં પટણાના ગુલબિ સ્મશાનગૃહે પહોંચ્યા, જયાં સદ્‌ગતના સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરીને કોમી સંવાદિતાનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડયું. એક સુફી સંતે (બુલ્લે શાહ) સરસ કહ્યું હતું કે ‘જે પોતાને પ્રભુ સાથે જોડે છે તે નથી હિન્દુ રહેતો કે નથી મુસલમાન.’ જો આપણે હિન્દુ – મુસલમાનના ભેદભાવ ભૂલી જઇને એકબીજા સાથે હળીમળીને રહીએ તો ભારત દેશની અડધી સમસ્યા દૂર થઇ જાય!
શિકાગો    – ડો. કિરીટ એન. ડુમસિયા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top