Columns

ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતચીતને મહાન ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવા સમયે ચીનની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે ગલ્ફ યુદ્ધમાં ચીનના પીઠબળને કારણે ઈરાને અમેરિકાને ઘૂંટણિયા પર લાવી દીધું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાંથી સહીસલામત બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા છે. આ મુલાકાત એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ચીનનો મહાસત્તા તરીકે ઉદય થઈ રહ્યો છે અને અમેરિકાના આર્થિક સામ્રાજ્યનો અંત નજીક દેખાઈ રહ્યો છે.

આ મુલાકાત એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ચીનને અમેરિકાની બિલકુલ ગરજ નથી પણ અમેરિકાને ચીનની બજારની, તેના દુર્લભ ખનિજોની અને તેના માનવબળની ગરજ છે. રાજદ્વારી જગતમાં ઘણાં લોકો તેની સરખામણી ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનની ૧૯૭૨માં માઓ ઝેડોંગ સાથેની મુલાકાત સાથે કરી રહ્યા છે. જો કે, ત્યાર પછી દુનિયામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. તે સમયે ચીનનો ઉદય નહોતો થયો પણ તે વિકાસની દિશામાં પા પા પગલી ભરી રહ્યું હતું. ૧૯૭૨ની મુલાકાતને પગલે ચીનનો વિકાસ દુનિયાની ફેક્ટરી તરીકે થયો. અમેરિકાની કંપનીઓએ પોતાનું ઉત્પાદન સસ્તી મજૂરીના લોભમાં ચીનમાં ખસેડ્યું, જેને કારણે ચીન સમૃદ્ધ બનતું ગયું અને અમેરિકાની વેપાર ખાધ વધતી ચાલી. ડોનાલ્ડ ટ્રમ્પે આ વેપાર ખાધ ઘટાડવા ટેરિફનું હથિયાર ઉગામ્યું, પણ તે બુઠ્ઠું સાબિત થયું છે.

હવે ડોનાલ્ડ ટ્રમ્પ માટે શી જિનપિંગ પાસે ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો ચીન અમેરિકા સાથે વેપાર વધારવા સંમત થાય તો જ અમેરિકાનું અર્થતંત્ર કટોકટીમાંથી બહાર આવી શકે તેમ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ખ્યાલ આવી ગયો છે કે આ કામ ધમકીથી નહીં થાય પણ ડિપ્લોમસીથી જ થશે. આ મુલાકાતમાં ચીનનો હાથ ