Gujarat

વરસાદે ગુજરાતને બાનમાં લીધું: ગુજરાતમાં હજુ 4 સિસ્ટમ સક્રિય, 5 દિવસ ગુજરાત માટે અતિ ભારે

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને લઈને ભારતીય હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એકસાથે ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાત સહિત 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગર સહિત આઠ જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. ગઈકાલે બુધવારથી થઈ રહેલા ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF, જ્યારે વલસાડ જિલ્લામાં 3 NDRF અને 1 SDRF ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં આશરે 1200 લોકોનું રેસ્ક્યૂ, જ્યારે સુરત શહેરમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બે લોકોના ડૂબી જતાં મોત નીપજ્યાં છે.

હવામાન વિભાગે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5 જિલ્લામાં 24 જુલાઈએ તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને નવસારી એમ 5 જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

ગાંધીનગરમાં CMએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સતત વરસી રહેલા મુશળાધાર વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. નવસારી અને વલસાડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘતાંડવ યથાવત છે. ભરૂચ અને અંકલેશ્વરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે તથા અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી પડ્યો છે. તમામ નદી-નાળાં ઓવરફ્લો થવાની અણી પર હોવાથી સાવચેતીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

Most Popular

To Top