Editorial

પ્લાસ્ટિકની ચલણી નોટનો ભારતનો નિર્ણય, પણ એટીએમ અને નોટ ગણવાના મશીન બદલવા પડશે

કોઈપણ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તેનું ચલણ હોય છે. સમય બદલાવાની સાથે ચલણનું સ્વરૂપ પણ બદલાતું રહ્યું છે. પ્રાચીન સમયના સિક્કાઓથી લઈને કાગળની નોટો અને આજના ડિજિટલ યુગમાં યુપીઆઈ સુધી. પરંતુ રોકડ વ્યવહારોની અનિવાર્યતા વચ્ચે હવે ભારતીય ચલણ વ્યવસ્થા એક મોટા અને ઐતિહાસિક પરિવર્તનની ઉંબરે આવીને ઊભી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જ પ્લાસ્ટિક (પોલિમર) નોટો છાપવા માટે જરૂરી ‘ઓપેસિફાઇડ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ’ ના ઉત્પાદન અને પુરવઠા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પગલું માત્ર એક પ્રક્રિયાગત ફેરફાર નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થા, ચલણની ટકાઉપણું અને નકલી નોટો સામેની લડાઈમાં એક ક્રાંતિકારી વળાંક સાબિત થઈ શકે છે.

શરૂઆતમાં રૂ. ૧૦ અને રૂ. ૨૦ ની નાની કિંમતની નોટોથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થનારી આ યોજના ૨૦૨૭ સુધીમાં પૂર્ણ સ્તરે અમલમાં આવવાની ધારણા છે. આ આધુનિકીકરણ સમયની માંગ છે અને તેની પાછળના આર્થિક તથા વ્યાવહારિક પાસાઓ ઊંડાણપૂર્વક સમજીએ.c વર્ષોથી આપણે જે કાગળની નોટોનો ઉપયોગ કરીએ છીએ તે વાસ્તવમાં શુદ્ધ કાગળ નથી હોતી, પરંતુ તેમાં કપાસના રેસાનો મોટો હિસ્સો હોય છે. તેમ છતાં, ભારત જેવા વિશાળ, ગીચ વસ્તી ધરાવતા અને વૈવિધ્યસભર આબોહવાવાળા દેશમાં કાગળની નોટોનું આયુષ્ય ખૂબ જ મર્યાદિત રહે છે. નાની મૂલ્યની નોટો (જેમ કે ૧૦, ૨૦, ૫૦) સામાન્ય લોકોના હાથમાં વારંવાર ફરે છે.

શાકભાજીની રેકડીઓથી લઈને નાના વેપારીઓ સુધીના દૈનિક વ્યવહારોમાં આ નોટો પાણી, ગંદકી, પરસેવો અને વારંવારના ફોલ્ડિંગને કારણે ઝડપથી ફાટી જાય છે અથવા મેલી થઈ જાય છે. દર વર્ષે ખરાબ થયેલી લાખો-કરોડો નોટોને ચલણમાંથી બહાર કરી તેનો નાશ કરવો પડે છે અને તેની જગ્યાએ નવી નોટો છાપવી પડે છે. આ પ્રક્રિયા આરબીઆઈ માટે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. માહિતી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં ચલણી નોટો છાપવાનો ખર્ચ વધીને રૂ. ૬,૩૭૨ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. નોટોના વારંવારના બગાડને રોકવો એ દેશના આર્થિક હિતમાં અનિવાર્ય બન્યું છે.

પ્લાસ્ટિક અથવા પોલિમર નોટો એ કોઈ પ્રયોગાત્મક વિચાર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સફળ સાબિત થયેલી ટેક્નોલોજી છે. હાલમાં વિશ્વના ૬૦ થી વધુ દેશો પોલિમર નોટોનો ઉપયોગ કરે છે, જેમાં ઓસ્ટ્રેલિયા આ ટેક્નોલોજી અપનાવનાર પ્રથમ દેશ હતો. ત્યારબાદ કેનેડા, સિંગાપોર, મલેશિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોએ તેને આંશિક કે પૂર્ણ રૂપે અપનાવી છે. ભારત માટે એટલે ફાયદાકારક છે, કારણ કે પોલિમર નોટો કાગળની નોટો કરતા સરેરાશ ૩ થી ૫ ગણું વધુ આયુષ્ય ધરાવે છે. તે પાણી પ્રતિરોધક અને ગંદકી પ્રતિરોધક હોય છે.

જો તેના પર ભૂલથી ચા, કોફી કે પાણી ઢોળાય, તો પણ તેને સરળતાથી લૂછીને સાફ કરી શકાય છે. ભારતની ભેજવાળી અને ગરમ આબોહવામાં આવી નોટો લાંબો સમય સુધી સુરક્ષિત રહેશે. ભારત સામે નકલી નોટોનું દૂષણ અને ટેરર ફંડિંગ હંમેશા એક મોટો પડકાર રહ્યા છે. પોલિમર શીટ્સ પર છાપકામ કરવાની પ્રક્રિયા જટિલ હોય છે અને તેમાં અત્યંત અદ્યતન સુરક્ષા સુવિધાઓ જેવી કે પારદર્શક વિન્ડોઝ, હોલોગ્રામ અને વિશેષ ઓપ્ટિકલ ઇન્કનો સમાવેશ કરી શકાય છે. સામાન્ય ગુનેગારો કે નકલી નોટોના નેટવર્ક માટે આવી આધુનિક પ્લાસ્ટિક નોટોની આબેહૂબ નકલ તૈયાર કરવી લગભગ અશક્ય બની જશે.

શરૂઆતમાં પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ ચોક્કસપણે કાગળની નોટો કરતા વધુ હોઈ શકે છે. પરંતુ તેનું આયુષ્ય ઘણું લાંબુ હોવાથી, વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત નહિવત થઈ જશે. લાંબા ગાળે આનાથી રિઝર્વ બેંકના હજારો કરોડ રૂપિયાના પ્રિન્ટિંગ ખર્ચની બચત થશે, જે આખરે દેશના અર્થતંત્રને જ મજબૂતી આપશે. કાગળની નોટો બેક્ટેરિયા અને વાયરસના ફેલાવા માટેનું મોટું માધ્યમ બને છે. પ્લાસ્ટિક નોટો બિન-છિદ્રાળુ હોવાથી તેના પર ગંદકી કે કીટાણુઓ ચોંટતા નથી, જેથી તે વધુ સ્વચ્છ રહે છે.

વધુમાં, જ્યારે આ નોટો જૂની કે નકામી થાય, ત્યારે તેને રિસાયકલ કરીને અન્ય પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવી શકાય છે, જે પર્યાવરણના દ્રષ્ટિકોણથી પણ હકારાત્મક બાબત છે. જો કે, પ્લાસ્ટિકની ચલણી નોટ બજારમાં ફરતી કરવાની સાથે જ અન્ય પણ અનેક પડકારો ઉભા છે. કારણ કે પ્લાસ્ટિક નોટોનું વજન, જાડાઈ અને પકડ કાગળની નોટો કરતાં અલગ હોય છે. આને કારણે દેશભરના લાખો એટીએમ મશીનો અને બેંકોના નોટ ગણવાના મશીનો બદલવા પડશે. તેઓ આ નવી પ્લાસ્ટિકની નોટ ગણી શકે તેવા બનાવવા પડશે. સરકાર ભલે પ્લાસ્ટિકની નોટ લાવે પરંતુ તેની સામે બેંકો અને ઉદ્યોગકારોને નોટ ગણવા માટે નવા મશીનો લેવા પડશે તે નક્કી છે.

Most Popular

To Top