1999થી લંબાઈ રહેલા કેસ પર લખનૌ બેન્ચનો કડક સવાલ , ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઇનકાર, રાજ્ય સરકાર, પોલીસ અને ન્યાયિક તંત્રને જવાબદારી નિભાવવાનો આદેશ
ભારતીય ન્યાયિક વ્યવસ્થામાં વર્ષો સુધી ચાલતા કેસો અને વારંવાર મળતી મુદતો (તારીખો) અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે અત્યંત કડક ટિપ્પણી કરી છે. 25 વર્ષથી પેન્ડિંગ રહેલા એક અપહરણના ફોજદારી કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “તારીખ પર તારીખ” ભારતીય ન્યાય વ્યવસ્થાની ઓળખ બની શકે નહીં. જો કોઈ કેસ દાયકાઓ સુધી પૂર્ણ ન થાય તો તે માત્ર આરોપી કે પીડિત માટે નહીં, પરંતુ સમગ્ર ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે.
કોર્ટ સમક્ષ આવેલો કેસ વર્ષ 1999નો અપહરણનો છે. છેલ્લા પોણા ત્રણ દાયકાથી આ કેસનો અંત આવ્યો નથી. દરમિયાન અનેક વખત સુનાવણી મુલતવી રહી, સાક્ષીઓ હાજર રહ્યા નહીં, તપાસમાં વિલંબ થયો અને વિવિધ કારણોસર કેસ આગળ વધતો રહ્યો. આખરે આ સ્થિતિ પર હાઈકોર્ટની કડક પ્રતિક્રિયા સામે આવી. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે ફોજદારી કેસોમાં ઝડપથી ન્યાય મળવો નાગરિકનો બંધારણીય અધિકાર છે. જો કેસો વર્ષો સુધી અટકી રહે તો પીડિત પરિવારને ન્યાય મળતો નથી અને આરોપી પણ અનિશ્ચિતતામાં જીવન જીવવા મજબૂર બને છે. આવી પરિસ્થિતિ ન્યાય પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ નબળો બનાવે છે.
હાઈકોર્ટે લોકપ્રિય ફિલ્મી સંવાદ “તારીખ પર તારીખ” નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ શબ્દો હવે મજાક નહીં પરંતુ દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થાની ગંભીર સમસ્યાનું પ્રતીક બની ગયા છે. કોર્ટના મતે, વારંવાર મુદત આપવી એ કોઈ ઉકેલ નથી. દરેક મુદત પાછળ કોઈને કોઈ વ્યક્તિનું જીવન, અધિકાર અને ન્યાયની આશા જોડાયેલી હોય છે.કોર્ટે નોંધ્યું કે કેસોમાં વિલંબ માટે માત્ર અદાલતોને જવાબદાર ઠેરવી શકાય નહીં. તપાસ એજન્સીઓ, પોલીસ, સરકારી વકીલો, સાક્ષીઓની ગેરહાજરી, પૂરતા ન્યાયાધીશોનો અભાવ, વહીવટી ખામીઓ અને જરૂરી સંકલનના અભાવે પણ કેસો વર્ષો સુધી લંબાય છે.
તમામ સંબંધિત તંત્રોએ પોતાની જવાબદારી ગંભીરતાથી નિભાવવી જરૂરી છે. વધુમાં બેન્ચે એ પણ કહ્યું કે ફોજદારી ન્યાય વ્યવસ્થાનો મુખ્ય હેતુ સત્ય બહાર લાવવાનો અને સમયસર ન્યાય આપવાનો છે. જો કેસ 20 કે 25 વર્ષ સુધી ચાલે તો સાક્ષીઓની યાદશક્તિ ઘટી જાય છે, પુરાવા નબળા પડી જાય છે અને ન્યાયિક પ્રક્રિયાની અસરકારકતા પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં ન્યાય આપવો વધુ મુશ્કેલ બની જાય છે. કોર્ટે ખાસ કરીને જણાવ્યું કે લાંબા સમય સુધી ચાલતા કેસોથી પીડિત પરિવારો સૌથી વધુ માનસિક અને આર્થિક મુશ્કેલીનો સામનો કરે છે. બીજી તરફ આરોપી જો નિર્દોષ હોય તો વર્ષો સુધી તેના પર કેસનું કલંક રહે છે. તેથી ઝડપી સુનાવણી બંને પક્ષના હિતમાં છે.
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાય માત્ર આપવામાં આવે એટલું પૂરતું નથી, પરંતુ તે યોગ્ય સમયમાં મળવો પણ એટલો જ જરૂરી છે. વર્ષો પછી મળેલો નિર્ણય ઘણી વખત પોતાના મૂળ હેતુને પૂર્ણ કરી શકતો નથી. આથી નીચલી અદાલતો અને સંબંધિત અધિકારીઓએ લાંબા સમયથી પેન્ડિંગ કેસોને પ્રાથમિકતા આપવી જોઈએ.મહત્વ નું છે કે અદાલતે એ પણ નોંધ્યું કે દેશમાં લાખો ફોજદારી કેસો વર્ષોથી પેન્ડિંગ છે. આ સ્થિતિને સુધારવા માટે કેસ મેનેજમેન્ટ સિસ્ટમ મજબૂત કરવી,સાથે જ સમયમર્યાદા નક્કી કરવી, સાક્ષીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરવી અને તપાસ પ્રક્રિયામાં ઝડપ લાવવી જરૂરી છે.
હાઈકોર્ટના મતે, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે પણ પોતાની કામગીરીમાં સુધારો કરવો પડશે. ઘણી વખત ચાર્જશીટ મોડેથી દાખલ થાય છે, તપાસ અધૂરી રહે છે અથવા જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ થતા નથી. તેમજ પરિણામે કેસોમાં અનાવશ્યક વિલંબ થાય છે. કોર્ટે એ પણ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવાથી વિલંબ ઘટાડી શકાય છે. ડિજિટલ કેસ મેનેજમેન્ટ, ઈ-ફાઈલિંગ, વિડિયો કોન્ફરન્સિંગ અને સમયબદ્ધ સુનાવણી જેવી વ્યવસ્થાઓનો અસરકારક અમલ જરૂરી છે. કાનૂની નિષ્ણાતોના મતે, અલ્હાબાદ હાઈકોર્ટની આ ટિપ્પણી માત્ર એક કેસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશની ન્યાયિક વ્યવસ્થાને સંદેશ આપે છે. દેશમાં કરોડો કેસો પેન્ડિંગ છે અને જો સમયસર ન્યાય ન મળે તો લોકોનો ન્યાયપાલિકા પ્રત્યેનો વિશ્વાસ પ્રભાવિત થઈ શકે છે.
આ ચુકાદા દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક સંબંધિત સંસ્થાએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. ન્યાયાધીશો, પોલીસ, સરકારી વકીલો, તપાસ અધિકારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે યોગ્ય સંકલન હશે તો જ લાંબા સમયથી અટવાયેલા કેસોમાં ઝડપથી નિર્ણય આવી શકશે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે ફરી એકવાર દેશની ન્યાયિક વ્યવસ્થામાં સુધારા, ખાલી પડેલી ન્યાયાધીશોની જગ્યાઓ ભરવા, ઝડપી ટ્રાયલ અને કેસ મેનેજમેન્ટ અંગે ચર્ચા તેજ બનવાની શક્યતા છે. કોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે વર્ષો સુધી મળતી “તારીખ પર તારીખ” કોઈ પણ આધુનિક ન્યાય વ્યવસ્થાની ઓળખ બની શકે નહીં; સમયસર ન્યાય જ સાચો ન્યાય છે.