અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારો વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બુધવારે જણાવ્યું હતું કે તેણે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાના પાંચમા નૌકાકાફલા અને એક અમેરિકન એરબેઝને નિશાન બનાવ્યું હતું. IRGC કહે છે કે આ એક બદલો લેવા માટેનો હુમલો હતો, કારણ કે અમેરિકાએ તેના ટેલિકોમ એન્ટેના અને ઈરાની તેલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. દરમિયાન યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ કહ્યું કે તેણે અનેક ઈરાની બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનને અટકાવીને તેનો નાશ કર્યો છે. આ પહેલાં અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે ઈરાન તરફ જઈ રહેલા ખાલી તેલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાને આ ક્ષેત્રના પડોશી દેશો પર અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ તેમના લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. અમેરિકાએ દાવો કર્યો હતો કે કુવૈત પર છોડવામાં આવેલી બે મિસાઇલો કાં તો ક્રેશ થઈ ગઈ હતી અથવા તેમના લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં જ નાશ પામી હતી અને બહેરીન પર છોડવામાં આવેલી ત્રણ અન્ય મિસાઇલોને અમેરિકન અને બહેરીની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા ઝડપથી અટકાવી દેવામાં આવી હતી. ઈરાની સૂત્રોએ દાવો કર્યો છે કે કુવૈતમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા છે અને એક અમેરિકન પેટ્રિઅટ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ છે.
સેન્ટકોમના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે થોડી મિનિટો પહેલાં અમેરિકી દળોએ ઈરાન દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતાં નાગરિક જહાજો પર છોડવામાં આવેલાં ત્રણ આત્મઘાતી ડ્રોનને તોડી પાડ્યાં હતાં. સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકન સેનાએ સ્વ-બચાવમાં કેશમ ટાપુ પર ઈરાની લશ્કરી ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામ દરમિયાન તેનાં દળો સતર્ક રહેશે અને ઈરાન દ્વારા ઉશ્કેરણી વિનાના આક્રમણનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ રીતે યુદ્ધવિરામ પૂર્વેનું યુદ્ધ ચાલી રહ્યું છે.
દરમિયાન અમેરિકા અને ઈરાન બંનેએ સંકેત આપ્યો છે કે તેઓ ૮ એપ્રિલે જાહેર કરાયેલા યુદ્ધવિરામ પછી બંધ થયેલ યુદ્ધ ફરી શરૂ કરવા માંગતા નથી. બંને વચ્ચે નિયમિત સમયાંતરે લશ્કરી અથડામણો થવા છતાં પાકિસ્તાન, કતાર અને કેટલાક અન્ય દેશોની મધ્યસ્થી હેઠળ ચાલી રહેલી વાટાઘાટો અટકી નથી. અમેરિકા પાસે હજુ પણ શક્તિશાળી નૌકાદળ અને વાયુસેના છે જે ઈરાન પર હુમલો કરવા સક્ષમ છે. એવું માની શકાય છે કે ઈરાની શાસને તેનાં દળોને હાઈ એલર્ટ પર રાખ્યાં છે અને અમેરિકન તથા ઇઝરાયલી હુમલાઓથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે યુદ્ધવિરામનો ઉપયોગ કરી રહ્યું છે. તે કદાચ આનો ઉપયોગ પોતાની લશ્કરી વ્યવસ્થાને ફરીથી મજબૂત કરવા માટે પણ કરશે. ગલ્ફ ક્ષેત્રમાં લશ્કરી તણાવ બંને પક્ષો માટે ગેરસમજનું નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. અમેરિકા ઈરાન પર દબાણ જાળવી રાખવા માંગે છે જેથી તેને છૂટછાટો આપવાની ફરજ પડે. આ માટે અમેરિકા પોતાની હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું છે.
ઈરાન અમેરિકાને સંદેશ આપી રહ્યું છે કે તેનો પ્રતિકાર કરવાનો સંકલ્પ નબળો પડ્યો નથી. જો જરૂરી હોય તો તે આરબ દેશોમાં અમેરિકન બેઝના માળખાને નિશાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કોઈ પણ વ્યાપક કરારનો પ્રથમ ઉદ્દેશ શું હશે. તેનો ઉદ્દેશ યુદ્ધવિરામ જાળવી રાખવાનો અને વધુ વાટાઘાટો માટે એજન્ડા પર સમજૂતી-પત્ર તૈયાર કરવાનો રહેશે, પરંતુ આ લક્ષ્ય સુધી પહોંચવું સરળ લાગતું નથી.
