કર્ણાટકની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સત્તા પરિવર્તનના નાટક વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે દિલ્હી ખાતે મહત્વપૂર્ણ રણનીતિ ઘડી છે. મુખ્યમંત્રી પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ હવે ડી.કે. શિવકુમારને રાજ્યની કમાન સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ છે,પરંતુ મહત્વ નું છે કે તેની સાથે વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાની રાજકીય પ્રતિષ્ઠા અને પ્રભાવ જળવાઈ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ માટે કર્ણાટક દક્ષિણ ભારતનું સૌથી મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે. આવા સમયે સત્તા પરિવર્તન દરમિયાન કોઈ આંતરિક વિવાદ બહાર ન આવે અને પક્ષમાં બે સત્તાકેન્દ્રો ઉભા ન થાય તે માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓએ દિલ્હી ખાતે અનેક બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ડી.કે. શિવકુમાર , સિદ્ધારમૈયા બંનેને સાથે રાખીને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.
ડીકે શિવકુમાર બન્યા કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા
કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ની બેઠકમાં ડી.કે. શિવકુમારને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમના માટે મુખ્યમંત્રી પદનો માર્ગ સત્તાવાર રીતે ખુલ્લો થયો છે. રસપ્રદ બાબત એ રહી કે સિદ્ધારમૈયાએ પોતે જ ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અન્ય નેતાઓએ સમર્થન આપ્યું. બેઠક દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાના કાર્યકાળની પ્રશંસા કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો. આ પગલું કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવા માટે લેવામાં આવ્યું હતું કે સત્તા પરિવર્તન છતાં સિદ્ધારમૈયાની ભૂમિકા પક્ષમાં યથાવત રહેશે.
સિદ્ધારમૈયાને પણ આપવામાં આવ્યું મહત્વ
સત્તા પરિવર્તન દરમિયાન સિદ્ધારમૈયાના સમર્થકોમાં કોઈ અસંતોષ ન ફેલાય તે માટે કોંગ્રેસે તેમને જવાબદારીઓ આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકીય નિરીક્ષકોના મતે આ નિર્ણય દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને સન્માનજનક સ્થાન આપીને આંતરિક અસંતોષ ટાળવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય સરકાર અને પક્ષ સંગઠન વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે એક કોઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી શકે છે. જોકે કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવી વ્યવસ્થા કર્ણાટકમાં બે સત્તાકેન્દ્રો ઉભા કરી શકે છે.
કોંગ્રેસ માટે કેમ મહત્વપૂર્ણ છે સંતુલન?
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કર્ણાટકમાં ભવ્ય જીત મેળવી હતી. ત્યારથી જ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે નેતૃત્વને લઈને ચર્ચાઓ ચાલતી રહી હતી. બંને નેતાઓના રાજ્યમાં મજબૂત સમર્થન આધાર છે. તેમજ સિદ્ધારમૈયા ઓબીસી અને ગ્રામ્ય મતદારોમાં પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે, જ્યારે ડી.કે. શિવકુમાર સંગઠન સંચાલન, ચૂંટણી વ્યવસ્થાપનમાં માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ માનવામાં આવે છે.કોંગ્રેસ હાઈકમાન્ડ માટે બંને નેતાઓ વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે, કારણ કે કોઈપણ પ્રકારનો આંતરિક વિવાદ રાજ્ય સરકારની સ્થિરતા અને 2028ની ચૂંટણીની તૈયારીઓને અસર કરી શકે છે.
ડીકે શિવકુમાર સામે પડકારોની લાંબી યાદી
મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ડી.કે. શિવકુમાર સામે અનેક પડકારો ઊભા રહેશે. તેમાં મંત્રીમંડળ રચના, જાતિ આધારિત રાજકીય સમીકરણો, વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન તથા પક્ષની અંદરની જૂથબાજી પર નિયંત્રણ જેવા મુદ્દાઓ મુખ્ય રહેશે.રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે શિવકુમાર માટે સૌથી મોટો પડકાર સિદ્ધારમૈયાના પ્રભાવની વચ્ચે પોતાની સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરવાનો રહેશે. કારણ કે સિદ્ધારમૈયા હજુ પણ રાજ્યની રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી નેતા છે.
દિલ્હીનો સંદેશ: એકતા જ સૌથી મોટું હથિયાર
કોંગ્રેસ નેતૃત્વનો સ્પષ્ટ સંદેશ છે કે કર્ણાટકમાં કોઈ પણ પ્રકારની ગૃપબાજી કે સત્તા સંઘર્ષ જાહેરમાં દેખાવા ન જોઈએ. દિલ્હી ખાતે થયેલી બેઠકોમાં બંને નેતાઓને સાથે રાખીને પક્ષની એકતા જાળવવા અને સરકારને સ્થિર રીતે આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ડી.કે. શિવકુમારના શપથગ્રહણ સાથે કર્ણાટકમાં એક નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ રહી છે, પરંતુ આ પરિવર્તન કેટલું સફળ બને છે તે આગામી મહિનાઓમાં કોંગ્રેસની આંતરિક એકતા અને નેતૃત્વની કાર્યશૈલી પર નિર્ભર રહેશે. હાલ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે એવો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે કે જેમાં ડી.કે. શિવકુમારને સત્તાની કમાન મળે અને સિદ્ધારમૈયાનું રાજકીય કદ પણ યથાવત રહે. રાજકીય વર્તુળોમાં હવે નજર એ વાત પર છે કે આ સંતુલન કેટલો સમય સુધી ટકી શકે છે અને શું કોંગ્રેસ કર્ણાટકમાં કોઈ નવા રાજકીય નાટકને ટાળી શકશે કે નહીં.