દિવાળી પહેલાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ૨૫ ટકા અગ્નિવીરો નિયમિત સૈનિક બનશે. આ ઉપરાંત અગ્નિવીરોનો સેવાકાળ ૨ વર્ષ વધારી દેવામાં આવ્યો છે જે હવે ૪ વર્ષને બદલે ૬ વર્ષનો રહેશે. પરિણામે ૭૫ ટકા અગ્નિવીરો સશસ્ત્ર દળોમાં ૬ વર્ષ સુધી સેવા આપશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણિએ બુધવારે જાહેરાત કરી હતી કે અગ્નિવીરોને ૨ વર્ષનો વધારાનો કાર્યકાળ આપવામાં આવશે એટલે કે તેઓ હવે ૪ વર્ષને બદલે ૬ વર્ષ સુધી સેવા આપી શકશે. આ વધારાનો સેવાકાળ એવા ૭૫% અગ્નિવીરોને આપવામાં આવશે જેઓ તેમનો પ્રારંભિક ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે. ત્યારબાદ, જેઓ સશસ્ત્ર દળોમાં પોતાની સેવા ચાલુ રાખવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત પસંદગી પ્રક્રિયા દ્વારા નિયમિત કેડરમાં સામેલ થવા માટે પાત્ર બનશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ના જણાવ્યા અનુસાર, શ્રેષ્ઠ કામગીરી કરનારા અગ્નિવીરોને કાયમી રોજગાર મેળવવાની તક મળશે. જેમને સેવાકાળમાં વધારો આપવામાં આવશે, તેમને વધુ પગાર અને ભથ્થાં પણ મળશે. હાલમાં, ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોમાં લગભગ ૩.૧૮ લાખ અગ્નિવીરો સેવા આપી રહ્યા છે.
અગ્નિપથ યોજના હેઠળ ૨૫ ટકા સુધીની કાયમી ભરતી
અગ્નિપથ યોજના ૨૦૨૨માં શરૂ કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ યુવાનોની સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓમાં ચાર વર્ષના કાર્યકાળ માટે ભરતી કરવામાં આવે છે. આ ચાર વર્ષની સેવા પૂર્ણ થયા બાદ દરેક બેચના ૨૫ ટકા સુધીના અગ્નિવીરોને કાયમી ધોરણે સેવામાં જાળવી રાખવામાં આવી શકે છે.
નિયમો અનુસાર નિયમિત કેડરમાં સામેલ થવા માટેની અરજીઓનું મૂલ્યાંકન એક કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં ચાર વર્ષના સેવાકાળ દરમિયાનનું પ્રદર્શન, સંસ્થાની જરૂરિયાતો અને સંબંધિત સશસ્ત્ર દળ દ્વારા નિર્ધારિત ચોક્કસ નીતિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ગયા મહિને ભારતીય વાયુસેનાએ તેની પ્રથમ ‘અગ્નિવીર વાયુ’ (વાયુસેના) બેચના ૨,૮૫૦ ભરતી થયેલા ઉમેદવારોમાંથી ૭૧૨ને કાયમી ધોરણે સેવામાં જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.