વૃદ્ધના માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા :
પોલીસે ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર જાંબુવા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુરપાટ ઝડપે આવી રહેલા આઈસરના ચાલકે સાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં આઈસરની ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત જોઈને આસપાસના રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, આઈસર ચાલકે સાયકલ સવારને ટક્કર માર્યા બાદ વાહન રોક્યા વિના જ નાસી છૂટ્યો હતો. પોલીસે ફૂટેજના આધારે આઈશરનો નંબર મેળવીને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. દિવસે ને દિવસે નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આ હિટ એન્ડ રનની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ હાઈવે પર સ્પીડ લિમિટ અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.