ગાંધીનગર,તા.16: ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતના ઘેરા પડઘા પડ્યા છે. હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ સરકારે મોટો વહીવટી નિર્ણય લીધો છે. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે ડૉ. પારૂલ વડગામાને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ભારે ગેરવ્યવસ્થા અને અસંતોષકારક સ્થિતિ આરોગ્ય મંત્રી પાનસેરિયાના ધ્યાને આવી હતી. દર્દીઓની સુવિધા, સ્વચ્છતા અને વહીવટી સંચાલનમાં જોવા મળેલી ક્ષતિઓને કારણે આરોગ્ય મંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
હોસ્પિટલ તંત્રની આ પ્રકારની ઢીલી નીતિ અને બેદરકારીને સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. રાજ્યના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓમાં કોઈ પણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આપતા, સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલીના હુકમ જારી કરી દેવાયા છે. સિવિલ હોસ્પિટલનો વહીવટ ખોરવાય નહીં તે માટે સરકારે ડૉ. પારૂલ વડગામાને તાત્કાલિક અસરથી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ મોટા ફેરફાર બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલની વ્યવસ્થામાં કેવો સુધારો આવે છે અને નવા વડા કયા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે. સરકારના આ આકરા વલણથી અન્ય સરકારી હોસ્પિટલોના તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ અને તેમના પરિવારજનો તરફથી વિવિધ ફરિયાદો સામે આવી રહી હતી. સફાઈ, બેડની અછત, સારવારમાં વિલંબ અને વહીવટી ગેરસમન્વય જેવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ આ તમામ મુદ્દાઓ ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે. હવે સૌની નજર નવા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા પર રહેશે કે તેઓ હોસ્પિટલની ખોરવાયેલી વ્યવસ્થાને કેટલી ઝડપથી સુધારે છે. દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો, હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવી અને વહીવટને વધુ અસરકારક બનાવવું તેમની સામેની સૌથી મોટી જવાબદારી ગણાઈ રહી છે.