એક ઝેનગુરુ ખુબ જ લોકપ્રિય હતા, તેઓ ગામ ગામ ફરતા રહેતા; ન તેમનો કોઈ આશ્રમ હતો… ના કોઈ શિષ્યો… હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય,જે મળે તે ખાય અને જે કોઈ કઈ પણ પૂછે એક શબ્દમાં જ જવાબ આપે ન વધુ બોલવું… ન કઈ પૂછવું એક દિવસ તેમને મળવા તેમનો બાળપણનો મિત્ર આવ્યો, મિત્રે પોતાની ઓળખાણ આપી પૂછ્યું, ‘દોસ્ત કેમ છે ?’ ઝેનગુરુ બોલ્યા, ‘મજા માં’ દોસ્તે આગળ પૂછ્યું, ‘મને નહિ પૂછે હું કેમ છું ?’ ઝેનગુરુ બોલ્યા, ‘ના’
દોસ્તને નવાઈ લાગી કે આવો કેવો જવાબ છતાં તેને આગળ કહ્યું, ‘બીજા ઝેન માસ્તરના તો આશ્રમો છે કેટલા બધા શિષ્યો છે અને તું આમ એક ગામ થી બીજે ગામ ફરે છે તેનું તને દુઃખ નથી?’ ઝેનગુરુએ હસીને કહ્યું, ‘ના’ મિત્રને જાણે વિશ્વાસ ન થતો હોય તેમ તેણે ફરી પૂછ્યું, ‘સાચે તને કોઈ દુઃખ નથી કે હજી તારો આશ્રમ નથી બન્યો.’ ઝેનગુરુએ કહ્યું, ‘ના’ મિત્રે કહ્યું, ‘તું ભલે ઝેનગુરુ બની ગયો હોય પણ હું તારો બાળપણનો મિત્ર છું તું તારા સુખ દુઃખની વાત મને કરી શકે છે તને કોઈ મદદ જોઈતી હોય આશ્રમ માટે ભંડોળ જોઈએ છે તો હું આપી શકું છું.’ ઝેનગુરુએ ફરી કહ્યું, ‘મને કોઈ દુઃખ નથી.’ મિત્ર બોલ્યો, ‘આ કઈ રીતે શક્ય છે કે કોઈ દુઃખ નથી.’
ઝેનગુરુએ કહ્યું, ‘બરાબર સાંભળી લે અને સમજી લે કે મને કોઈ દુઃખ નથી કારણ કે મને જીવનમાં કોઈના તરફથી કોઈ અપેક્ષા નથી …બીજા કોઈ તો ઠીક મને મારી પોતાની જાત તરફ પણ કોઈ અપેક્ષા નથી ..મને જીવન પ્રત્યે પણ કોઈ આશા અપેક્ષા નથી…મારા મનમાં કોઈ પાસેથી કઈ મેળવી લેવાની ,જીવનમાં કઈ મેળવી લેવાની કોઈ ભાવના જ નથી એટલે મને ક્યારેય કોઈ દુઃખ થતું જ નથી. જેને કોઈ પાસેથી કોઈ આશા અપેક્ષા જ ન હોય તેને કોઈ દુઃખી કરી જ ન શકે.’ ઝેનગુરુએ પહેલીવાર લાંબો જવાબ આપી પોતાની વાત સમજાવી. ઝેનગુરુ જેવી ઉચ્ચતમ કક્ષાએ પહોંચવું તો અશક્ય લાગે પણ હા જીવનમાં સુખી થવું હોય અને દુઃખી ન થવું હોય તો અપેક્ષાઓ ઓછી કરો.