Gujarat

બ્રિક્સ દેશો વચ્ચેનો આંતરિક વ્યાપાર 1.17 ટ્રિલિયન ડોલરે પહોંચ્યો

ગાંધીનગર: કેન્દ્રના વાણિજય સચિવ રાજેશ અગ્રવાલએ ગાંધીનગરમાં યોજાયેલી બ્રિક્સ કોન્ટેક્ટ ગૃપ ઓન ટ્રેડ એન્ડ ઇકોનોમિક ઇશ્યુઝ (CGETI)ની બીજી બેઠકમાં વ્યાપાર અને આર્થિક સહયોગ મુદ્દે મહત્ત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશો વચ્ચેનો આંતરિક વ્યાપાર હવે 1.17 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે, છતાં તેમાં હજુ પણ વિશાળ વણઉપયોગી તકો રહેલી છે.

ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠક માર્ચ 2026માં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી પ્રથમ CGETI બેઠક બાદની અગત્યની બેઠક હતી. “બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” થીમ હેઠળ યોજાયેલી આ બેઠકમાં બહુપક્ષીય વ્યાપાર પ્રણાલીને મજબૂત બનાવવી, MSMEsના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપવું, વૈશ્વિક સપ્લાય ચેઇનને વધુ સ્થિતિસ્થાપક બનાવવી અને સેવાઓના વ્યાપારને વિસ્તૃત કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વધતા સંરક્ષણવાદ, ભૌગોલિક રાજકીય તણાવ, સપ્લાય ચેઇનમાં અવરોધો અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ બ્રિક્સ દેશોએ મજબૂત આર્થિક સહયોગ જાળવી રાખ્યો છે. તેમણે નોંધ્યું હતું કે વર્ષ 2003માં બ્રિક્સ દેશો વચ્ચેનો આંતરિક મર્ચેન્ડાઇઝ વ્યાપાર માત્ર 84 બિલિયન ડોલર હતો, જે વધીને વર્ષ 2024માં 1.17 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિ વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિ કરતાં પણ વધુ ઝડપી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે બ્રિક્સ દેશો વચ્ચેનો આંતરિક વ્યાપાર હજુ વૈશ્વિક વ્યાપારના માત્ર પાંચ ટકા જેટલો જ છે, જે વધુ ઊંડા વ્યાપાર એકીકરણ, મજબૂત વેલ્યુ ચેઇન જોડાણો અને આર્થિક સહયોગ માટે વિશાળ તકો દર્શાવે છે.

15 મેના રોજ બ્રિક્સ પ્રતિનિધિઓએ GIFT Cityની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિત વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવવાના ભારતના પ્રયાસો અંગે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ભારત અને બ્રિક્સ દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો અંગે પણ આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બ્રિક્સ દેશોમાં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ અંદાજે 82 બિલિયન અમેરિકી ડોલર રહી હોવાનું જણાવાયું હતું, જ્યારે વર્ષ 2024 દરમિયાન સેવાઓની નિકાસ 31.3 બિલિયન ડોલર સુધી પહોંચી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સેવાઓ અને કનેક્ટિવિટીને ભવિષ્યના વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

Most Popular

To Top