Vadodara

રાજલી પાસે પાણી ભરાતા વડોદરા–ડભોઇ માર્ગ તાત્કાલિક બંધ

તંત્રની સમયસરની કાર્યવાહીથી વાહનો ફસાવાની સ્થિતિ ટળી; સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પ્રવાસીઓને સાવચેતીની અપીલ

(પ્રતિનિધિ), વડોદરા

વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે વડોદરાથી ડભોઇ જતાં મુખ્ય માર્ગ પર રાજલી ગામ નજીક વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.

માર્ગ પર પાણીનું સ્તર વધતાં અકસ્માત કે વાહનો ફસાઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રાંત કચેરી, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગે સંયુક્ત રીતે સમયસર કાર્યવાહી કરી માર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તંત્રની સતર્કતાના કારણે કોઈ વાહન પાણીમાં ફસાવાની ઘટના બનવા પામી નથી.

વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા નીકળેલા પ્રવાસીઓને આ માર્ગ પર ન આવવા તેમજ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અથવા મુસાફરી પહેલાં માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવી આગળ વધવાની અપીલ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, જો વરસાદનું પ્રમાણ નહીં વધે તો આગામી ત્રણથી ચાર કલાકમાં માર્ગ પરનું પાણી ઓસરી જવાની શક્યતા છે. પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટતા જ માર્ગ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top