Gujarat

જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવા ગાંધીનગરમાં ૫-દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર,
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા CoE-LAM DISRA અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી” વિષય પર પાંચ દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ મે થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જમીન સંપાદન પ્રક્રિયાને વધુ પારદર્શક, કાયદેસર અને અસરકારક બનાવવા પર ભાર મૂકાયો હતો.

કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી એસ. રવિ, IAS ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે IITEના વાઇસ ચાન્સેલર ડૉ. મુકેશ પટેલ, NHAI ગુજરાતના રીઝનલ ઓફિસર પ્રદીપ અત્રી, ASCI હૈદરાબાદના કોર્સ ડાયરેક્ટર ડૉ. રેશ્મી નાયર તથા IITEના રજિસ્ટ્રાર ડૉ. અનિલકુમાર વરસાત પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગ તથા NHAIમાંથી પસંદ કરાયેલા કુલ ૩૪ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જમીન સંપાદન પ્રક્રિયામાં થતી કાનૂની અને વહીવટી ભૂલોને ટાળવા માટે વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ASCIના નિષ્ણાતો ડૉ. રેશ્મી નાયર, નિવૃત્ત IFS અધિકારી ચિરંજીવ ચૌધરી અને LARR ઓથોરિટીના પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી અજીત સિંહા રાવે તાલીમાર્થીઓને કાનૂની માળખા અને પ્રાયોગિક અમલીકરણ વચ્ચેનો સેતુ સમજાવ્યો હતો.

તાલીમ કાર્યક્રમમાં RFCTLARR એક્ટ-૨૦૧૩ હેઠળની પ્રક્રિયાગત જોગવાઈઓ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)નું વ્યૂહાત્મક આયોજન, પ્રભાવિત પક્ષો માટે એન્ટાઇટલમેન્ટ મેટ્રિક્સ અને માઇક્રો-પ્લાન તૈયાર કરવાની પ્રાયોગિક વર્કશોપ, સેટેલાઇટ આધારિત જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ બજાર કિંમત નિર્ધારણ અને વળતર એવોર્ડ તૈયાર કરતી વખતે થતી ભૂલો નિવારવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહેસૂલ વિભાગ દ્વારા ASCI અને IITE સાથે કરવામાં આવેલા બે ઐતિહાસિક એમઓયુ (MoU) રહ્યા હતા. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ જમીન સંપાદન ક્ષેત્રમાં સતત વ્યાવસાયિક વિકાસ માટે ટકાઉ માળખું ઊભું કરવાનો હોવાનું જણાવાયું હતું.

ડૉ. જયંતી એસ. રવિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જમીન સંપાદનની પ્રક્રિયામાં ચોકસાઈ અને કાનૂની જોગવાઈઓનું ચુસ્ત પાલન અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આથી વહીવટી વિલંબમાં ઘટાડો થશે, ખર્ચાળ કાનૂની વિવાદોને અટકાવી શકાશે અને નાગરિકોને ન્યાયી પુનર્વસન સુનિશ્ચિત થશે, જે રાજ્યના માળખાકીય વિકાસને ગતિ આપશે.

Most Popular

To Top