પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ ચિકનનેક તરીકે વિખ્યાત સિલિગુડી કોરિડોર ફરી એક વાર સમાચારમાં છે. નવી ભાજપ સરકારે આ સંવેદનશીલ વિસ્તારમાં આશરે ૧૨૦ એકર જમીન કેન્દ્ર સરકારને સોંપવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આ જમીનનો ઉપયોગ સરહદ સુરક્ષા, વાડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય વ્યૂહાત્મક માળખાકીય વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.
સિલિગુડી કોરિડોર ભારતના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે જમીનનો આ સાંકડો પટ્ટો આઠ પૂર્વોત્તર રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. આ કોરિડોર આશરે ૨૨ કિલોમીટર પહોળો અને ૬૦ કિલોમીટર લાંબો હોવાનો અંદાજ છે. તે નેપાળ અને બાંગ્લાદેશ સાથે પણ સરહદો ધરાવે છે, જે તેને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ વિસ્તાર બનાવે છે. ભાજપનો આરોપ છે કે અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકારે સુરક્ષા એજન્સીઓને આ વિસ્તારમાં પૂરતો અધિકાર અને જમીન આપવામાં રસ દાખવ્યો ન હતો.
ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે પાછલી ટીએમસી સરકારની નીતિઓને કારણે ખાસ કરીને ઉત્તર બંગાળના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી હતી, જેના કારણે ચિકનનેક કોરિડોરની સુરક્ષા વધુ ચિંતાજનક બની હતી. પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા કેન્દ્રને સોંપવામાં આવી રહેલા નેશનલ હાઈ વેના સાતમાંથી પાંચ પટ્ટા સિલિગુડી કોરિડોર અથવા ચિકનનેક કોરિડોરમાંથી પસાર થાય છે .
પશ્ચિમ બંગાળ સરકારના તાજેતરના નિર્ણય અંગે અધિકારીઓનું કહેવું છે કે આ સાથે લાંબા સમયથી પડતર હાઇ વેના વિસ્તરણનું કામ ઝડપથી પૂર્ણ થશે તેમ જ વેપાર અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ બિહાર અને પશ્ચિમ બંગાળ વચ્ચે માલદા અને મુર્શિદાબાદ થઈને કનેક્ટિવિટી પણ વધારશે. તેના કારણે નાદિયા અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાઓ દ્વારા બાંગ્લા દેશ સરહદ પર અવરજવર પણ સરળ બનશે. પશ્ચિમ બંગાળમાં સત્તાપરિવર્તન પછી ચિકનનેક બાબતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
આ ચર્ચા વચ્ચે, ૨૦૨૦ નાં દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામનું એક જૂનું નિવેદન પણ ફરી સમાચારમાં છે, જેમાં તેણે ચિકનનેક કોરિડોર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. શરજીલ ઇમામે કહ્યું હતું કે જો ૫,૦૦,૦૦૦ મુસ્લિમો પણ ભેગાં થાય તો ચિકનનેક વિસ્તારને બ્લોક કરીને ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોને સંપૂર્ણપણે કાપી શકાય છે. શરજીલ ઇમામ આ નિવેદન એટલા માટે આપી રહ્યા હતા, કારણ કે ચિકનનેક મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ નિવેદન એટલું ખતરનાક હતું કે શરજીલ ઇમામને આજ સુધી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારે ચિકનનેક વિસ્તારને સંપૂર્ણપણે બીએસએફને સોંપવા માટે મમતા બેનરજીને અનેક દરખાસ્તો મોકલી હતી, પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. ભારત સરકાર આ વિસ્તારમાં ભૂગર્ભ રેલ નેટવર્ક બનાવી રહી છે.
જેથી ભવિષ્યમાં રસ્તા અવરોધની સ્થિતિમાં લશ્કરી હિલચાલ ચાલુ રહે અને ઉત્તર-પૂર્વીય રાજ્યોનો ભારત સાથેનો સંપર્ક અકબંધ રહે. ભાજપનો દાવો છે કે નવી સરકારની રચના પછી આ દિશામાં ઝડપથી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યો છે કારણ કે ભાજપ અને ટીએમસી તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે બુલડોઝર કાર્યવાહી, પુનઃ મતદાન અને તાજેતરની ચૂંટણીમાં કરવામાં આવેલી હિંસા જેવા મુદ્દાઓ પર ટકરાયા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ કરવા માટે સરહદ સુરક્ષા દળ (BSF) ને જમીન સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભારત બાંગ્લા દેશ સાથે ૪,૦૯૭ કિલોમીટરની સરહદ ધરાવે છે. તે પૈકી પશ્ચિમ બંગાળ બાંગ્લા દેશ સાથે આશરે ૨,૨૧૬ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આશરે ૩,૨૪૦ કિલોમીટર સરહદ પર વાડ લગાવવામાં આવી છે અને આશરે ૮૫૦ કિલોમીટરમાં વાડ લગાવવાની બાકી છે, જેમાં ૧૭૫ કિલોમીટર મુશ્કેલ ભૂપ્રદેશનો સમાવેશ થાય છે.
