Gujarat

ચોમાસા દરમિયાન રાજ્યમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર સતર્ક : તમામ વીજ વિતરણ કંપનીઓને તાત્કાલિક તૈયારીના આદેશ

ગાંધીનગર,

રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન ખેડુતો અને પ્રજાજનોને કોઈપણ વિક્ષેપ વિના સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત સરકાર સજ્જ બની છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે તમામ વીજ વિતરણ કંપનીઓ (DISCOMs) ને પૂર્વ તૈયારીના ભાગરૂપે તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ઋષિકેશ પટેલ દ્વારા લખવામાં આવેલા તાકીદ-અગત્યના પત્રમાં જણાવાયું છે કે ચોમાસા દરમિયાન વાવાઝોડા, ભારે વરસાદ કે પવનના કારણે વીજ માળખાને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે તમામ ફીડરો તેમજ સંબંધિત ઇલેક્ટ્રિકલ સાધનો સંપૂર્ણ રીતે તૈયાર, ચકાસાયેલા અને પ્રમાણિત રાખવા સૂચના આપવામાં આવી છે.

પટેલે તમામ વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ના અધિકારીઓને પોતાના વિસ્તારના વીજ ફીડરોની સતત મોનીટરીંગ રાખવા તેમજ જરૂરિયાત મુજબ સમયસર જાળવણી કામગીરી પૂર્ણ કરવાની પણ હાકલ કરી છે. ઉપરાંત, ચોમાસા દરમિયાન બ્લેકઆઉટ, થાંભલા તૂટી પડવા કે અન્ય વીજ અકસ્માતોની સ્થિતિમાં તાત્કાલિક નિવારણ માટેની વ્યવસ્થા સક્રિય રાખવા જણાવ્યું છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા તમામ વીજ વિતરણ કંપનીઓ સાથે સંકલન સાધી વિસ્તૃત સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. સાથે જ તમામ ડિસ્કોમોને આ આદેશોના પાલનની “સેલ્ફ કમ્પ્લાયન્સ રિપોર્ટ” તા. ૦૫ જૂન ૨૦૨૬ સુધી GUVNLને સોંપવા પણ નિર્દેશ અપાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતો અને પ્રજાજનોને સલામત અને અવિરત વીજ સેવા ઉપલબ્ધ રહે તે માટે વિશેષ તકેદારી હાથ ધરવામાં આવી હોવાનું આ પત્રથી સ્પષ્ટ થાય છે.

Most Popular

To Top