Business

ગાંધીમય ભારત અને સંઘ

બન્યું એવું કે ૧૯૨૫ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારે દેશ ગાંધીમય બની ગયો હતો અને ગાંધીનો અભિગમ માતૃહૃદયી રાષ્ટ્રવાદનો હતો. એવું પણ નહોતું કે સંતો અને સૂફીઓની માફક ગાંધીજી માત્ર સત્ય અને અહિંસાની વાત કરતા હતા, ઉલટું તેમણે તો દેશને જગાડી દીધો હતો અને પહેલીવાર અંગ્રેજોને નવી પ્રજાકીય તાકાતની નોંધ લેવી પડી હતી. ભારતની પ્રજાને પહેલીવાર અહેસાસ થયો હતો કે આ માણસ દેશને આઝાદી અપાવી શકે એમ છે. ખૂદ વલ્લભભાઇ પટેલે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ગાંધીજીએ કરેલા ભાષણની વિગતો વાંચીને ગુજરાત ક્લબમાં બ્રીજ રમતા રમતા મિત્રો સમક્ષ ઉદ્ગાર કાઢ્યા હતા કે, “મરદનો દીકરો છે આ માણસ. ભારતને આ માણસ આઝાદી જરૂર અપાવશે.” માત્ર ભારતને નહીં, આખા જગતને પહેલીવાર માતૃહૃદયી પૌરુષનો પરિચય થયો હતો. ૧૯૧૫ની સાલમાં ગાંધીજી ભારત આવ્યા અને ૧૯૨૫ સુધીમાં હિંસક ક્રાંતિ કરવાની પ્રવૃત્તિ લગભગ થંભી ગઈ હતી. ઘણા ક્રાંતિકારીઓ ગાંધીજી સાથે જોડાઈ ગયા હતા.


