પ્રમુખ-ટ્રેઝરર વચ્ચે મતભેદ, શહેરમાં મિશ્ર પ્રતિસાદ, 99% હોલસેલર્સ બંધના પક્ષમાં, છતાં શહેરમાં અનેક મેડિકલ સ્ટોર ખૂલ્યા
(પ્રતિનિધિ), વડોદરા. તા.20
ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધના એલાનને પગલે વડોદરામાં મેડિકલ જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં આંતરિક મતભેદને કારણે શહેરભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક મેડિકલ સ્ટોર્સ બંધ છે તો ક્યાંક દવાઓ મળતી હોવાથી દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
દેશવ્યાપી સ્તરે કેમિસ્ટોની વિવિધ માગણીઓને લઈને ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં જોડાવું કે નહીં, તે મુદ્દે વડોદરાના સ્થાનિક એસોસિએશનમાં બે સ્પષ્ટ જૂથો પડી ગયા છે. એક તરફ એસોસિએશનના પ્રમુખે બંધમાં ન જોડાવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ટ્રેઝરરે પ્રેસ કોન્ફરન્સ યોજીને બંધને સંપૂર્ણ સમર્થન આપવાની હાકલ કરી છે.
વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરર રોમિલ કાનપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ બંધમાં તમામ રિટેઈલ અને હોલસેલ વેપારીઓએ જોડાવા માટે અમે અપીલ કરી છે. માતૃ સંસ્થાની ગરિમા જાળવવી અને તેમની માગણીઓ પ્રત્યે એકજૂથતા બતાવવી એ આપણી નૈતિક જવાબદારી છે. ભવિષ્યમાં પણ આપણી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે માતૃ સંસ્થાનો સાથ જરૂરી છે. વધુમાં રોમિલ કાનપરાએ દાવો કર્યો છે કે, વડોદરાના 99 ટકા જેટલા હોલસેલ વેપારીઓ બંધમાં જોડાવા માટે સહમત છે અને તેમણે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
જ્યારે એસોસિએશનના પ્રમુખ દ્વારા બંધમાં ન જોડાવાની અચાનક જાહેરાત કરવામાં આવી, ત્યારે આંતરિક ખેંચતાણ સ્પષ્ટપણે બહાર આવી ગઈ છે. ટ્રેઝરર રોમિલ કાનપરાએ પ્રમુખના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પ્રમુખ મનીષભાઈનો આ બંધમાં ન જોડાવાનો નિર્ણય કદાચ તેમનો કોઈ અંગત પ્રશ્ન હોઈ શકે છે, પરંતુ તે સંગઠનના મોટાભાગના સભ્યોનું મંતવ્ય નથી.
વડોદરામાં આ બંધના એલાનને પગલે ભારે મૂંઝવણની સ્થિતિ જોવા મળી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અન્ય કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ખુલ્લા જોવા મળતા લોકોએ દવા મેળવવામાં રાહત અનુભવી હતી.
એસોસિએશનના હોદ્દેદારો વચ્ચેના આ વિવાદને કારણે વેપારીઓ પણ અવઢવમાં મુકાયા છે. આગામી સમયમાં સંગઠન આ વિવાદને કેવી રીતે ઉકેલે છે અને શું કોઈ સમાધાન નીકળે છે તે જોવું રહ્યું.