મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બનવાની આશંકા
દક્ષિણ ઈરાનમાં અનેક સ્થળોએ બોમ્બમારો, હોર્મુઝ જળમાર્ગમાં તણાવ ચરમસીમાએ; ઈરાને ગલ્ફ દેશોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ તેજ કર્યા, ટ્રમ્પે કહ્યું – જરૂર પડશે તો જમીની કાર્યવાહી પણ થશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાન પર નવા હવાઈ હુમલા કરીને પોતાની સૈન્ય કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ નબળી બનાવવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યવાહી થવાના સંકેતો આપવામાં આવ્યા છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ દક્ષિણ હોર્મોઝગાન પ્રાંતમાં અમેરિકી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકાએ કેટલાક નાગરિક વિસ્તારો તેમજ વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલા કર્યા છે.
અમેરિકી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાનના સૈન્ય મથકો, લોજિસ્ટિક સપોર્ટ નેટવર્ક, વ્યૂહાત્મક સ્થાનોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાનની હુમલો કરવાની ક્ષમતા ઘટાડવા માટે જરૂરી છે અને જ્યાં સુધી ઈરાનનો ખતરો યથાવત રહેશે ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. બીજી તરફ ઈરાને જવાબી કાર્યવાહી વધુ આક્રમક બનાવી છે. ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાના સમર્થનથી પસાર થવાનો પ્રયાસ કરનારા બે તેલ ટેન્કરોમાં વિસ્ફોટ થયા છે. ઉપરાંત ચાર જહાજોને રોકી દેવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા ભાગનું કાચું તેલ આ જ માર્ગથી પસાર થાય છે. અહીં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે અને અનેક દેશોએ પોતાની ઊર્જા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો જરૂર પડશે તો અમેરિકા માત્ર હવાઈ હુમલાઓ સુધી સીમિત નહીં રહે પરંતુ ગ્રાઉન્ડ ઓપરેશન એટલે કે જમીની સૈન્ય કાર્યવાહી પણ શરૂ કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણ રીતે નબળી પાડવા પ્રતિબદ્ધ છે અને કોઈપણ વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ઈરાને પણ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના વરિષ્ઠ સૈન્ય સલાહકાર મેજર જનરલ મોહસેન રઝાઈએ કહ્યું છે કે જો અમેરિકી હુમલાઓ આગામી બે કે ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તો ઈરાન સંપૂર્ણ આક્રમક યુદ્ધ શરૂ કરશે. તેમના જણાવ્યા અનુસાર ત્યારબાદ કોઈ રાજકીય સરહદ સુરક્ષિત રહેશે નહીં અને સમગ્ર વિસ્તાર યુદ્ધની જ્વાળામાં ઘેરાઈ શકે છે.IRGCના એરોસ્પેસ કમાન્ડર મેજિદ મૌસવીએ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાએ દક્ષિણ ઈરાન અને હોર્મુઝ વિસ્તાર પરના હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રહેશે.
યુદ્ધ હવે માત્ર અમેરિકા અને ઈરાન પૂરતું મર્યાદિત રહ્યું નથી. ઈરાને કતાર, કુવૈત, બહેરીન સહિતના અમેરિકી સહયોગી ગલ્ફ દેશોમાં પણ હુમલાઓ વધાર્યા છે. કુવૈતે જણાવ્યું કે ઈરાની હુમલામાં વીજળી અને પાણીની મહત્વપૂર્ણ સુવિધાને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે નાગરિકોને વીજળી અને પાણીનો બચાવ કરીને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.કતારે જણાવ્યું છે કે તેની હવાઈ સુરક્ષા પ્રણાલીએ ઈરાન તરફથી છોડવામાં આવેલી અનેક મિસાઈલોને આકાશમાં જ નિષ્ક્રિય કરી દીધી હતી. બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે તેણે કતારમાં અમેરિકાના રડાર સિસ્ટમ અને સૈન્ય વિમાનોને નિશાન બનાવ્યા છે.
અમેરિકા દ્વારા ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં આવેલા પુલો, બંદરો અને લોજિસ્ટિક સુવિધાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર બંદર અબ્બાસ અને ચાબહાર નજીકના વિસ્તારોમાં પણ હુમલાઓ થયા છે, જેથી ઈરાનની સૈન્ય પુરવઠા વ્યવસ્થા પર અસર થાય.જો કે ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને કેટલાક પુલ સહિત નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવ્યું છે. જોકે અમેરિકાએ આવા દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. સતત વધી રહેલા હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં માનવતાવાદી સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તેલ સપ્લાય, વેપાર, હવાઈ પરિવહન અને સમુદ્રી માર્ગો પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે.નિષ્ણાતોના મતે જો અમેરિકા ખરેખર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરે છે તો આ યુદ્ધ વધુ લાંબું અને વિનાશક બની શકે છે. અત્યાર સુધી હવાઈ હુમલા અને મિસાઈલ યુદ્ધ સુધી મર્યાદિત રહેલો સંઘર્ષ ત્યારબાદ જમીન પર સીધા સૈન્ય અથડામણમાં ફેરવાઈ શકે છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વની સુરક્ષા પર ગંભીર અસર પડશે.
હાલની સ્થિતિમાં અમેરિકા અને ઈરાન બંને દેશો પોતાના હુમલા વધુ તેજ બનાવી રહ્યા છે અને કોઈપણ પક્ષ પાછળ હટવા તૈયાર દેખાતો નથી. પરિણામે હોર્મુઝ જળમાર્ગ, ગલ્ફ દેશો અને સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો સતત વધી રહ્યો છે,જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર પર પણ તેની સીધી અસર પડી રહી છે.