ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા યુદ્ધને લઈને હવે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે પણ મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં વાતચીત અને સમજૂતીનો રસ્તો અપનાવવા માંગે છે, જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન પર હુમલા ચાલુ રાખવાના પક્ષમાં છે. એક અહેવાલ મુજબ, બંને નેતાઓ વચ્ચે થયેલી ફોન પરની લાંબી ચર્ચામાં આ મુદ્દે તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, નેતન્યાહુએ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે ઈરાન સામેના હુમલાઓ અટકાવવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. બીજી તરફ ટ્રમ્પ હાલમાં કતાર, સાઉદી અરેબિયા અને UAE જેવા ખાડી દેશોની અપીલ બાદ પરિસ્થિતિને વધુ બગાડવાને બદલે વાતચીતને તક આપવા માંગે છે. અમેરિકાએ ઈરાન પર ‘ઓપરેશન સ્લેજહેમર’ નામથી મોટો હુમલો કરવાની તૈયારી પણ કરી હતી, પરંતુ છેલ્લી ક્ષણે ટ્રમ્પે તેને અટકાવી દીધો.
અમેરિકાની અંદર પણ ઈરાન યુદ્ધને લઈને વિરોધ વધી રહ્યો છે. અમેરિકી સેનેટમાં ટ્રમ્પની સૈન્ય શક્તિઓ મર્યાદિત કરતો પ્રસ્તાવ 50-47 મતોથી પાસ થયો છે. ખાસ વાત એ છે કે 4 રિપબ્લિકન સાંસદોએ પણ ટ્રમ્પ વિરુદ્ધ મત આપ્યો હતો. જો આ કાયદો સંપૂર્ણ અમલમાં આવશે તો ઈરાન સામે લાંબું યુદ્ધ ચાલુ રાખવા માટે ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની નૌસેના અને વાયુસેના લગભગ ખતમ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે હવે સવાલ માત્ર એટલો જ છે કે અમેરિકા આખરી કાર્યવાહી કરશે કે ઈરાન સમજૂતી કરશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે જો ઈરાન અમેરિકાની શરતો સ્વીકારશે નહીં તો તેને એવો હુમલો ભોગવવો પડશે જે આધુનિક ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. બીજી તરફ ઈરાન પણ ઝૂકવા તૈયાર દેખાતું નથી. ઈરાની સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમની પાસે હજુ પણ ઘણા ગુપ્ત અને આધુનિક હથિયારો છે, જેનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈરાને જણાવ્યું કે જો ફરી હુમલો થશે તો આ વખતે તેનો જવાબ વધુ આક્રમક હશે. સાથે જ ઈરાન અમેરિકાની પ્રતિક્રિયાની સમીક્ષા કરી રહ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ દુનિયાભરમાં ચિંતા વધી રહી છે. ઈરાનની IRGCએ દાવો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં 26 જહાજોને ઈરાની મંજૂરી બાદ જ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવ્યા. સામાન્ય રીતે દુનિયાના મોટા ભાગના તેલની સપ્લાય આ જ માર્ગ પરથી થાય છે. યુદ્ધના કારણે અહીં જહાજોની અવરજવર ઘટી ગઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતો ફરી વધી છે. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે. યુદ્ધની અસર હવે બીજા દેશો પર પણ દેખાવા લાગી છે. સાઉદી અરેબિયામાં ગેસની અછત સર્જાતા વીજળી ઉત્પાદન માટે વધુ ફ્યુઅલ ઓઇલનો ઉપયોગ થઈ રહ્યો છે. UAE હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવા માટે નવી ઓઈલ પાઇપલાઇન બનાવી રહ્યું છે, જેના 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી આપી છે કે જો હોર્મુઝમાં સંકટ વધશે તો દુનિયામાં ખાદ્યસંકટ અને મોંઘવારી વધી શકે છે. ખાસ કરીને તેલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર થવાની શક્યતા છે. યુદ્ધની અસર શ્રીલંકાના ચા ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે. ઈરાક અને UAEમાં ચાની નિકાસમાં ભારે ઘટાડો થયો છે. ઉર્જા ખર્ચ અને શિપિંગ ખર્ચ વધતા અનેક ઉદ્યોગો પર દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન પોલેન્ડે ગાઝા માટે નીકળેલા ફ્લોટિલા કાર્યકરોની ધરપકડ મુદ્દે ઈઝરાયેલ સામે કડક વલણ અપનાવ્યું છે. પોલેન્ડે પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. અમેરિકામાં પણ પૂર્વ સૈનિકો અને યુદ્ધ વિરોધી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વોશિંગ્ટનમાં અમેરિકી કેપિટલ બહાર ટ્રમ્પની ઈરાન નીતિ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ઘણા સાંસદોએ કહ્યું કે અમેરિકાને વધુ એક મોટા યુદ્ધમાં ધકેલવું ખતરનાક બની શકે છે.
એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન પર દબાણ વધારી રહ્યા છે, તો બીજી તરફ મધ્યસ્થીના પ્રયાસો પણ ચાલુ છે. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને ગૃહમંત્રી મોહસિન નકવી ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે બેકચેનલ સંદેશાવ્યવહાર પણ ચાલી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે મિડલ ઇસ્ટમાં તણાવ હજુ લાંબો સમય ચાલુ રહી શકે છે. જો યુદ્ધ વધુ ફેલાશે તો તેની અસર માત્ર ઈરાન અને ઈઝરાયેલ પૂરતી નહીં રહે, પરંતુ આખી દુનિયાના અર્થતંત્ર, ઓઈલ બજાર અને ખાદ્ય સપ્લાય પર પડશે.