SURAT

ત્રણ મહિના બંધ રહ્યા બાદ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ફરી શરૂ થઈ

ભાવનગર/સુરત: (Surat) ઘોઘા-દહેજ રો-રો ફેરી (Ro-Ro Ferry) સર્વિસ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતી, જેનો પુન: પ્રારંભ મંગળવારથી થતાં દિવાળીમાં ભાવનગર (Bhavnagar) અને સુરતવાસીઓને લાભ મળશે, દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ અવર જવર કરતા લોકોનો સમય અને ખર્ચ બચશે,. આ સેવાનો મંગળવારે સવારે હજીરાથી ટ્રીપનો પુનઃ પ્રારંભ થયો હતો. આજે સર્વિસનો પુનઃ પ્રારંભ થતા પ્રથમ ટ્રીપમાં હજીરાથી 100 જેટલી કાર, ટ્રક અને ટુ વ્હીલર્સ સાથે લોકો ઘોઘા આવી પહોંચ્યા હતા. હજીરાથી સવારે 9 વાગ્યે ઉપડેલું જહાજ ઘોઘા બપોરે 1 વાગ્યે આવી પહોંચ્યું હતું.

હજીરા-ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે સુરતના અને ભાવનગરનાં લોકોની ડિમાન્ડને પગલે ઝડપથી ભારત ફોર્જ પાસે શાફટ રિપેર કરાવી જહાજમાં ફીટ કરવામાં આવ્યો છે. તથા એક નવો શાફટ કોરિયાથી મંગાવવામાં આવ્યો છે. રાબેતા મુજબ સવારે 9.00 વાગ્યે હજીરાથી ફેરી સર્વિસ ઘોઘા જવા નીકળશે અને બપોરે 3.00 કલાકે ઘોઘાથી પરત ફરે તેવું આયોજન કરાયું છે. અગાઉની જેમ રોપેક્ષ ફેરી સર્વિસમાં ટ્રક, કાર, મોટર સાયકલ લઈ જવાશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પેટ્રોલિયમ પ્રોડકટની કિંમત વધી હોવાથી મુસાફરી ખર્ચમાં અને વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સામાન્ય વધારો થઈ શકે છે. એક વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે વર્ચ્યુઅલી રોપેક્ષ ફેરી સર્વિસનો પ્રારંભ થયો ત્યારે વ્યકિત દીઠ ભાડું 525/- રૂપિયા, સાથે કાર હોય તો 1200/- રૂપિયા અને પાંચ વ્યકિતઓનો પરિવાર હોય તો 3825/- રૂપિયા ખર્ચ થતો હતો. આ ફેરી સર્વિસને વર્ષ દરમ્યાન સારો પ્રતિસાદ મળ્યો છે. સુરતથી ભાવનગરનું 12 કલાકનું અંતર ફેરી સર્વિસથી 4 કલાકમાં ફેરવાઈ ગયું છે. એક સાથે 500 પેસેન્જરોને અને 300 મોટર સાયકલ, 30 ટ્રક અને 300 કાર લઈ જવાની જહાજની ક્ષમતા છે. દિવાળી વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે સુરતમાં વસતાં ભાવનગર જિલ્લાના લોકોને આ ફેરી સર્વિસથી મોટી રાહત મળશે.

હજીરા-ઘોઘા ફેરી સર્વિસના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે ફેરી સર્વિસ ફેઝ-1માં સફળ રહેતાં કંપનીએ બીજું જહાજ પણ ખરીદ કર્યુ છે. કોરિયાથી આ જહાંજ બોમ્બે પોર્ટ પર આવી પહોંચ્યું છે. હજીરાથી બીજી રોપેક્ષ સર્વિસ માટે આ જહાજ કાર્યરત કરાશે. નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી આ જહાજ હજીરાથી કાર્યરત કરાશે. નવું રોપેક્ષ જહાજ અત્યારે જે જહાજ ચાલે છે તેનાથી મોટું અને આધુનિક સુવિદ્યાઓથી સજ્જ હશે અને લોકોને દરિયાઈ મુસાફરીમાં વધુ આનંદ આપશે.

Most Popular

To Top