ઇકો સેલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા :વધુ નફાની લાલચ આપીને રોકાણકારોને છેતરવાના વધુ એક મોટા કૌભાંડનો ભંડાફોડ થયો
સુરત શહેર પોલીસની ઇકો સેલ શાખાએ “ROCCIA HILL RESORT & ADVENTURE PARK”, “ROCCIA HILL RESORT” તથા “જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ” નામના પ્રોજેક્ટમાં ભાગીદારીના બહાને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના વેપારી તથા રોકાણકારોને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના લક્કડકોટ વિસ્તારમાં આવેલા પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવાની લાલચ આપવામાં આવી હતી.આરોપીઓએ આ પ્રોજેક્ટને ભવ્ય રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક તરીકે રજૂ કરી મોટી આવક અને નિયમિત વળતરની ખાતરી આપી હતી.
ફરિયાદી ચંદ્રેશભાઈ જયંતિલાલ લાકડાવાલા તથા તેમના પુત્ર સાથે ભાગીદારી ડીડ કરવામાં આવી હતી. આ ભાગીદારીના આધારે ફરિયાદી દ્વારા કુલ રૂ. 1,38,19,000 જેટલું મોટું રોકાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભાગીદારો ગૌતમ બાબુલાલ જૈન, પરેશ હરિલાલ પરમાર અને પ્રવિણભાઈ પરમાર સહિત તેમના પરિવારજનો અને ઓળખીતાઓના નામે પણ રોકાણ કરવામાં આવ્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખુશીનભાઈ પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મીત પટેલે પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ભાગીદારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં થોડા સમય સુધી રોકાણકારોને નફો અને વળતર ચૂકવવામાં આવ્યું હતું જેથી વિશ્વાસ વધે, પરંતુ બાદમાં વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ભાગીદારોને મળવાપાત્ર અંદાજે રૂ. 5.50 કરોડ જેટલી રકમનો હિસાબ પણ આપવામાં આવ્યો નહોતો.
આ મામલામાં વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીઓ ભરત બાબુરાવ ગાવીત તથા યશવંત બાબુરાવ શિરસાઠે “જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ”માં ફરિયાદી અને અન્ય ભાગીદારોનો પ્રવેશ પણ બંધ કરી દીધો હતો. એટલું જ નહીં, રેસ્ટોરન્ટનું નામ બદલી “હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર” રાખી દીધું હતું , ભાગીદારોને પ્રોજેક્ટમાંથી બહાર કરી દીધા હતા. ફરિયાદ અનુસાર રોકાણ અને નફાની રકમ મળીને કુલ રૂ. 12.63 કરોડ જેટલી રકમ ભાગીદારોને આપવાની બાકી હોવા છતાં આરોપીઓએ ચુકવણી કરી નહોતી અને ભાગીદારીનો અધિકાર પણ ખતમ કરી દીધો હતો. આ સમગ્ર કૃત્યને કારણે ભાગીદારો સાથે ગંભીર આર્થિક વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાનો રજીસ્ટર નંબર 11210055260755/2026 તરીકે દાખલ થયો છે. ઇકો સેલ દ્વારા ટેકનિકલ હ્યુમન રિસોર્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરતાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા આરોપીઓના નામ
ખુશીનભાઈ રેવાશંકરભાઈ પટેલ, રહે. ગોપાલેશ્વર સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત
પુનિતાબેન ખુશીનભાઈ પટેલ, રહે. ગોપાલેશ્વર સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત
સ્મીત ખુશીનભાઈ પટેલ, રહે. ગોપાલેશ્વર સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત
સુરત શહેર પોલીસ દ્વારા લોકોને આ પ્રકારના રોકાણ કૌભાંડથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા તેની કાયદેસરતા, દસ્તાવેજો અને વ્યવસાયિક વિશ્વસનીયતાની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું છે.