ફિફા વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સે વધુ એક શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે. ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. સમગ્ર મેચ દરમિયાન ફ્રાન્સનું પ્રભુત્વ જોવા મળ્યું અને ટીમે શરૂઆતથી જ મોરોક્કો પર દબાણ જાળવી રાખ્યું. આ મેચમાં સ્ટાર ખેલાડી કિલિયન એમબાપ્પે અને ઉસ્માન ડેમ્બેલે જીતના હીરો રહ્યા. બંનેએ એક-એક ગોલ કરીને ફ્રાન્સને મહત્વપૂર્ણ જીત અપાવી. હવે ફ્રાન્સની ટીમ મંગળવારે ડલાસમાં રમાનારી સેમિફાઇનલમાં સ્પેન અથવા બેલ્જિયમ સામે ટકરાશે. ફ્રાન્સ માટે આ જીત ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ તેણે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. હવે ફ્રાન્સ સતત ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીત દૂર છે.
મેચની શરૂઆતથી જ ફ્રાન્સે આક્રમક રમત દેખાડી હતી. ટીમે સતત મોરોક્કોના ગોલ પર હુમલા કર્યા અને બોલ પર પોતાનો કબજો જાળવી રાખ્યો. આખી મેચમાં ફ્રાન્સે ગોલ તરફ કુલ 21 શોટ લગાવ્યા, જ્યારે મોરોક્કો માત્ર 4 શોટ જ મારી શક્યું. આ આંકડા જ દર્શાવે છે કે મેચ દરમિયાન ફ્રાન્સનું કેટલું પ્રભુત્વ રહ્યું. મેચની 25મી મિનિટે મોરોક્કોના ડિફેન્ડર નુસૈર મજરાઉઈએ પેનલ્ટી બોક્સમાં કિલિયન એમબાપ્પેને ફાઉલ કર્યો હતો. જેના કારણે રેફરીએ ફ્રાન્સને પેનલ્ટી આપી. જોકે, 28મી મિનિટે એમબાપ્પેનો પેનલ્ટી શોટ મોરોક્કોના ગોલકીપર યાસીન બોનોએ શાનદાર રીતે બચાવી લીધો હતો. આ બચાવથી મોરોક્કોના ચાહકોમાં આશા જાગી હતી. પરંતુ પેનલ્ટી ચૂક્યા બાદ પણ એમબાપ્પે નિરાશ થયો નહોતો. તેણે સતત આક્રમક રમત ચાલુ રાખી અને આખરે 60મી મિનિટે અદભૂત ગોલ કરીને ફ્રાન્સને 1-0ની સરસાઈ અપાવી. આ ગોલ સાથે એમબાપ્પેએ પોતાના વર્લ્ડ કપ કરિયરના 20 ગોલ પૂર્ણ કર્યા. હવે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં લિઓનલ મેસીના રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ છે.
પ્રથમ ગોલ બાદ મોરોક્કોએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફ્રાન્સના મજબૂત ડિફેન્સ સામે તે સફળ થઈ શક્યું નહીં. મેચની 66મી મિનિટે ફ્રાન્સે બીજો ગોલ નોંધાવ્યો. એમબાપ્પેએ પોતાના શાનદાર ડ્રિબલિંગથી મોરોક્કોના ડિફેન્ડરોને પોતાની તરફ ખેંચ્યા અને યોગ્ય સમયે બોલ ઉસ્માન ડેમ્બેલેને પાસ કર્યો. ડેમ્બેલેએ કોઈ ભૂલ કર્યા વગર બોલને સીધો ગોલમાં મોકલી દીધો. આ ગોલ ટૂર્નામેન્ટમાં તેનો પાંચમો ગોલ રહ્યો. મોરોક્કોને પણ કેટલીક તક મળી હતી. હાફ ટાઇમ પહેલા અશરફ હકીમીને ફ્રી કિક પરથી ગોલ કરવાની સારી તક મળી હતી, પરંતુ તેનો પ્રયાસ ગોલ પોસ્ટની બહાર ગયો હતો. ત્યારબાદ પણ મોરોક્કો કોઈ અસરકારક હુમલો કરી શક્યું નહીં.
ફ્રાન્સની આ જીતે ફરી એકવાર સાબિત કર્યું કે તે આ વર્લ્ડ કપ જીતવાના સૌથી મોટા દાવેદારોમાંની એક ટીમ છે. એમબાપ્પે, ડેમ્બેલે અને ટીમના અન્ય ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હવે તમામની નજર સેમિફાઇનલ પર રહેશે, જ્યાં ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. જો ફ્રાન્સ આ મેચ પણ જીતી જશે તો તે સતત ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન બનાવશે.