હિન્દુ યુવક સાથે વાત કરવા બદલ મુસ્લિમ પિતાએ 15 વર્ષની પુત્રીની હત્યા કરી, લાશના 6 ટુકડા કરી ટ્રેનમાં ફેંક્યા
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની જ ૧૫ વર્ષની સગીર દીકરીની અત્યંત નિર્મમ રીતે હત્યા કરી નાખી છે. આ હત્યા પાછળનું કારણ જાણીને કોઈ પણ વ્યક્તિ કંપી ઉઠશે. દીકરીનો વાંક માત્ર એટલો જ હતો કે તે એક હિન્દુ યુવક સાથે મોબાઈલ પર વાત કરતી હતી. ‘ઓનર કિલીંગ’ (ઈજ્જતના નામે હત્યા) ની આ ભયાનક ઘટનાએ આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પિતાએ જ રચ્યું.
મોતનું કાવતરું: દીકરીના મૃતદેહના છ ટુકડા કર્યા, ધડને લોખંડના બૉક્સમાં ભરીને રેલવે સ્ટેશને મુકી આવ્યો.
પ્રેમ સંબંધની શંકા અને વિરોધ
મળતી વિગતો મુજબ, મૃતક કિશોરીનું નામ બીબી શબા હતું. તેના પિતા બિગન અંસારીને શંકા હતી કે શબા ગામના જ એક હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધમાં છે. પિતાએ તેને અગાઉ અનેકવાર ટકોર કરી હતી અને મોબાઈલ પર વાત કરવાની કડક મનાઈ કરી હતી. જોકે, હજુ પણ તેણી યુવકના સંપર્કમાં હોવાનું પિતાને જાણવા મળતા તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને તેણે દીકરીને રસ્તામાંથી હટાવવાનો ખોફનાક નિર્ણય લીધો હતો.
નિષ્ઠુર હત્યા અને લાશના ટુકડા
ઘટનાની રાત્રે જ્યારે આખું ગામ ઊંઘતું હતું, ત્યારે બિગન અંસારીએ તેની બહેન અને બનેવી મુજીબુલ્લાહ સાથે મળીને આ ક્રૂર ખેલ રચ્યો હતો. તેઓએ પહેલા શબાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ પકડાઈ જવાના ડરથી અને લાશનો નિકાલ કરવા માટે પિતાએ કસાઈ જેવી ક્રૂરતા દાખવી. તેણે કુહાડી અને ધારદાર હથિયાર વડે પોતાની જ સગીર પુત્રીના શરીરના છ ટુકડા કરી નાખ્યા.
રેલવે સ્ટેશન પર કેવી રીતે મળી લાશ?
હત્યા કર્યા બાદ લોહીથી ખરડાયેલા કપડાં અને પુરાવાઓ છુપાવવા માટે આરોપીઓએ લાશના ટુકડાને અલગ-અલગ બેગમાં ભર્યા હતા. શરીરના મુખ્ય ભાગ (ધડ) ને એક લોખંડના ટ્રંક (બૉક્સ) માં રાખ્યું હતું, જ્યારે માથું અને હાથ, પગ પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા હતા. આ બધું સામાન લઈને તેઓ ગનહા રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પાર્ક કરેલી એક ટ્રેનના સ્લીપર કોચમાં સીટ નીચે લાશ ભરેલું બૉક્સ અને થેલીઓ મૂકીને ભાગી ગયા હતા. ટ્રેન આગળ વધતા મુસાફરોને સીટ નીચેથી અસહ્ય દુર્ગંધ આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે જ્યારે બૉક્સ ખોલ્યું ત્યારે અંદરનો નજારો જોઈને રેલવે સ્ટાફ પણ ચોંકી ગયો હતો.
પિતાની ચોંકાવનારી કબૂલાત: “મને કોઈ પસ્તાવો નથી”પોલીસે જ્યારે ઘટનાની કડીઓ જોડી, સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને શંકાના આધારે મૃતકના પિતા બિગન અંસારીની અટકાયત કરી, ત્યારે સમગ્ર સત્ય બહાર આવ્યું. આરોપી ની પોલીસે પૂછપરછ કરી ત્યારે કોઈ પણ ડર વગર તેણે સ્વીકાર્યું કે તેણે જ પોતાની દીકરીને મારી નાખી છે.તેણે પોલીસ સમક્ષ બયાન આપ્યું કે તેની દીકરી બીજા ધર્મના છોકરા સાથે વાત કરીને આખા પરિવારની સમાજમાં બદનામી કરી રહી હતી, પોતાની ‘ઈજ્જત’ બચાવવા માટે તેણે આ પગલું ભર્યું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના સમાજની તે કાળી અને સંકુચિત બાજુ દર્શાવે છે જ્યાં કહેવાતી ખોટી ઈજ્જત ખાતર એક પિતા પોતાની પવિત્ર ફરજ ભૂલીને પોતાના જ લોહીનો તરસ્યો બની જાય છે.