આ સિવાય કોંગ્રેસના આગલી પેઢીના જહાલ નેતાઓ, જે મોટાભાગે હિન્દુહિતના પુરસ્કર્તા હતા, કંઈક હિન્દુવાદી પણ હતા તેઓ રાજકીય આકાશમાંથી વિલીન થઈ ગયા હતા. અરવિંદ ઘોષ રાજકારણ છોડીને કાયમ માટે આધ્યાત્મિક ખોજ કરવા પોંડીચેરી જતા રહ્યા. બીપીનચન્દ્ર પાલને ગાંધીજી સાથે મતભેદો થતા ૧૯૨૦ની સાલમાં રાજકારણમાંથી નિવૃત્ત થઈ લંડન સ્થાયી થઈ ગયા. લાલા લાજપત રાયના પણ ગાંધીજી સાથે મતભેદ હતા. તેમણે અહિંસાની વિરુદ્ધ એક લેખ લખ્યો હતો અને ગાંધીજીએ તેમની સામે પ્રતિવાદ કર્યો હતો. ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો, છતાંય તેઓ ગાંધીજી સાથે લડતમાં ભાગ લેતા હતા, પણ સાયમન કમીશનના બહિષ્કાર વખતે તેમના પર કરવામાં આવેલા લાઠીચાર્જમાં ગંભીર રીતે ઈજા થવાથી તેઓ ૧૯૨૮ની સાલમાં આવસાન પામ્યા. લોકમાન્ય તિલક સપ્ટેમ્બર ૧૯૧૮થી ઓક્ટોબર ૧૯૧૯ સુધી એક વરસ લંડનમાં હતા અને ૧૯૨૦ના ઓગસ્ટ મહિનામાં તેમનું અવસાન થયું. લોકમાન્ય તિલકે અલબત્ત તેમના અનુયાયીઓને કહ્યું હતું કે તેમણે ગાંધીનું નેતૃત્વ સ્વીકારવું જોઈએ. કેટલાકે સ્વીકારી પણ લીધું હતું.
ટૂંકમાં ૧૯૨૫ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારે ગાંધીજી ભારતીય રાજકારણની ભ્રમણકક્ષામાં સૂર્યરૂપે કેન્દ્રમાં હતા.
આ બાજુ વિનાયક દામોદર સાવરકરનું શું થયું એના પર એક નજર કરી લઈએ. તેઓ જાનકુરબાન કરનારી હિંસક ક્રાંતિ કરીને ભારતની આઝાદી માટે ઝંખતા ક્રાંતિકારી હતા, પણ શ્યામજી કૃષ્ણવર્માએ કહ્યું હતું એમ લંડનમાં સુરક્ષિત જગ્યાએ રહીને. સાવરકરે તેને નામ આપ્યું હતું; ‘શત્રુની છાવણી’. આ શત્રુની છાવણી હિન્દુબહુલ ભારતની છાવણી કરતાં વધારે સુરક્ષિત હતી, પણ તેમના કમનસીબે તેમના માટે એ શત્રુની છાવણી ખરેખર શત્રુની છાવણી સાબિત થઈ.
૧૯૦૯ની સાલના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ લંડનમાં સર વિલિયમ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. અંગ્રેજોને ખાતરી હતી કે આ વિનાયક દામોદર સાવરકરની ઉશ્કેરણીનું પરિણામ છે.
જુલાઈ મહિનામાં વાઈલીનું ખૂન થયું એ પછી તરત ૨૧મી ડિસેમ્બરે નાસિકમાં માત્ર ૧૮ વરસની ઉંમરના તરુણ અનંત ક્ન્હેરેએ નાસિક જીલ્લાના કલેકટર એ. એ. ટી. જેક્સનનું ખૂન કર્યું. તેણે કબૂલ કર્યું કે તેના પર સાવરકરનો પ્રભાવ હતો. તેણે એમ પણ કહ્યું હતું કે જે પિસ્તોલ જેક્સનનું ખૂન કરવા માટે વાપરવામાં આવી હતી એ સાવરકરે મોકલી હતી.
અહીં હજુ એક વાત જણવી દઉં. પ્રસિદ્ધ મરાઠી ઈતિહાસકાર યશવંત દિનકર ફડકેએ લખેલા પુસ્તક ‘વિસાવા શતકાચા ઈતિહાસ’ (૨૦મી સદીનો મહારાષ્ટ્રનો ઈતિહાસ) અને ‘શોધ સાવરકરાંચા’ નામનાં પુસ્તકમાં સાવરકરનો મહારાષ્ટ્રના તરુણો પર કેટલો પ્રભાવ હતો તેની વિગતો આપી છે. અંગ્રેજોનો ગુપ્તચર વિભાગ મહારાષ્ટ્રના દરેક જિલ્લામાંથી માહિતી મોકલતો હતો કે સાવરકરના ‘અભિનવ ભારત’ સામયિકમાં પ્રકાશિત થતા તેમના ઉત્તેજના પેદા કરનારા લેખોએ મહારાષ્ટ્રમાં અનેક તરુણોની અંદર દેશપ્રેમની આગ પ્રગટાવી છે.
ફડકેએ એ વાતની પણ નોંધ લીધી છે કે તરુણ ક્રાંતિકારીઓનાં માબાપની અંદર પણ અસંતોષ પેદા થવા લાગ્યો હતો. જે તે મરાઠી સામયિકોમાં લેખો અને પત્રો છપાવા લાગ્યા હતા કે સાવરકર પોતે લંડનમાં સુરક્ષિત જગ્યાએ રહીને ભણે છે અને અમારા સંતાનોને હિંસા કરવા ઉશ્કેરે છે. કેટલાક એમાં મરી જાય છે, ઘાયલ થાય છે અથવા જેલ જાય છે. આની તમામ વિગતો ઉપર ટાંકેલા બે પુસ્તકોમાં જોવા મળશે.
