Vadodara

બરાનપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં 4 વર્ષની બાળકીનું મોત

કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી અને એસી ચેમ્બરોમાં બેસવાની નીતિએ વધુ એક ઘરનો ચિરાગ બુઝાવ્યો: નિયમોના લીરેલીરા ઉડાડતા બિલ્ડરો સામે તંત્ર કેમ મૌન?

​વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓની મિલિભગત તેમજ ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી જયસિંગરાવની પાગા પાસે ચાલી રહેલા એક નવીન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન કાળમુખી દીવાલ ધસી પડતાં, ત્યાં હાજર એક 4 વર્ષની માસૂમ બાળકી તેની નીચે દબાઈ ગઈ હતી. દીવાલનો મસમોટો કાટમાળ માસૂમ પર પડતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ અને કંપકંપાવી મૂકે તેવું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
​આ અકસ્માતે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગના અધિકારીઓની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શહેરમાં ઠેર-ઠેર નિયમોના લીરેલીરા ઉડાડીને ગેરકાયદે કે સુરક્ષાના પૂરતા સાધનો વિના નિર્માણકાર્યો ધમધમી રહ્યા છે. નિયમ મુજબ કોઈપણ બિલ્ડિંગનું બાંધકામ થતું હોય ત્યારે આસપાસ સુરક્ષા નેટ, સેફ્ટી આડશ અને મજબૂત સપોર્ટ રાખવો અનિવાર્ય હોય છે. પરંતુ આ સાઇટ પર સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ફિલ્ડમાં જઈને સુપરવિઝન કે દેખરેખ રાખવાની તસ્દી લેવાને બદલે પોતાની એસી ચેમ્બરોમાં આરામ ફરમાવતા હોવાના કારણે જ બિલ્ડરો બેફામ બન્યા છે. અધિકારીઓની આ આખ આડા કાન કરવાની અને આળસ ખંખેરવાની આદતને લીધે આજે એક ગરીબ પરિવારે પોતાની લાડકવાઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
​વડોદરા શહેરમાં આવી ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે. ક્યાંક નિર્માણાધીન ઇમારતોની છત તૂટી પડે છે, ક્યાંક જૂની ગેલેરીઓ ધરાશાયી થાય છે, તો ક્યાંક રસ્તાઓ પર મસમોટા ગાબડાં પડવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ તમામ દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો કાં તો કાયમી દિવ્યાંગ બને છે અથવા તો મોતના મોંમાં ધકેલાય છે. આટઆટલી ઘટનાઓ છતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે શાસકો જાગવાનું નામ નથી લેતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો કોર્પોરેશનના અધિકારીઓએ સમયસર આ બાંધકામનું ઇન્સ્પેક્શન કર્યું હોત અને સુરક્ષાના માપદંડો ચકાસ્યા હોત, તો આજે આ 4 વર્ષની બાળકી જીવતી હોત. આ માસૂમના મોત માટે માત્ર બિલ્ડર જ નહીં, પરંતુ ભ્રષ્ટ અને આળસુ વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ પણ તંત્ર જાગશે કે પછી દર વખતની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે.

Most Popular

To Top