ઇઝરાયલે જાહેરાત કરી છે કે તેનાં બોમ્બર વિમાનો ફરીથી બેરૂત પર હુમલો કરશે, જેનાથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પો વધુ મર્યાદિત થઈ ગયા છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ચિંતા નહીં હોય કે લેબનોનમાં તેમની નવી લશ્કરી કાર્યવાહીથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો સોદો વધુ મુશ્કેલ બની શકે છે. તેઓ શરૂઆતથી જ ઈરાન સાથે યુદ્ધવિરામના પક્ષમાં નહોતા. તેમના માટે અમેરિકા અને ઈરાન વચ્ચેનો કોઈ પણ કરાર ખરાબ કરાર છે. ઈરાન હજુ પણ લેબનોનમાં તેના સાથી અને પ્રતિનિધિ સંગઠન હિઝબુલ્લાહને સમર્થન આપે છે. ઈરાને સંકેત આપ્યો છે કે અમેરિકા સાથેના કોઈ પણ મોટા કરારમાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીનો અંત પણ સામેલ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સંયમ રાખવા કહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ તો ઈરાન તેને ફરીથી ખોલવાના બદલામાં મોટી કિંમત મેળવવા માંગે છે. આ કિંમત પ્રતિબંધોમાંથી રાહત અથવા તેની સ્થિર સંપત્તિ મુક્ત કરવાના સ્વરૂપમાં હોઈ શકે છે. ગંભીર વાટાઘાટો શરૂ કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું જરૂરી માનવામાં આવે છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું હતું. હવે બહુ ઓછાં જહાજો આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ શકે છે.
સાઉદી અરેબિયા રાતા સમુદ્રનાં બંદરો સુધી પાઇપલાઇન દ્વારા કેટલાક તેલનું પરિવહન કરી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) પાસે પણ એક પાઇપલાઇન છે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓમાનના અખાત પરના તેના ટર્મિનલ્સ સુધી તેલનું પરિવહન કરે છે. આમ છતાં, વિશ્વ સામાન્ય પુરવઠાની તુલનામાં આશરે ૨૦ ટકા તેલ અને ગેસની અછતનો સામનો કરી રહ્યું છે. અન્ય આવશ્યક નિકાસને પણ અસર થઈ છે. જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, તો તેની અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે.
ભલે અમેરિકા હવે પહેલાં જેટલું ગલ્ફના ઓઇલ પર નિર્ભર નથી, તેમ છતાં ત્યાં પેટ્રોલના ભાવ હજુ પણ આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા છે. તેમણે યુદ્ધ શરૂ કર્યું હતું અને એવું માનીને યુદ્ધ શરૂ કર્યું હતું કે તે એક સરળ જીત હશે, પરંતુ હવે તેઓ તેનાં પરિણામોનો સામનો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના નજીકના સાથી બેન્જામિન નેતન્યાહૂએ ધાર્યું હતું કે તેમની વાયુસેનાની તાકાત ઈરાનના ઇસ્લામિક શાસનને ઉથલાવી પાડવા માટે પૂરતી હશે, પરંતુ તેમની ગણતરી ખોટી સાબિત થઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. તેમની પાસે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ રસ્તો નથી અને ઈરાની સરકાર પણ ઇચ્છે છે કે પરિસ્થિતિ એવી જ રહે. ઈરાન સામેનું યુદ્ધ અમેરિકામાં ખૂબ જ અપ્રિય છે અને જો તે ફરીથી ઉગ્ર બનશે, તો વધુ અમેરિકનો તેની વિરુદ્ધ જશે. ડોનાલ્ડ ટ્રમ્પની સમસ્યા એ છે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઈરાન જે છૂટછાટો માંગશે તેનો તેમના પોતાના રિપબ્લિકન પાર્ટીના કટ્ટરપંથી નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે. વધુમાં, ટ્રમ્પ પોતે આ સંઘર્ષને પોતાની જીત તરીકે રજૂ કરવા માંગે છે, જે તેમની મુશ્કેલીઓમાં વધારો કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સાથે કરેલા કોઈ પણ કરારની સરખામણી ૨૦૧૫માં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા પરમાણુ કરાર સાથે કરવામાં આવે તે માટે ખૂબ જ અનિચ્છા ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તે કરારની આકરી ટીકા કરી હતી અને તેમના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકાને તેમાંથી બહાર કાઢ્યું હતું. ઈરાનમાં સત્તા પર બેઠેલાં લોકો માને છે કે તેઓ તેમની સરકાર અને શાસનના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. એ વાત લગભગ સ્પષ્ટ છે કે જો અમેરિકા અને ઇઝરાયલ વધુ હવાઈ હુમલા કરે તો પણ ઇરાન તેના વલણથી પાછળ હટવાનું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સર્વોપરિતા સાબિત કરવા આ યુદ્ધમાં ઊતર્યા હતા, પણ યુદ્ધમાં પછડાટને કારણે અમેરિકાની આબરૂના કાંકરા થઈ ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.