Gujarat

ગાંધીનગર લોકસભાને ‘હરિયાળી લોકસભા’ બનાવવા અમિત શાહનો સંકલ્પ -1 કરોડથી વધુ વૃક્ષારોપણના લક્ષ્યાંક સાથે વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર,
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રકલ્પો અને અભિયાનોની શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. બેઠકમાં “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાનને કેન્દ્રસ્થાને રાખીને વૃક્ષારોપણ, ગ્રીન કવર વધારવા, ટ્રાફિક સુવિધા, તળાવોના વિકાસ અને જાહેર આરોગ્ય સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.પ.બંગાળ સહિત ત્રણ રાજયોમાં ભાજપના વિજય બાદ આજથી બે દિવસ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અમદાવાદ – ગાંધીનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા. તેમણે આજે બેઠકોનો દોર યોજયો હતો.

બેઠક દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત વધુમાં વધુ જનભાગીદારી સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવશે. તેમણે રહેણાંક વિસ્તારોમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય તેવી સોસાયટીઓ ઓળખી ત્યાં વિશેષ અભિયાન ચલાવવાની હિમાયત કરી હતી. શાહે જણાવ્યું હતું કે વર્ષ 2019થી 2025 દરમિયાન ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં થયેલા સઘન વૃક્ષારોપણના પરિણામે ગ્રીન કવરમાં 11.25 ટકા એટલે કે 2729 હેક્ટરનો વધારો નોંધાયો છે. હવે વર્ષ 2026-27 દરમિયાન એક કરોડથી વધુ રોપાઓ વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 લાખ, અમદાવાદ જિલ્લામાં 37 લાખ, ગાંધીનગર જિલ્લામાં 20.90 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 2582 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ઓક્સિજન પાર્ક, કેનાલ સાઇડ, તળાવ કિનારા, રોડ સાઇડ, શાળા-કોલેજ, મિયાવાકી ફોરેસ્ટ અને ખાનગી સોસાયટીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં મિયાવાકી મોડલ, ડેન્સ પ્લાન્ટેશન, લિનિયર પ્લાન્ટેશન અને બાઉન્ડરી પ્લાન્ટેશન જેવી વિવિધ પદ્ધતિઓથી હરિયાળી વધારવા આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મનપા, વન વિભાગ અને CSR સંસ્થાઓના સહયોગથી 50 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવશે. કરીપત્તા, દાડમ, જામફળ, સીતાફળ, લીંબુ, આમળા અને આસોપાલવ સહિત 80થી વધુ સ્થાનિક જાતિના રોપાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શાહે ગાંધીનગર અને અમદાવાદના પ્રવેશદ્વારોને વિશિષ્ટ હોર્ટિકલ્ચરલ ઓળખ આપવા માટે થીમેટિક રોડ ડેવલપમેન્ટ હાથ ધરવા સૂચનાઓ આપી હતી. વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર જિલ્લામાં 18 અને અમદાવાદ જિલ્લામાં 7 એન્ટ્રી પોઈન્ટ પર 6 હજારથી વધુ રોપાઓ વાવવામાં આવશે. વૃક્ષારોપણ બાદ આગામી ત્રણ વર્ષ સુધી જાળવણી માટે પાણી, ખાતર, જીવાત નિયંત્રણ અને સુરક્ષા માટે અલગ ટીમો કાર્યરત રહેશે. પાણી માટે ટેન્કરો ઉપરાંત ટ્યુબવેલ, STP અને રિસાયકલ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર અભિયાનની દેખરેખ માટે લાઈવ ડેશબોર્ડ પણ વિકસાવવામાં આવશે.

બેઠકમાં સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે સરખેજથી ગાંધીનગર સુધી મિનિમમ ટ્રાફિક સિગ્નલ સાથે ઝડપી, સુરક્ષિત અને પ્રદૂષણ રહિત પરિવહન વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપી હતી. જરૂરી સ્થળોએ ફૂટ ઓવરબ્રિજ, પાર્કિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓ ઇકો-ફ્રેન્ડલી થીમ પર વિકસાવવાની હિમાયત પણ કરી હતી.

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના તળાવોના બ્યુટિફિકેશન અને ઇન્ટરલિંકિંગ કાર્યોની સમીક્ષા દરમિયાન તેમણે તળાવો ફક્ત સૌંદર્યીકરણ પૂરતા મર્યાદિત ન રહે પરંતુ નાગરિકોના જીવનનું જીવંત કેન્દ્ર બને તે દિશામાં આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તળાવોની આસપાસ ફૂડ કોર્ટ, લાઈટિંગ, બોટિંગ સુવિધા અને વૃક્ષારોપણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત કલોલ, સાણંદ અને બાવળા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જળ ભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોમાં નાગરિકોને ઉત્તમ સારવાર મળે તે માટે આરોગ્ય સેવાઓની પણ સમીક્ષા કરી હતી. સાથે જ અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટની કામગીરી અંગે બેઠક યોજી ગીતા, રામાયણ અને ‘અખંડ આનંદ’ માસિકને વધુ લોકભોગ્ય બનાવવા સૂચનો આપ્યા હતા.

Most Popular

To Top