વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC)ની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરના વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર ધમકીભર્યો ઈ-મેઇલ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઇલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કચેરી સહિત સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈ-મેઇલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ વિભાગ પણ તપાસમાં જોડાયો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીની સત્યતા અંગે તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. ઘટનાને લઈને કર્મચારીઓ અને નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.