આ ૧૭૫ કિલોમીટરમાંથી, ૧૨૭ કિલોમીટરમાં હજુ વાડ લગાવવાની બાકી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે મમતા બેનરજીની સરકાર દરમિયાન આ વિભાગના માત્ર ૮ કિલોમીટરમાં જ વાડ લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બંગાળના સરહદી જિલ્લાઓમાં બાંગ્લા દેશ સરહદ પર BSF ના અધિકારક્ષેત્રને ૧૫ કિ.મી.થી વધારીને ૫૦ કિ.મી. કર્યું હતું. આનો અર્થ એ થયો કે BSF ૫૦ કિ.મી. સુધીના વિસ્તારમાં શોધ, ધરપકડ અને જપ્તીની કાર્યવાહી કરી શકે છે. તત્કાલીન મમતા બેનરજી સરકારે આ નિર્ણયને રાજ્યના મામલામાં દખલગીરી ગણાવી હતી. ડિસેમ્બર ૨૦૨૧ માં બંગાળ વિધાનસભાએ તેની વિરુદ્ધ એક ઠરાવ પણ પસાર કર્યો હતો.
ભારત સરકારે હવે ચિકનનેક વિસ્તારમાં ભૂગર્ભ ટનલ બનાવવાની અને રેલવે ટ્રેક નાખવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના તીન માઇલ હાટથી સિલિગુડીથી ૧૧ કિ.મી. દૂર રંગપાણી સુધી લગભગ ૩૬ કિ.મી. લાંબી ટનલમાં રેલવે ટ્રેક નાખવામાં આવશે. આ કોરિડોર ઉત્તર-પૂર્વ ભારત સાથેનું એકમાત્ર જોડાણ છે અને તેનો ઉપયોગ મુસાફરો તેમજ લશ્કરી સાધનો અને સૈનિકોની અવરજવર માટે થાય છે.
ચિકનનેક કોરિડોરમાં પ્રસ્તાવિત ભૂગર્ભ રેલવે લાઇન સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થશે. રેલવે નિષ્ણાતો કહે છે કે ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદોના આંતરછેદ નજીક લાંબી ટનલ દ્વારા રેલવેના ટ્રેક નાખવામાં આવશે. ભારતીય રેલવેએ આ પહેલાં ક્યારેય આવો પ્રોજેક્ટ હાથ ધર્યો નથી. આ પ્રોજેક્ટ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર (NFR) રેલવેની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખ કરવો સુસંગત છે કે પ્રસ્તાવિત રેખા બાંગ્લા દેશ સરહદ નજીક ભારતીય સેના દ્વારા નવાં લશ્કરી થાણાંઓ બનાવી રહેલા ત્રણમાંથી બે વિસ્તારોની ખૂબ નજીકથી પસાર થશે.
આમાંથી એક બિહારમાં કિશનગંજ અને બીજું પશ્ચિમ બંગાળમાં ચોપડા છે. ત્રીજું લશ્કરી મથક આસામના ધુબરીમાં બનાવવામાં આવી રહ્યું છે. નેપાળ, ભૂટાન અને બાંગ્લા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પ્રસ્તાવિત ટનલની ખૂબ નજીક છે. આ ભૂગર્ભ રેલવે લાઇન કોઈ પણ કુદરતી આપત્તિ અથવા સુરક્ષા સંબંધિત સમસ્યાના કિસ્સામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આનાથી સૈન્યનાં કર્મચારીઓ અને લશ્કરી સાધનો સરહદ પર સુરક્ષિત રીતે પહોંચી શકશે, એટલું જ નહીં, પરંતુ કુદરતી આફતની સ્થિતિમાં રાહત સામગ્રી પહોંચાડવામાં પણ ઘણી સુવિધા મળશે.
નિષ્ણાતો કહે છે કે ચિકનનેક કોરિડોર હંમેશા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. ભારતીય સેનાના નિવૃત્ત બ્રિગેડિયર પ્રબીર સાન્યાલ કહે છે કે જ્યારે હું સિત્તેરના દાયકાના અંતમાં સિક્કિમમાં પોસ્ટેડ હતો, ત્યારે કોઈ પણ અચાનક હુમલાનો સામનો કરવા માટે એક રણનીતિ બનાવવામાં આવી હતી કે જો ચીન સિલિગુડી કોરિડોર અથવા ભૂટાન થઈને ચિકનનેક પર હુમલો કરે તો આપણે શું કરીશું?
હવે બાંગ્લા દેશમાં ઘણા લોકો ઘણી વાર ચિકનનેક પર કબજો કરવાની ધમકીઓ આપી રહ્યા છે. આપણે આ બાબતે સાવચેત રહેવું પડશે. હવે જે ભૂગર્ભ રેલવે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે ઓછામાં ઓછાં વીસ વર્ષ પહેલાં બનાવવામાં આવવો જોઈતો હતો. દેશમાં બનાવવામાં આવી રહેલી બધી ટનલોમાં એવી વ્યવસ્થા છે કે લશ્કરના જવાનો ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધી તેની અંદર રહી શકે. બાંગ્લા દેશની વર્તમાન સરકાર ભારત માટે પ્રતિકૂળ હોવાથી ચિકનનેકની સુરક્ષા બહુ મહત્ત્વની બની ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.