Sports

ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી

ફિફા વર્લ્ડ કપ 2026માં કેનેડા અને કતર વચ્ચે રમાયેલી મેચ માત્ર પરિણામ માટે જ નહીં, પરંતુ મેચ બાદ સર્જાયેલા ભારે વિવાદને કારણે પણ ચર્ચામાં આવી ગઈ છે. વેન્કૂવરમાં રમાયેલી આ મેચમાં કેનેડાએ કતરને 6-0થી હરાવીને પોતાની પ્રથમ જીત નોંધાવી હતી, પરંતુ મેચના અંતે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે થયેલી ધક્કામુક્કી અને ઉગ્ર બોલાચાલીએ સમગ્ર ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધી હતી. મેચ દરમિયાન કતરના ખેલાડી અસીમ મદીબો અને કેનેડાના મિડફિલ્ડર ઇસ્માઇલ કોને વચ્ચે થયેલી એક ટક્કર સમગ્ર વિવાદનું મુખ્ય કારણ બની. સેકન્ડ હાફ દરમિયાન મદીબોએ કોને પર ખૂબ જ આક્રમક અને જોખમી ટૅકલ કર્યું હતું. આ ટક્કર એટલી ગંભીર હતી કે ઇસ્માઇલ કોને મેદાન પર જ પીડાથી કણસતા પડી ગયા હતા.

મેડિકલ ટીમ તરત જ મેદાનમાં પહોંચી હતી અને ઈજાની ગંભીરતા જોતા કોનેને સ્ટ્રેચર પર બહાર લઈ જવાની ફરજ પડી હતી. આ દૃશ્ય જોઈને કેનેડાના ખેલાડીઓ પણ ચિંતિત બની ગયા હતા અને ઘણા ખેલાડીઓ તેમના સાથીની આસપાસ એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને VAR દ્વારા ટક્કરની સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ બાદ રેફરીએ અસીમ મદીબોને સીધો રેડ કાર્ડ બતાવ્યો હતો. પરિણામે કતરની ટીમને બાકીની મેચ ઓછા ખેલાડીઓ સાથે રમવી પડી હતી. મેચ દરમિયાન જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. કેનેડાના ખેલાડીઓનું માનવું હતું કે કતરની ટીમ સતત આક્રમક અને જોખમી ટેકલ કરી રહી હતી. મેચ પૂર્ણ થતાં જ આ નારાજગી ખુલ્લેઆમ સામે આવી હતી. અંતિમ સિટી વાગ્યા બાદ બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ થોડી જ વારમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. વાતાવરણ એટલું ગરમાઈ ગયું હતું કે બંને ટીમના કોચને પણ મેદાનમાં ઉતરીને ખેલાડીઓને શાંત પાડવા પડ્યા હતા.

કેનેડાના મુખ્ય કોચ જેસી માર્શ અને કતરના કોચ જુલેન લોપેટેગી ખેલાડીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સ્થિતિને વધુ બગડતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા સ્ટાફ અને અધિકારીઓએ પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મામલો શાંત પાડ્યો હતો. વિવાદોથી ભરેલી આ મેચમાં કતરની ટીમને ભારે નુકસાન થયું હતું. રેડ કાર્ડના કારણે ટીમ અંતિમ તબક્કામાં માત્ર 9 ખેલાડીઓ સાથે રમતી જોવા મળી હતી. બીજી તરફ કેનેડાએ આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો હતો. મેચની વાત કરીએ તો કેનેડાની ટીમ શરૂઆતથી જ સંપૂર્ણ દબદબામાં જોવા મળી હતી. સ્ટાર ફોરવર્ડ જોનાથન ડેવિડે શાનદાર રમત બતાવી હતી અને હેટ્રિક નોંધાવી હતી. તેના કારણે કેનેડા પ્રથમ હાફ પૂર્ણ થતાં જ 3-0ની મજબૂત લીડ મેળવી ચૂક્યું હતું.

સેકન્ડ હાફમાં પણ કેનેડાની આક્રમક રમત યથાવત રહી હતી. કતરની ટીમ કોઈ ખાસ પ્રતિરોધ આપી શકી નહોતી અને કેનેડાએ વધુ ત્રણ ગોલ કરીને મેચ 6-0થી પોતાના નામે કરી લીધી હતી. આ જીત કેનેડા માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. વર્લ્ડ કપ 2026માં ટીમની આ પ્રથમ જીત છે અને તેણે આગળના રાઉન્ડ માટેની પોતાની આશાઓને વધુ મજબૂત બનાવી છે. જોકે, આ ઐતિહાસિક જીત વચ્ચે ઇસ્માઇલ કોનેની ઈજા કેનેડાના કેમ્પ માટે ચિંતાનો વિષય બની છે. હવે તેમની ઈજા કેટલી ગંભીર છે અને તેઓ આગામી મેચોમાં ઉપલબ્ધ રહેશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. ફિલહાલ તો કેનેડાની મોટી જીત કરતાં વધુ ચર્ચા મેચ દરમિયાન થયેલી ખતરનાક ટૅકલ, રેડ કાર્ડ અને મેચ બાદ ખેલાડીઓ વચ્ચે થયેલી મારામારીની થઈ રહી છે. ફિફા હવે આ સમગ્ર ઘટનાની સમીક્ષા કરીને વધુ કાર્યવાહી કરે છે કે નહીં, તે જોવાનું રહેશે.

Most Popular

To Top