જાહેર પરીક્ષાઓમાં વ્યાપેલી ગેરરીતિઓ સામેના યુવાઓના આક્રોશના સંદર્ભે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪માં સુધારા કરી પરીક્ષામાં ગેરરીતિ સામેની જોગવાઈઓ વધુ સખત કરી છે. હવે તેમાં દસ વર્ષ સુધીની સજા, ભારે દંડ, સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ અને રદ થયેલી પરીક્ષાના ખર્ચની વસૂલાત જેવી કડક સજાઓનો સમાવેશ થાય છે. કડક સજાની જોગવાઈવાળા કાયદા પ્રશ્નો હલ મોટા ભાગે વ્યક્તિગત નૈતિક વર્તન સુધારવામાં શોધે છે. અલબત્ત એ જરૂરી પણ છે, પણ જો સમસ્યાના મૂળમાં એવી વ્યવસ્થા હોય જે પોતે જ અનૈતિક વર્તનને પ્રોત્સાહન આપતી હોય તો આવા કાયદા કેટલા પ્રમાણમાં સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે એ અંગે ચર્ચા થવી જોઈએ.
જાહેર જીવનના નિયમો, નાગરિક જવાબદારી અને જાહેર નૈતિકતાને આકાર આપવામાં માત્ર સામાજિક કારણો જ નહિ પણ આર્થિક પ્રોત્સાહનો (Economic Incentives)ની પણ ભૂમિકા હોય છે. વ્યક્તિ માત્ર પોતાના ચારિત્ર્યના આધારે નિર્ણય લેતી નથી. તેના નિર્ણયો પર સરકાર અને સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ, વ્યવસ્થામાં રહેલાં પ્રોત્સાહનો અને બીજાં લોકો કેવી રીતે વર્તશે તેની અપેક્ષાનો પણ એટલો જ પ્રભાવ પડે છે. સામાન્ય રીતે મોટા ભાગનાં લોકો પ્રામાણિક રહેવા જ ઈચ્છતાં હોય છે, કારણ કે પ્રામાણિક રહેવું એ સૌને યોગ્ય છે. પરંતુ જ્યારે વ્યવસ્થા વારંવાર એવા સંકેત આપતી રહે કે અનૈતિક વર્તન કરનારને વધુ લાભ મળે છે અને ગેરરીતિ કરનારને અસરકારક રીતે સજા કરતી નથી ત્યારે આંતરિક નૈતિકતા ધીમે ધીમે આર્થિક ગણતરીમાં બદલાઈ જાય છે. પ્રશ્ન ‘યોગ્ય શું છે?’માંથી બદલાઈને ‘મારા માટે ફાયદાકારક શું છે?’ એવો બની જાય છે. લોકો નૈતિક વર્તનથી દૂર થતાં જાય છે. આને ‘જાહેર નૈતિકતાનો સ્થાનભ્રંશ’ (Crowding Out of Public Morality) કહેવાય.
પરીક્ષાની ગેરરીતિઓમાં આ જ દેખાય છે. સામાન્ય સંજોગોમાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ માને છે કે સફળતા મહેનતથી જ મળવી જોઈએ અને પેપર ખરીદવું કે નકલ કરવી ખોટું છે. જ્યાં સુધી પરીક્ષા વ્યવસ્થાની નિષ્પક્ષતા પર વિશ્વાસ રહે છે, ત્યાં સુધી પ્રામાણિક રહેવું નૈતિક પણ છે અને વ્યવહારુ પણ. પરંતુ જ્યારે વારંવાર પેપર ફૂટી જાય, તપાસ વર્ષો સુધી ચાલે, દોષિતો બચી જાય અને પ્રામાણિક વિદ્યાર્થીઓને પણ ફરી પરીક્ષા આપવી પડે, ત્યારે સમગ્ર સમીકરણ બદલાઈ જાય છે. વિદ્યાર્થી હવે એવો પ્રશ્ન પૂછતો નથી કે ‘પેપર ખરીદવું ખોટું છે?’ તે પૂછે છે-’જો બીજા બધાને પેપર મળી ગયું હોય, તો શું હું પ્રામાણિક રહીને પાછળ રહી જાઉં?’
