વંકાલ ગ્રામ પંચાયત કચેરીના જર્જરિત મકાનના સ્લેબમાં પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડતા ચોમાસા પૂર્વે મકાનની સ્થિતિ વધુ બદતર બની છે. જો કે વંકાલમાં પંચાયત ઘરનું બાંધકામ શરૂ કરાયું હતું. પરંતુ કેટલાક આગેવાન દ્વારા જમીન અંગે ફરિયાદ કરતા પ્લીંથ લેવલ બાદ કામ અટકી ગયું હતું.
વંકાલ ગ્રામ પંચાયત કચેરીના મકાનના સ્લેબમાંથી ગતરોજ સાંજે પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડ્યો હતો.
આ સમયે ત્યાં હાજર કોમ્પ્યુટર ઓપરેટરને નાની સામાન્ય ઇજા પણ થઇ હતી. ચોમાસામાં પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં પાણી ટપકતા સરપંચ, તલાટી ઉપરાંત સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. હાલે ચોમાસા પૂર્વે જ સ્લેબના પ્લાસ્ટરના પોપડા ખરી પડ્યા છે ત્યારે આવનાર ચોમાસામાં વધુ બદતર હાલત થશે.
ઉપરોકત સ્થિતિમાં આવનાર ચોમાસામાં હાલત વધુ કફોડી થશે. વંકાલ ગામ મોટુ હોવા સાથે નાના મોટા કામો માટે અરજદારોની અવરજવર પણ મોટાપાયે રહે છે ત્યારે ચોમાસામાં કચેરીમાં પાણી ટપકવાથી કોમ્પ્યુટર જેવા ઉપકરણોને નુકશાન થવા સાથે ત્યાં કામ કરનારા અને અરજદારોનું સ્વાસ્થ્ય પણ જોખમાય અને દસ્તાવેજોને પણ નુકશાન થવાની સ્થિતિ સર્જાશે.
નવા પંચાયત ઘરનું બાંધકામ શરૂ થયું પણ તળાવની જગ્યામાં થતું હોવાથી અટકાવી દેવાયું
ઉપરોકત સ્થિતિમાં પૂર્વ સરપંચ દિપક પટેલ સહિતના આગેવાનોની રજૂઆતને પગલે નવા પંચાયત ઘરના મકાનના બાંધકામ માટેની મંજૂરી મળતા ગત વર્ષે તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમીતા પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ સહિતનાઓ દ્વારા ખાતમૂહૂર્ત કરાતા બાંધકામ શરૂ થયું હતું અને પ્લીંથ લેવલ સુધીનું બાંધકામ પણ થઇ ગયું હતું. પરંતુ આ બાંધકામ તળાવની જગ્યામાં થઇ રહ્યું હોવાની રજૂઆત સ્થાનિક આગેવાનો દ્વારા કરાતા તપાસ બાદ ગત મે માસમાં જ કામ તંત્ર દ્વારા અટકાવી દેવાયું હતું.
કચેરીમાં ચોમાસામાં એક ફૂટ પાણી ભરાઇ જાય છે
વંકાલ ગામના પૂર્વ સરપંચ દિપક પટેલના જણાવ્યાનુસાર ગ્રામ પંચાયત કચેરીમાં ચોમાસામાં ખૂબ પાણી ટપકે છે અને ઘણીવાર એક ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે. નવા મકાનનું બાંધકામ શરૂ કરાયું હતું. પરંતુ જમીન બાબતે વિવાદ સર્જી કેટલાક લોકો દ્વારા રજૂઆત થતાં કામ અટકી ગયું હતું. ગ્રામ પંચાયત પાસે અન્યત્ર જમીન ઉપલબ્ધ નહીં હોવાથી જ્યાં જમીન હતી ત્યાં બાંધકામ કરાતું હતું. પરંતુ વિવાદ ઉભો કરીને કામ બંધ કરાવી દીધું હતું.