Gujarat

કચ્છમાં આજે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી, ગુનેરીની ઇનલેન્ડ મેન્ગૃવ સાઈટ રહેશે કેન્દ્રસ્થાને

ગાંધીનગર,
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને વન વિભાગ-કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૨૨ મેના રોજ કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ઉજવણી માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલી ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરાયેલી ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં જૈવવિવિધતા સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે સમગ્ર વિશ્વમાં ‘સ્થાનિક સ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ થીમનો મુખ્ય સંદેશ એ છે કે સ્થાનિક સ્તરે કરવામાં આવતા નાના પ્રયાસો પણ વૈશ્વિક પર્યાવરણ પર સકારાત્મક અસર પેદા કરી શકે છે.

કાર્યક્રમ દરમિયાન જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશેષ વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ અભિયાન તેમજ સ્થાનિક જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (BMC)ના સભ્યો સાથે સંવાદ યોજાશે. કાર્યક્રમમાં ગ્રામ્ય જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, પરંપરાગત જ્ઞાન ધરાવતા વૈદ્યો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે.

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા રાજ્યભરમાં જૈવવિવિધતા અધિનિયમ-૨૦૦૨ હેઠળ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સમિતિઓ દ્વારા પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર (PBR) તૈયાર કરવામાં આવે છે, જેમાં સ્થાનિક જૈવવિવિધતા, પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંસાધનોનું દસ્તાવેજીકરણ થાય છે.

વર્ષ ૨૦૨૫માં કચ્છ જિલ્લાના ગુનેરી ખાતે આવેલ ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં અત્યંત દુર્લભ ગણાતાં ઇનલેન્ડ મેન્ગૃવ પરિતંત્રોમાં કચ્છનું આ સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે. રાજ્ય માટે ગૌરવની બાબત એ છે કે વિશ્વમાં ગણતરીની જગ્યાઓ પર જોવા મળતા આવા મેન્ગૃવ પરિતંત્રોમાંનું એક ગુજરાતમાં આવેલું છે.ઉપરાંત, ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ને પણ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં હોવાનું જણાવાયું છે.

જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી ‘અર્થ સમિટ’ દરમિયાન “કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD” કરાર અમલમાં આવ્યો હતો, જે ૨૯ ડિસેમ્બર ૧૯૯૩થી અમલમાં છે. ભારત સહિત વિશ્વના ૧૯૦થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે.આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં જૈવવિવિધતાના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો, કુદરતી સંસાધનોના સંરક્ષણનું મહત્વ સમજાવવાનો અને લોકો તથા સંસ્થાઓને જૈવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

Most Popular

To Top