Gujarat

લઠ્ઠાકાંડ બાદ ગૃહખાતાની મોટી કાર્યવાહી: બોટાદ, ધોળકા અને સુરતના 10 પોલીસકર્મી સસ્પેન્ડ

ગાંધીનગર (Gandhinagar):સોમવારે બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડનો પહેલો કેસ સામે આવ્યો હતો. વીતેલા ત્રણ દિવસ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે હવે રહી રહીને ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરતા ડીવાયએસપી સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે જ્યારે એસપી કક્ષાના 2 પોલીસ અધિકારીની બદલીના ઓર્ડર જાહેર કર્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે લઠ્ઠાકાંડમાં કોઈ આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોય, અત્યાર સુધી કોન્સ્ટેબલ કે પીઆઈ, પીએસઆઈ પદ પરના અધિકારીઓ સુધીની કાર્યવાહી થતી જોવા મળતી હતી.

બોટાદના (Botad) બરવાળાના (Barwala) રોજિદ ગામ ખાતે કેમિકલયુક્ત (Chemical) દેશી દારૂ (Deshi Daru) પીવાના લીધે 57 લોકોના મોતની (Death) ઘટનામાં ત્રણ દિવસ બાદ રાજ્યના ગૃહવિભાગે (Gujarat Home Ministry) મોટી કાર્યવાહી (Action) કરી છે. ગૃહખાતા દ્વારા સાગમટે પોલીસ અધિકારીઓની (Police) બદલી (Transfer) અને સસ્પેન્શનના (Suspend) ઓર્ડર જાહેર કરાયા છે. 2 એસપી કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે, જ્યારે 2 પીએસઆઈ સહિત 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. બોટાદના એસપી કરણ રાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર સિંહ યાદવની બદલી કરી દેવાઈ છે. આ ઉપરાંત ધંધૂકાના ડીવાયએસપી એસ.કે. ત્રિવેદી, બરવાળાના પીએસઆઈ ભગીરથસિંહવાળા તેમજ રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા છે. ધંધુકાના પીઆઈ કે.પી. જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. ધંધુકાના DySP એસ. કે. ત્રિવેદીએ સ્વૈચ્છીક નિવૃત્તિ માટે અરજી કરી હતી જે સ્વીકારી પણ લેવામાં આવી હતી, આગામી 30 તારીખે તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે આજે 28 તારીખે જ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોળકાના ડીવાયએસપી એન.વી. પટેલને પણ સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી જાણવા મળી છે.

આ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

  • બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી.
  • અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્રસિંહની બદલી.
  • અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી એન.વી. પટેલ સસ્પેન્ડ.
  • બોટાદના ડીવાયએસપી એસ.કે. ત્રિવેદી સસ્પેન્ડ.
  • ધંધુકાના પીઆઈ કે.પી. જાડેજા સસ્પેન્ડ.
  • બરવાળાના પીએસઆઈ ભગીરથસિંહ વાળા સસ્પેન્ડ.
  • રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણા સસ્પેન્ડ.
  • કોન્સ્ટેબલ સુરેશ ચૌધરી સસ્પેન્ડ.
  • કીમના પીએસઆઈ પી.જે. પંડ્યા સસ્પેન્ડ

લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પણ ઠેરઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. બુધવારે સુરતના સચીન જીઆઈડીસી પાસે આવેલા દિપલી ગામમાં પણ એક ભઠ્ઠી તોડી પડાઈ હતી. તે અગાઉ કિમમાં કઠોદરા ગામ ખાતે નદીના કિનારે દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. અહીં દારૂની ભઠ્ઠી મળી આવી હોય કિમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. પંડ્યા તથા બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂની ભઠ્ઠી પરની તપાસમાં પોલીસ અધિકારી અને બીટ જમાદારોનું મેળાપીંપણું બહાર આવ્યું હતું.

લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થયા
સોમવારે તા. 25 જુલાઈના રોજ બોટાદના બરવાળા ખાતેના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી મોતનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ રોજિદ તેમજ આસપાસના ગામમાં દેશી દારૂ પીવાના લીધે ટપોટપો લોકોના મોત થવા માંડ્યા હતા. બે જ દિવસમાં એટલે કે તા. 26 જુલાઈના રોજ મોતનો આંકડો 55 પર પહોંચી ગયો હતો. સ્મશાનગૃહમાં ખાટલા ખુટી પડતા જમીન પર લાશોના અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા. મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. રોજિદ ગામમાં જ 12 લોકોના મોત થયા હતા. રાણપુર તાલુકાના 8 લોકોના પણ મૃત્યુ થયા છે.

હજુ 97 લોકો સારવાર હેઠળ છે
લઠ્ઠાકાંડની ઘટના બનતા જ સરકાર અને પોલીસ વિભાગ સતર્ક થયો હતો. સરકાર દ્વારા તાત્કાલિક સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SIT ની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ 97 લોકો સારવાર હેઠળ છે. આ કેસમાં પોલીસે આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાંડની માગણી કરી હતી.કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

Most Popular

To Top