હવે અંગ્રેજોએ નિર્ણય લઈ લીધો કે શત્રુની સુરક્ષિત છાવણીમાંથી આ માણસને ભારત લાવવો પડશે અને જેક્સન ખૂન ખટલામાં મોકો મળી ગયો. સાવરકરને આ વાત સમજાઈ ગઈ હતી એટલે તેઓ ફ્રાંસ જતા રહ્યા. સાવરકર ફ્રાંસ ગયા એ પહેલા શ્યામજી કૃષ્ણવર્માને પણ ઇંગ્લેન્ડમાં રહેવામાં જોખમ નજરે પડવા લાગ્યું હતું અને ફ્રાંસ જતા રહ્યા હતા. તેઓ ૧૮૫૭ની ક્રાંતિ ઉજવવાનો એક સમારંભ ૧૯૦૭ (વિદ્રોહની સુવર્ણજયંતિ) થી દર વર્ષે કરતા હતા, પણ આગલા વર્ષનો કાર્યક્રમ ઇન્ડિયા હાઉસની જગ્યાએ પોતાના જમાઈને ત્યાં ખાનગી રીતે યોજ્યો હતો કે જેથી ગુપ્તચરોને તેની જાણ ન થાય.
જેક્સન ખૂન ખટલામાં એક આરોપી તરીકે સાવરકરને ભારત મોકલવામાં આવ્યા અને એ સાથે સાવરકરની હિંસક રાજકીય ક્રાંતિનું પર્વ કાયમ માટે પૂરું થયું. હા, કાયમ માટે. તેમણે ફ્રાંસના સમુદ્રમાં ઉડી મારી અને બે મિનીટમાં પકડાઈ ગયા, ખટલામાં સહ આરોપીઓ પર દોષ ધકેલવાનો પ્રયાસ કર્યો, (જુઓ એમ. આર. જયકારનાં સંસ્મરણો story of my life, ભાગ ૧), પચાસ વરસની કાલા પાણીની સજા થઈ, આંદામાનની જેલમાં પગ મૂકતાની સાથે માફીપત્રોનો મારો ચાલુ કર્યો, જેલમાં અત્યાચાર ઓછા થાય અને દુનિયાને અત્યાચારોની જાણ થાય એ સારું માટે કેદીઓને ઉશ્કેરવાનાં કેદીઓનો વિદ્રોહ કરાવવાનાં પ્રયાસ કર્યા પણ પોતે કોઈને કોઈ બહાનું કાઢીને દૂર રહેતા હતા (આ માટે જુઓ સાથી કેદી ત્રૈલોક્યનાથ ચક્રવતીનાં આંદામાનના જેલવાસનાં સંસ્મરણો, ‘Thirty Years in Prison’) અંગ્રેજોને આજીવન સહાય કરવાના માફીપત્રોમાં આપવામાં આવેલાં વચનો અને પ્રતિજ્ઞાઓ અને છેવટે જીવનમાં ક્યારેય રાજકીય પ્રવૃત્તિ નહીં કરવાની અપમાનજનક શરતો સ્વીકારીને આંદામાનની જેલમાંથી મેળવેલી મુક્તિ (જુઓ સાવરકરના પ્રસંશક ઇતિહાસકાર આર. સી. મઝુમદાર લેખિત ‘Penal Settlement in Andaman’. તેઓ પણ હકીકતો સામે આંખ આડા કાન ન કરી શક્યા અને સત્ય નોંધવું પડ્યું.) વગેરે વગેરે. આ તમામ વિગતોના દસ્તાવેજો મળે છે એટલે વર્તમાન શાસકો પણ તેનો અસ્વીકાર કરી શકે એમ નથી. રાહુલ ગાંધી સામે સાવરકરની બદનામી કરવાનો એક બદનક્ષીનો કેસ પૂનાની અદાલતમાં ચાલી રહ્યો છે. તેમાં જુબાની આપતા ગયા સોમવારે સાવરકરના ભાઈના પ્રપૌત્ર સત્યકી સાવરકરે વિનાયક દામોદર સાવરકરે લખેલા દસ માફીનામાંઓની અને અંગ્રેજોને મદદ કરવાની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે દસ્તાવેજી પૂરાવાઓ આમ કહે છે.
તો વાતનો સાર એ કે ૧૯૨૫માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારે દેશવાસીઓ (તેમના માટે હિન્દુ) ગાંધીમય થઈ ગયા હતા, ગાંધીજી ભારતીય રાજકીય આકાશમાં મધ્યાહ્ને હતા, સ્વાતંત્ર્યની તીવ્ર ઈચ્છા ધરાવનારાઓને હવે હિંસા બિનજરૂરી લાગવા માંડી હતી, અંગ્રેજો ગાંધીજીથી અને તેમના સત્યાગ્રહોથી ડરવા લાગ્યા હતા, આગલી પેઢીનું હિન્દુવાદી જહાલ નેતૃત્વનો અસ્ત થઈ ગયો હતો અને વિનાયક દામોદર સાવરકર બહુ ડાહ્યો બહુ ખરડાય એ ન્યાયે પોતાની રચેલી દુનિયામાં ફસાઈ ગયા હતા અને સંઘની સ્થાપના થઈ એનાં વરસ પહેલાં સ્વતંત્રતા માટેનું રાજકારણ જીવનભર નહીં કરવાની શરતે અને રત્નાગીરી જીલ્લાની બહાર નહીં જવાની શરતે મુક્ત થયા હતા.
આ સમયસંદર્ભ સમજવા જેવો છે. માણસાઈ અને ઉદારતાનો પરંપરાગત વારસો ધરાવનારા હિન્દુઓને ગાંધીજી હજુ વધુ માણસ બનાવી રહ્યા હતા. સમૃદ્ધ માણસ બનાવી રહ્યા હતા. તેમનો ભય દૂર કરી રહ્યા હતા. પૌરુષત્વની તેમણે વ્યાખ્યા બદલી નાખી હતી. શૌર્ય માટે દુશ્મનની જરૂર નથી. નીર્વૈરતાયુક્ત પૌરુષત્વનો તેમણે પરિચય કરાવ્યો. શૌર્યના બાહ્ય આવરણો અને અવલંબનો (શસ્ત્રો અને સંખ્યા બન્ને) તેમણે નિરર્થક સિદ્ધ કર્યા અને સાબિત કરી આપ્યું કે તાકાત કાળજામાં રહેલી છે. ઓળખ અને અસ્મિતાઓનાં વિભાજન માનવીય અખંડતામાં બાધારૂપ છે અને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો કોઈએ એ શીખવાડ્યું. ભારતની પ્રજાની અંદર ઠીકઠીક પ્રમાણમાં એકતા સ્થાપી અને તેને આંદોલિત કરી.
હવે પછીના લેખમાં પ્રોજેક્ટના અમલની વાત કરીશ. અસ્તુ.

Most Popular

To Top