Gujarat

વડાપ્રધાન મોદીએ સાબરડેરીમાં પાવડર-ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

અમદાવાદ(Ahmedabad): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Acharya Devvrat), ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ(C.R Patil) દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પી.એમ મોદીએ સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડ કરતાં વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. જ્યારે આવતી કાલે વડાપ્રધાન મોદી GIFT સિટી ખાતે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ(International Bullion Exchange Of India) લોન્ચ કરશે.

સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડનાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને સાબરડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે જ તેમણે જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો. 

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડ પર પહોંચી ગયો: પીએમ મોદી
વડાપ્રધાને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે આજે સાબર ડેરી વિસ્તરણ પામી છે. નવા પ્લાન્ટોનું લોકાર્પણ અને ભૂમિપૂજનએ સાબર ડેરીનું સામર્થ્ય વધારશે. આ ઉપરાંત તેઓએ આ આંદોલન સાથે જોડાયેલા તમામને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડ પર પહોંચી ગયો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે. આ દૂધનો પૈસો મહિલાઓ પાસે જ જવો જોઈએ જેની તેમણે શરૂઆત કરાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. નાની જમીન ધરાવતા ખેડૂતોની આવક વધી છે. તેમજ મધનું ઉત્પાદન બમણું થયું છે. સાબરડેરી હવે સમગ્ર જિલ્લામાં મધમાખીની પેટી ખેડૂત પશુપાલકોને આપી રહી છે. 3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં સરકાર આપે છે.

બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો
વડા પ્રધાન મોદીએ ભગવાન બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો હતો. 15 નવેમ્બરનાં રોજ આવતા આ જન્મદિનને હવે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય પણ બનાવી રહી છે. આદિવાસી સમાજમાંથી આવનારી દેશની દીકરી પ્રથમ વખત ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. દેશે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 130 કરોડથી વધુ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.

ગાંધીનગરમાં GIFT સિટી ખાતે IFSCA હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન મોદી આવતી કાલે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ”ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી”ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top