ભારતના હીરા ઉદ્યોગમાં હાલ એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. વર્ષોથી વિશ્વભરના કાચા હીરાને કટિંગ, પોલિશિંગ કરીને તૈયાર બનાવતું સુરત હવે નવા પ્રકારના ટ્રેન્ડનો સાક્ષી બની રહ્યું છે. એક તરફ સ્થાનિક ફેક્ટરીઓમાં હીરા ઘસવાનું કામ ધીમું પડી રહ્યું છે અને કાચા હીરાની આયાતમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ તૈયાર કટ અને પોલિશ્ડ હીરાની આયાતમાં અચાનક જંગી વધારો થયો છે. માત્ર એક જ મહિનામાં 2072 કરોડ રૂપિયાના તૈયાર હીરા ભારત આવ્યા હોવાના આંકડાઓએ સમગ્ર ઉદ્યોગને ચોંકાવી દીધો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના એપ્રિલ 2026ના આંકડાઓ મુજબ, કાચા હીરાની આયાતમાં લગભગ 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જે આયાત 10 હજાર કરોડથી વધુ હતી તે હવે ઘટીને આશરે 7908 કરોડ રૂપિયા રહી ગઈ છે. માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો છે, જે સ્થાનિક કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગમાં મંદીનો સંકેત માનવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ તૈયાર હીરાની આયાતમાં 393 ટકાથી વધુનો વધારો થયો છે. ખાસ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે એસઈઝેડમાં તૈયાર હીરાની આયાત 400 ટકાથી વધુ વધી છે.
વેપારીઓનું માનવું છે કે અમેરિકા અને યુરોપમાં લોકો હવે પોતાની જૂની ડાયમંડ જ્વેલરી વેચી રહ્યા છે. આ જ્વેલરીમાંથી હીરા અલગ કરીને ફરી ગ્રેડિંગ અને સર્ટિફિકેશન બાદ દુબઈ અને બેલ્જિયમ જેવા ટ્રેડિંગ હબ મારફતે ભારત લાવવામાં આવી રહ્યા છે.આ હીરાઓ પછી ભારતના એસઈઝેડ વિસ્તારમાં ફરીથી નવી જ્વેલરીમાં સેટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય બજારમાં રી-એક્સપોર્ટ કરવામાં આવે છે. એસઈઝેડમાં કસ્ટમ્સ અને રી-એક્સપોર્ટની સરળ સુવિધાઓ હોવાથી વેપારીઓ માટે આ મોડેલ વધુ અનુકૂળ બની રહ્યો છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ માત્ર સામાન્ય વેપારનો ફેરફાર નથી, પરંતુ સમગ્ર હીરા ઉદ્યોગમાં માળખાગત પરિવર્તનનો સંકેત છે. વિશ્વભરમાં ફરેલા જૂના નેચરલ હીરા હવે ફરી ભારતીય સપ્લાય ચેઇનમાં પ્રવેશી રહ્યા છે. સુરત જે અત્યાર સુધી કાચા હીરાની પ્રોસેસિંગ માટે ઓળખાતું હતું, તે હવે રીસાયકલ અને સેકન્ડરી માર્કેટના હીરા માટે પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.આ વચ્ચે ભારતમાંથી તૈયાર હીરાની નિકાસમાં પણ 12 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક માંગમાં પણ મંદીનો માહોલ છે. જોકે, ઉદ્યોગકારો માને છે કે જૂની જ્વેલરીમાંથી મળતા હીરાનો વેપાર આગામી સમયમાં હીરા ઉદ્યોગ માટે નવી તક ઉભી કરી શકે છે.