ફાયરની બે ટીમોએ કાબૂ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDC વિસ્તારમાં આવેલી પહારકૂલ કુલિંગ ટાવર નામની ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની બે ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમોની સમયસરની કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. GIDC વિસ્તારમાં વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને ઉદ્યોગ એકમોમાં સલામતીના સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઉભા થયા છે.