Gujarat

ગુજરાતમાં 6 જૂન સુધી વરસાદી માહોલ, રાજ્યમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સંકેત આપ્યા છે. 2 જૂનથી 6 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સોમવારે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. અમદાવાદમાં 42 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભાવનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું હતું. વડોદરા અને અમરેલીમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેર માટે આવતીકાલે 2 જૂને સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું.

હવામાન વિભાગે 2 જૂન માટે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.

2 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3 અને 4 જૂને પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે. 5 અને 6 જૂને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2થી 3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. રાજ્ય ઉપર સક્રિય વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.હવામાન વિભાગે ખેડૂતો, માછીમારો અને નાગરિકોને ગાજવીજ તથા તેજ પવન દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

Most Popular

To Top