SURAT

સુરતમાં બસ ડેપોના પબ્લીક ટોઈલેટમાં બાળકીનો જન્મ થયો

સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) પણ અનેકોવાર એવી ઘટના બને છે જે લોકોને વિચારમાં નાંખી દે છે. લક્ઝુરીયસ હોસ્પિટલો, ગાડીઓ સડસડાટ દોડી જાય તેવા રસ્તાઓ હોવા છતાં કોઈ અંતરિયાળ ગામડાંમાં પણ ન બને તેવા કિસ્સા કેટલીકવાર સુરત શહેરમાં બને છે. આવો જ એક બનાવ રવિવારે બપોરે સુરત શહેરમાં બન્યો. અહીં એક પ્રસુતાએ જાહેર શૌચાલયમાં બાળકને જન્મ આપ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ગઈ તા. 25મી ડિસેમ્બરના રોજ બપોરે 1.48 કલાકે 108માં ફોન આવ્યો હતો. આ ફોન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી આશિષભાઈ નામના વ્યક્તિએ કર્યો હતો. આશિષભાઈના પત્નીને પ્રસુતાની પીડા ઉપડી હતી. તેથી 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ પ્રસુતાને ક્યાંય ખસેડી શકાય તેમ નહીં હોય સેન્ટ્રલ બસ સ્ટેશનના શૌચાલયમાં ડિલીવરી કરાવવાની ફરજ પડી હતી.

આ અંગે 108ના સ્ટાફ તરફથી મળેલી માહિતી અનુસાર આશિષભાઈના પત્ની રશ્મીકાબેનને પ્રસુતિનો દુ:ખાવો ઉપડ્યો હતો. 108ની ટીમને લંબે હનુમાન રોડનું લોકેશન મળ્યું હતું. જેવો કોલ આવ્યો કે તરત જ 108ના પાઈલોટ હિતેશ સોલંકી અને ઈએમટી નિતીન ડાભી સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, 108નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે પ્રસુતાની હાલત ખૂબ જ ગંભીર હતી. તેને ખસેડી શકાય તેમ ન હતી.

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના શૌચાલયમાં જ ડિલીવરી કરાવવાની જરૂર પડતાં એમ્બ્યુલન્સમાં ડિલીવરી કીટ લઈને 108ના સ્ટાફે રશ્મીકાબેનની શૌચાલયમાં જ ડિલીવરી કરાવી હતી. રશ્મીકાબેને દીકરીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ માતા-દીકરીને 108ના એમ્બ્યુલન્સમાં લઈ જઈ ERCP ડો. અંજલિની સૂચના અનુસાર બાળકીની સંભાળ લઈ તથા માથાને ઈન્જેક્શન આપી સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અગાઉ પણ અનેકોવાર 108ની ટીમે ઈમરજન્સીમાં રિક્ષા, 108માં ડિલીવરી કરાવી છે. થોડા સમય પહેલાં જ 108ની ટીમે રિક્ષામાં પ્રસુતાની ડિલીવરી કરાવી હતી. તે પહેલાં લિંબાયત વિસ્તારમાં એક પ્રસુતાને 3 જ મિનીટમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. 3 મિનીટમાં 108 10 કિ.મી.નું અંતર કાપ્યું હતું. 108ની ટીમ 3 મિનીટમાં સિવિલ હોસ્પિટલ તો પહોંચી ગઈ પરંતુ સિવિલ કેમ્પસમાં જ ચાલુ એમ્બ્યુલન્સમાં જ બાળકનું માથું બહાર આવી ગયું હતું. જેના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા. જો એક 108ની તેમ સતર્કતા દાખવી ગાડી રોડ બાજુએ પાર્ક કરી મહિલા EMT સરિતા બેને 108માં જ મહિલાની પ્રસુતિ કરાવી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. 

Most Popular

To Top