રાજ્યમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે રૂ. 74.70 કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે.સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તાને જે નુકસાન થયું છે તેનું રિપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા માટે માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમનની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવાઈ છે.રાજ્ય સરકારના નિર્ણય અનુસાર રાજ્યની અ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને 75 લાખ, બ વર્ગની 30 નગર પાલિકાઓને પ્રત્યેકને 60 લાખ, ક વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને 45 લાખ તેમજ ડ વર્ગની 44 નગર પાલિકાઓને પ્રત્યેકને 30 લાખ એમ રાજ્યની તમામ 156 નગર પાલિકાઓને સમગ્રતયા રૂ. 74.70 કરોડ રૂપિયા રસ્તા રિપેરીંગ રિસરફેસીંગના કામો માટે ફાળવવામાં આવ્યા છે.