ગાંધીનગર: નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરો દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન રેજપિલ’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેરના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન ભારતમાં પ્રથમ વખત મધ્ય પૂર્વમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સાયકોટ્રોપિક પદાર્થ ‘કેપ્ટાગોન’નો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 227.7 કિલોગ્રામ કેપ્ટાગોન ટેબ્લેટ્સ અને પાવડર જપ્ત કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹182 કરોડ હોવાનું જણાવાયું છે.
એનસીબીની તપાસ દરમિયાન સૌથી મોટી કાર્યવાહી ગુજરાતના મુંદ્રા પોર્ટ નજીક આવેલી કન્ટેનર ફેસિલિટેશન સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી હતી. 14 મે, 2026ના રોજ સીરિયાથી આવેલા એક કન્ટેનરની ઝીણવટભરી તપાસ દરમિયાન અંદાજે 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન પાવડર મળી આવ્યો હતો. કન્ટેનરમાં ‘ઘેટાંનું ઊન’ જાહેર કરાયેલા માલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ ગુપ્ત ખાનામાંથી ત્રણ બેગમાં છુપાવવામાં આવેલ કેપ્ટાગોન પાવડર ઝડપાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સનો જથ્થો સાઉદી અરેબિયા સહિત ગલ્ફ અને મધ્ય પૂર્વના દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે મોકલવામાં આવવાનો હતો. કેપ્ટાગોનમાં ફેનેટીલાઇન અને એમ્ફેટામાઇન જેવા સાયકોટ્રોપિક પદાર્થો હોય છે, જે NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.
દિલ્હીમાં તા.11 મેના રોજના દરોડામાં સીરિયન નાગરિક પાસેથી 31.5 કિલો કેપ્ટાગોન ટેબલેટ્સ મળી હતી
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત વિદેશી ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે થઈ હતી. તપાસ દરમિયાન દિલ્હી સ્થિત નેબસરાઈ વિસ્તારમાં આવેલા એક મકાનમાં 11 મેના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં કમર્શિયલ ચપાતી કટિંગ મશીનમાં છુપાવવામાં આવેલી 31.5 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી હતી. આ કેસમાં વિઝાની મુદત પૂરી થયા પછી પણ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 15 નવેમ્બર, 2024ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો, પરંતુ જાન્યુઆરી 2025માં વિઝા પૂર્ણ થયા બાદ પણ ભારતમાં જ રહ્યો હતો અને દિલ્હી ખાતે ભાડાનું મકાન લઈને આ સમગ્ર નેટવર્ક સંચાલિત કરી રહ્યો હતો.
ડ્રગ્સ માફિયા ભારતને ડ્રગ્સના ટ્રાન્ઝિટ હબ તરીકે બનાવવા માંગતા હતા
એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ જપ્તી ભારતને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ટ્રાન્ઝિટ હબ તરીકે ઉપયોગ કરવાના પ્રયાસોને ખુલ્લા પાડે છે. આ કેસમાં પ્રાપ્તિ સ્ત્રોત, હવાલા નેટવર્ક, લોજિસ્ટિક્સ ચેઇન, આંતરરાષ્ટ્રીય રિસીવર્સ અને અન્ય સહયોગીઓ સુધી પહોંચવા માટે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. એનસીબીએ તાજેતરમાં મુંબઈમાં ઇક્વાડોરથી આવેલા કન્ટેનરમાંથી 349 કિલોગ્રામ કોકેન પણ જપ્ત કર્યું હતું. આ બંને કાર્યવાહી દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક હવે કમર્શિયલ કાર્ગો અને કન્ટેનર ટ્રેડ રૂટ્સનો વધતો ઉપયોગ કરી રહ્યા છે.એનસીબીએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ સિન્ડિકેટ્સને તોડી પાડવા માટે અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
કેપ્ટાગોનનો મોટો જથ્થો પકડાવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને અભિનંદન આપ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ આ સફળ ઓપરેશન બદલ એનસીબીના અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે “ઓપરેશન રેજપિલ” દ્વારા કહેવાતા “જેહાદી ડ્રગ” કેપ્ટાગોનની ભારતમાં અત્યાર સુધીની પ્રથમ જપ્તી કરવામાં સફળતા મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે અને ભારતને ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરવાના દરેક પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.