તામિલનાડુના કરુર જિલ્લામાં TVK (તમિલગા વેટ્ટી કઝગમ)ની રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને સરકારી નોકરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રાજ્ય સરકારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં માનવતાના ધોરણે આપવામાં આવેલી સરકારી નોકરીઓનો સરકારી આદેશ (G.O.) રદ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારનું કહેવું છે કે આ નિર્ણય દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને લાંબા ગાળાનો આધાર આપવા અને તેમની આજીવિકા સુરક્ષિત રાખવાના હેતુથી લેવામાં આવ્યો હતો. તેથી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી તેને રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે કરુર જિલ્લાના વેલુસામીપુરમમાં અભિનેતા વિજયની પાર્ટી TVK દ્વારા એક મોટી જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતાં અચાનક ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર તામિલનાડુમાં ભારે શોક અને ચર્ચા જગાવી હતી.
દુર્ઘટના બાદ તામિલનાડુ સરકારે મૃતકોના પરિવારોને સહાયરૂપ થવા માટે દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે સત્તાવાર રીતે નિમણૂકના આદેશો પણ બહાર પાડ્યા હતા. સરકારનું માનવું હતું કે માત્ર આર્થિક સહાય પૂરતી નથી, પરંતુ અસરગ્રસ્ત પરિવારોને કાયમી રોજગાર આપવાથી તેમના ભવિષ્યને સુરક્ષા મળશે. જોકે, રાજ્ય સરકારના આ નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં જાહેર હિતની અરજી (PIL) દ્વારા પડકારવામાં આવ્યો હતો. નામ તમિલાર કાચીના નેતા થિરુમુરુગન અને એડવોકેટ સીની અહેમદે અરજીમાં દલીલ કરી હતી કે સરકારી નોકરીઓ માત્ર માનવતાવાદી આધાર પર આપી શકાય નહીં. સરકારી ભરતી માટે બંધારણમાં નક્કી કરાયેલા નિયમો અને સમાન તકના સિદ્ધાંતનું પાલન કરવું જરૂરી છે. તેમના મત મુજબ, આવી સીધી નિમણૂકો અન્ય ઉમેદવારોના અધિકારોને અસર કરી શકે છે.
કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારનો આદેશ રદ કરી દીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા માનવતાના ધોરણે સરકારી નોકરી આપવા અંગે અગાઉથી સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે અને કરુર ભાગદોડના પીડિતોના પરિવારોને નોકરી આપતી વખતે આ માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થયું નથી. આ કારણસર સરકારી આદેશ કાયદેસર ગણાવી શકાય નહીં.
હવે તામિલનાડુ સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ નિર્ણય કોઈ સામાન્ય ભરતી પ્રક્રિયાનો ભાગ નહોતો, પરંતુ અસાધારણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોને માનવતાના આધારે મદદરૂપ થવા માટે લેવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં સરકાર પાસે રાહતના વિશેષ પગલાં લેવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ હવે નક્કી કરશે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સરકારી નોકરીઓ કાયદાકીય રીતે યોગ્ય હતી કે નહીં અને હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખવો કે તેમાં ફેરફાર કરવો. આ કેસનો ચુકાદો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બાદ સરકારો દ્વારા અપાતી સહાય અને સરકારી નોકરી સંબંધિત નીતિઓ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.