Sports

‘ચિપ્સ-કોલ્ડ્રિંક્સના પૈસા માગનારા સલાહ ન આપે’, અર્શદીપની પોસ્ટથી નવો વિવાદ

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સના ઝડપી બોલર અર્શદીપ સિંહ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગયો છે. મેદાન પર પોતાના પ્રદર્શન કરતાં વધુ તે સોશિયલ મીડિયા પરની હરકતોને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે એક ફેનને આપેલા તેના જવાબ બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, પંજાબ કિંગ્સના સતત ખરાબ પ્રદર્શનથી નારાજ એક ક્રિકેટ ફેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘પંજાબનું નામ IPLમાંથી હટાવી દો, તમે લોકો અમારી બેઇજ્જતી કરાવી રહ્યા છો.’ ફેનની આ ટિપ્પણી બાદ અર્શદીપ સિંહ ગુસ્સે ભરાયો હતો અને તેણે સ્નેપચેટ પર વળતો જવાબ આપ્યો હતો.

અર્શદીપે લખ્યું કે, “તમે પંજાબ માટે શું કર્યું છે, સિંહ સાહેબ? જે લોકો આજે પણ ઘરના સભ્યો પાસે ચિપ્સ અને કોલ્ડ્રિંક્સના પૈસા માગે છે, તેઓ મને પંજાબ પર સલાહ ન આપે.” તેના આ જવાબનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો અને બાદમાં યુઝર્સ વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અર્શદીપના સમર્થનમાં જોવા મળ્યા. તેમનું કહેવું છે કે ક્રિકેટરોને સતત ટ્રોલિંગ અને વ્યક્તિગત ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે, તેથી ક્યારેક તેમનો ગુસ્સો સ્વાભાવિક હોય છે. જોકે મોટી સંખ્યામાં લોકો અર્શદીપના આ વર્તનથી નારાજ જોવા મળ્યા છે. ઘણા યુઝર્સનું માનવું છે કે એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે અર્શદીપે વધુ સંયમ રાખવો જોઈએ હતો. ફેન્સે ખાસ કરીને એ બાબત પર સવાલ ઉઠાવ્યા કે તેણે ફેનની આર્થિક સ્થિતિને લઈને મજાક ઉડાવી, જે યોગ્ય ગણાય નહીં. કેટલાક લોકોએ કહ્યું કે ક્રિકેટરો પર ટીકા થવી રમતનો ભાગ છે અને જાહેર જીવનમાં રહેલા ખેલાડીઓએ આવી પરિસ્થિતિમાં પ્રોફેશનલ રીતે વર્તવું જોઈએ.

અર્શદીપ સિંહ માટે આ કોઈ પહેલો વિવાદ નથી. થોડા દિવસો પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સના બેટર તિલક વર્મા સાથે જોડાયેલા એક વીડિયોને લઈને પણ તે ચર્ચામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અર્શદીપે કથિત રીતે ‘ઓય અંધેરે’ જેવી ટિપ્પણી કરી હતી, જેને ઘણા લોકોએ રંગભેદી ગણાવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો IPL 2026માં અર્શદીપના પ્રદર્શનની વાત કરીએ તો તેની સિઝન ઉતાર-ચઢાવભરી રહી છે. તેણે અત્યાર સુધી 13 મેચમાં 12 વિકેટ ઝડપી છે, પરંતુ તેની ઇકોનોમી 9.69 રહી છે, જેના કારણે તે રન રોકવામાં મોંઘો સાબિત થયો છે. પંજાબ કિંગ્સની ખરાબ સ્થિતિ વચ્ચે હવે ટીમના પ્રદર્શન કરતાં વધુ ખેલાડીઓના વિવાદો ચર્ચાનો વિષય બન્યા છે. હાલ સોશિયલ મીડિયા પર અર્શદીપના આ વર્તનને લઈને ચર્ચા યથાવત છે. એક તરફ લોકો ખેલાડીઓ પર થતા ટ્રોલિંગની ચર્ચા કરી રહ્યા છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની જવાબદારી અને પ્રોફેશનલ બિહેવિયર અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Most Popular

To Top