આ જ છે જાહેર નૈતિકતાનો સ્થાનભ્રંશ. અહીં પ્રામાણિકતાનું સ્થાન સ્વાર્થ લઈ લે છે. વ્યક્તિ અનૈતિક બનતી નથી; પરંતુ વ્યવસ્થા તેના માટે અનૈતિક નિર્ણયને વધુ લાભદાયક બનાવી દે છે. પેપર લીક કરનાર અથવા ખરીદનાર માટે જોખમ ખૂબ ઓછું છે, કારણ કે પકડાઈ જવાની અને દોષિત ઠરવાની સંભાવના અત્યંત ઓછી દેખાય છે. બીજી તરફ લાભ ખૂબ મોટો છે-સારી કોલેજમાં પ્રવેશ, સરકારી નોકરી અથવા વધુ સારી કારકિર્દી. જ્યારે લાભ વધુ અને જોખમ ઓછું હોય, ત્યારે અનૈતિક વર્તન આર્થિક રીતે આકર્ષક બની જાય છે.
કાયદામાં સજા વધુ કડક બનાવવાનો હેતુ અનૈતિક વિકલ્પને નાણાંકીય તેમજ સામાજિક રીતે વધુ મોંઘો બનાવવાનો હોય જેથી વ્યક્તિ એને પસંદ કરતાં ખંચકાય. આવી જોગવાઈઓ બેશક જરૂરી છે. પણ અહીં ધારણા એવી છે કે ગુનો કર્યો એટલે સજા થવાની જ. હકીકત એ છે કે વ્યક્તિ અનૈતિક વિકલ્પની પસંદગી એટલા માટે કરે છે કે એને ખબર હોય છે કે પકડાવાની સંભાવના ઘણી ઓછી છે. જેમ હેલ્મેટ ના પહેરો તો દંડ કરવાનો કાયદો છે પણ તે મોટા ભાગનાં લોકોને હેલ્મેટ પહેરતાં કરી શક્યો નથી કારણકે એમને ખબર છે કે પોલીસ એમને રોકે એની સંભાવના જ ઓછી છે. એટલે કાયદાનું પાલન નહિ કરવાનું જોખમ લેવું પોસાય!!
પાછલાં વર્ષોમાં પરીક્ષાનાં પેપર ફૂટવાની એકથી વધુ ઘટના બની. અન્ય ગેરરીતિઓ પણ સામે આવી. પણ સંબંધિત મંત્રી એની જવાબદારી લે એટલા માટે દેશભરનાં લાખો યુવાનોએ સડકો પર આવવું પડ્યું, ઉપવાસ કરવા પડ્યા અને પોલીસની લાઠી પણ ખાવી પડી. વિદ્યાર્થીઓના આટલા આક્રોશ પછી પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એન.ટી.એ.)ના ચેરમેનને હજુ ઊની આંચ આવી નથી. એન.ટી.એ. નાં સિત્તેરથી વધુ કર્મચારીઓની ફરજમોકૂફીની જાહેરાત થઇ છે પણ તેઓ કોણ છે, તેમની સામે કયા આરોપ છે, પેપર લીક કરવામાં તેઓ કેટલી હદે સંકળાયેલાં હતાં એની વિગતો જાહેરમાં નથી. એટલે કોની સામે કયાં પગલાં લેવાયાં એ અંગે પારદર્શિતા નથી! સમસ્યા માત્ર એટલી નથી કે કેટલાંક વિદ્યાર્થીઓ કે અધિકારીઓ અનૈતિક વર્તન કરે છે કે પછી વર્તમાન કાયદો નબળો છે. ખરેખર સમસ્યા એ છે કે સમગ્ર વ્યવસ્થા એવી છે જેમાં અનૈતિક વર્તન લોકોને અયોગ્ય લાગતું નથી. લોકોને અનૈતિક વર્તન કરતાં રોકવા માટેના કાયદાકીય ઉપાયો પરની વિશ્વસનીયતા સાવ તળિયે જઈને બેઠી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.