Gujarat

સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહકો માટે ખુશખબર!

હવે બપોરના 6 કલાક વીજ વપરાશ પર મળશે પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ, માત્ર એક મહિનામાં 10.95 લાખ ગ્રાહકોને ₹6.78 કરોડનો સીધો લાભ

ગુજરાત રાજ્યના સ્માર્ટ મીટર ધરાવતા લાખો વીજ ગ્રાહકો માટે મોટી રાહત અને ખુશખબર સામે આવી છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા તા. 1 એપ્રિલ 2026થી અમલમાં મૂકાયેલા નવા Time of Use Discount ટેરિફ ઓર્ડર અંતર્ગત હવે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને વીજ વપરાશ પર સીધો આર્થિક લાભ મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) સહિત સમગ્ર ગુજરાત રાજ્યના રહેણાંક, ધંધાકીય, ઔદ્યોગિક, સ્ટ્રીટ લાઇટિંગ તેમજ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન કેટેગરીના સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બપોરના ખાસ સમયગાળા દરમિયાન વીજ વપરાશ કરવા બદલ પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને વીજ કંપનીઓ દ્વારા ઊર્જા બચતને પ્રોત્સાહન આપવા તથા સ્માર્ટ ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટે આ મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ છે. ખાસ કરીને દિવસ દરમિયાન વીજ લોડ મેનેજમેન્ટ અને ગ્રાહકોને આર્થિક રાહત બંને હેતુ સાથે આ નવી ટેરિફ પદ્ધતિ અમલમાં આવી છે.

સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખાસ લાભ
નવા Time of Use Discount ટેરિફ મુજબ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો જો સવારના 11.00 વાગ્યાથી સાંજના 5.00 વાગ્યા સુધી વીજ વપરાશ કરે તો તેમને પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સમયગાળો સતત 6 કલાકનો છે અને આ દરમિયાન થયેલા વીજ વપરાશની સંપૂર્ણ માહિતી સ્માર્ટ મીટર ટેક્નોલોજી દ્વારા આપમેળે નોંધાય છે. જેના કારણે ગ્રાહકોને કોઈ અલગ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી.સ્માર્ટ મીટર દ્વારા વીજ વપરાશનો સમયવાર ડેટા ઉપલબ્ધ થતો હોવાથી ડિસ્કાઉન્ટની ગણતરી પારદર્શક રીતે થઈ શકે છે. પરિણામે ગ્રાહકો હવે વીજ વપરાશનું આયોજન કરીને સીધી બચત મેળવી રહ્યા છે.

માત્ર એપ્રિલ મહિનામાં જ લાખો ગ્રાહકોને કરોડો રૂપિયાનો લાભ
ડીજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તા. 1 એપ્રિલ 2026થી 30 એપ્રિલ 2026 દરમિયાન રાજ્યભરના કુલ 10,95,466 સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે. માત્ર એક મહિનામાં જ ગ્રાહકોને કુલ રૂપિયા 6.78 કરોડ જેટલી બચત થઈ હોવાનું સામે આવ્યું છે. વીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર અપનાવશે તો આ બચતનો આંકડો વધુ વધી શકે છે.

સ્માર્ટ મીટર હવે માત્ર મોનિટરિંગ નહીં, સીધી બચતનું સાધન
અગાઉ સ્માર્ટ મીટરને લઈને અનેક પ્રકારની અસમંજસતા અને ગેરસમજો જોવા મળતી હતી. ઘણા ગ્રાહકો સ્માર્ટ મીટર માત્ર વીજ વપરાશ માપવાનું આધુનિક સાધન માની રહ્યા હતા. પરંતુ હવે સ્માર્ટ મીટર સીધો આર્થિક લાભ આપતું સાધન બની રહ્યું છે. ગ્રાહકો હવે પોતાના વીજ વપરાશનું સમયસર આયોજન કરીને વીજળી બચાવી શકે છે અને સાથે બિલમાં ઘટાડો પણ મેળવી શકે છે. સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને રિયલ ટાઈમ વીજ વપરાશની માહિતી મળે છે, જેના કારણે અનાવશ્યક વીજ વપરાશ રોકી શકાય છે. પરિણામે ઊર્જા બચત સાથે ખર્ચમાં ઘટાડો થાય છે.

સ્માર્ટ મીટર પ્રત્યે લોકોમાં વધી રહ્યો છે વિશ્વાસ
ડીજીવીસીએલના જણાવ્યા મુજબ Time of Use Discount ટેરિફ અમલમાં આવ્યા બાદ સ્માર્ટ મીટર પ્રત્યે ગ્રાહકોનો અભિગમ બદલાઈ રહ્યો છે.હવે લોકો સ્માર્ટ મીટરને માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ બચત અને પારદર્શિતાનું સાધન તરીકે જોઈ રહ્યા છે. જેના કારણે વધુને વધુ ગ્રાહકો પોતાના ઘર અને વ્યવસાય સ્થળે સ્માર્ટ મીટર સ્થાપિત કરવા આગળ આવી રહ્યા છે.
ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટરની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે.

“સ્માર્ટ ગુજરાત”ના નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું
ડીજીવીસીએલએ જણાવ્યું હતું કે કંપની હંમેશા આધુનિક, પારદર્શક અને વિશ્વસનીય વીજ સેવા આપવા પ્રતિબદ્ધ રહી છે.
સ્માર્ટ મીટર અને Time of Use Discount ટેરિફ જેવી પહેલો માત્ર ગ્રાહકોને આર્થિક લાભ આપતી નથી, પરંતુ ઊર્જા કાર્યક્ષમતા વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નવી વ્યવસ્થા દ્વારા રાજ્યમાં વીજ વપરાશનું વધુ સારી રીતે મેનેજમેન્ટ થશે અને ભવિષ્યમાં સ્માર્ટ એનર્જી સિસ્ટમ તરફ ગુજરાત વધુ મજબૂત રીતે આગળ વધશે. સરકાર અને વીજ કંપનીઓનો વિશ્વાસ છે કે સ્માર્ટ મીટરનો વ્યાપ વધતા “સ્માર્ટ ગુજરાત”ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

કોને મળશે આ લાભ?
નવી Time of Use Discount યોજના હેઠળ નીચેની કેટેગરીના સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને લાભ આપવામાં આવી રહ્યો છેઃ
રહેણાંક ગ્રાહકો
ધંધાકીય ગ્રાહકો
ઔદ્યોગિક ગ્રાહકો
સ્ટ્રીટ લાઇટિંગ કેટેગરી
ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન
ગ્રાહકો માટે મહત્વની માહિતી
ડિસ્કાઉન્ટ માત્ર સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને જ મળશે
સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર લાભ મળશે
પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે
ડિસ્કાઉન્ટની ગણતરી આપમેળે સ્માર્ટ મીટર ડેટા દ્વારા થશે
ગ્રાહકોને અલગ અરજી કરવાની જરૂર નથી

વીજ બચત સાથે સીધી કમાણી જેવી તક
નવી Time of Use Discount યોજના ગ્રાહકો માટે વીજ બચત સાથે સીધી કમાણી જેવી તક બની રહી છે. જો ગ્રાહકો વધુ વીજ વપરાશવાળા સાધનો જેમ કે વોશિંગ મશીન, ગીઝર, એર કન્ડિશનર અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ બપોરના આ સમયગાળામાં કરશે તો તેઓ વધુ બચત મેળવી શકશે. આથી રાજ્યના લાખો ગ્રાહકો હવે સ્માર્ટ વીજ વપરાશ તરફ આગળ વધી રહ્યા છે.

Most Popular

To Top