ગાંધીનગર,
સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે નિર્મિત Tropic of Cancer Science Park હાલ વિજ્ઞાનપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત GUJCOST દ્વારા વિકસાવવામાં આવેલ આ પાર્કે ઉદ્ઘાટન બાદના માત્ર બે મહિનામાં જ 3500થી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 11 માર્ચ, 2026ના રોજ આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લગભગ ₹8 કરોડના ખર્ચે 5930 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વ અંગે માહિતી પ્રદાન કરે છે.પાર્કનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હંમેશા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ અને આધુનિક વિજ્ઞાન અંગેની સમજણ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને અનુરૂપ આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સાયન્સ પાર્કમાં મુલાકાતીઓને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો, ઋતુગત ફેરફારો, સૂર્યની ગતિ, છાયામાં થતા ફેરફારો અને સન ડાયલ દ્વારા સમય માપવાની પ્રક્રિયા જેવી બાબતોને પ્રાયોગિક રીતે સમજાવવામાં આવે છે. ખુલ્લા આકાશ નીચે આવેલી આ જીવંત વિજ્ઞાન પ્રયોગશાળા વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.ઉલ્લેખનીય છે કે કર્કવૃત્ત પૃથ્વીના પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક છે, જે વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી ઉત્તર તરફ આવેલી કલ્પિત રેખા છે. ભારતમાં તે આઠ રાજ્યોમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ સહિત સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે.
સાયન્સ પાર્કને સેલ્ફ-એક્સપ્લેનેટરી પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ, વિજ્ઞાન પ્રદર્શન અને મુલાકાતીઓ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુલાકાતીઓ અહીં વૈશ્વિક મહત્વ ધરાવતી અક્ષાંશ રેખા પર ઊભા રહેવાનો અનોખો અનુભવ મેળવી શકે છે.ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ અને પરિવાર માટે આ પાર્ક એક શૈક્ષણિક તેમજ મનોરંજક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. પાર્ક વિજ્ઞાન પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારી અને વિકાસની નવી તકો પણ ઊભી કરી રહ્યો છે.વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત સરકારની નવીન પહેલ તરીકે ઉભરેલું આ સાયન્સ પાર્ક વૈજ્ઞાનિક જાગૃતિ, અનુભવલક્ષી શિક્ષણ અને નવીનતા આધારિત જનજોડાણને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.