World

વોલ સ્ટ્રીટમાં ટ્રમ્પનો ‘મેગા ટ્રેડિંગ ગેમ’? 90 દિવસમાં 3700 સોદાનો ખુલાસો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. એક તરફ તેઓ ઈરાનને લઈને આક્રમક નિવેદનો આપી મિડલ ઇસ્ટમાં તણાવ વધારી રહ્યા છે, તો બીજી તરફ હવે તેમના શેરબજારના સોદાઓએ અમેરિકન રાજકારણ અને વોલ સ્ટ્રીટમાં ભારે ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં ટ્રમ્પ અથવા તેમની સાથે જોડાયેલા નાણાકીય સલાહકારોએ 3700થી વધુ સ્ટોક ટ્રેડ કર્યા છે. આટલી મોટી સંખ્યામાં થયેલા શેર સોદાઓ બાદ હવે તેમના વિરુદ્ધ તપાસ થવાની શક્યતા વધી ગઈ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ટ્રમ્પ તરફથી સરેરાશ દરરોજ 40થી વધુ ટ્રેડ કરવામાં આવ્યા હતા. શેરબજારમાં આટલી ઝડપથી અને મોટા પ્રમાણમાં ટ્રેડિંગ થવું સામાન્ય બાબત માનવામાં આવતું નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તેમાં વિશ્વની મોટી ટેક, ફાઇનાન્સ, મીડિયા અને એરોસ્પેસ કંપનીઓ સામેલ હોય.

આંકડાઓ મુજબ, વર્ષ 2025ના છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 380 જેટલા ટ્રેડ થયા હતા, જ્યારે હવે આ સંખ્યા અચાનક વધીને 3700થી વધુ થઈ ગઈ છે. આ મોટો વધારો માર્કેટ નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે. શેરબજારના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પ્રકારનું ટ્રેડિંગ સામાન્ય રોકાણકારો જેવું લાગતું નથી. ઘણા નિષ્ણાતોએ તેની સરખામણી મોટા હેજ ફંડ અથવા અલ્ગોરિધમિક ટ્રેડિંગ સાથે કરી છે. એટલે કે ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં શેર ખરીદવા-વેચવાનો પેટર્ન અહીં જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે NVIDIA, Oracle, Microsoft, Boeing અને Costco જેવી મોટી કંપનીઓમાં કરોડો ડોલરના સોદા કર્યા હતા. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર સુધીના શેર ખરીદવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત Amazon, Meta, Uber, eBay, Abbott Laboratories, AT&T અને Dollar Tree જેવી કંપનીઓના શેરમાં પણ મોટા લેવડદેવડ થયા હતા. સૌથી વધુ ચર્ચામાં રહેલો સોદો 10 ફેબ્રુઆરીનો માનવામાં આવી રહ્યો છે. તે દિવસે ટ્રમ્પે Microsoft, Meta અને Amazon જેવી કંપનીઓમાં પોતાનો 5 મિલિયનથી 25 મિલિયન ડોલર સુધીનો હિસ્સો વેચી નાખ્યો હતો.

આ સમગ્ર મામલાએ ફરી એકવાર ટ્રમ્પના વ્યાપારિક હિતો અને રાજકીય સત્તા વચ્ચેના સંબંધો અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કારણ કે જે કંપનીઓમાં મોટા સોદા થયા છે, તેમાંથી ઘણી કંપનીઓ સીધી રીતે અમેરિકી સરકારની નીતિઓથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે NVIDIAને ચીનમાં AI ચિપ્સની નિકાસ માટે સરકારની મંજૂરી લેવી પડે છે. Boeing જેવી કંપની સંરક્ષણ અને એરોસ્પેસ કરારો માટે સરકાર પર નિર્ભર છે. જ્યારે Microsoft, Amazon અને Meta જેવી ટેક કંપનીઓ સતત અમેરિકી નિયમન અને એન્ટિટ્રસ્ટ તપાસના દબાણ હેઠળ રહે છે. વિશ્લેષકોનું માનવું છે કે ભલે કાયદાકીય રીતે કોઈ સ્પષ્ટ ગેરરીતિ સાબિત ન થઈ હોય, પરંતુ સત્તા પર રહેલા નેતાની આવી વ્યાપારિક પ્રવૃત્તિઓ પારદર્શિતા અને નૈતિકતા અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.

આલોચકો એ પણ યાદ અપાવી રહ્યા છે કે અગાઉના ઘણા અમેરિકી પ્રમુખોએ પોતાના બિઝનેસ હિતોને બ્લાઈન્ડ ટ્રસ્ટમાં મૂક્યા હતા, જેથી સરકારના નિર્ણયો અને ખાનગી નફા વચ્ચે ટકરાવ ન થાય. પરંતુ ટ્રમ્પે પોતાના બિઝનેસ હિતોને સંપૂર્ણ રીતે અલગ કર્યા નહોતા. હાલમાં તેમના પુત્રો ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનનું સંચાલન સંભાળી રહ્યા છે. આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા ઓઇલ માર્કેટ અને શેરબજારમાં પણ અસામાન્ય હલચલ જોવા મળી હતી. ઈરાન અંગે ટ્રમ્પના નિવેદન બાદ ઓઇલના ભાવ ઘટ્યા હતા અને અમેરિકી શેરબજારમાં તેજી આવી હતી, જેના કારણે પણ અનેક સવાલો ઊભા થયા હતા. જોકે, વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે તમામ રોકાણો બહારની નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર રીતે સંચાલિત થાય છે અને તેમાં ટ્રમ્પ પરિવારનો કોઈ સીધો હસ્તક્ષેપ નથી.

Most Popular

To Top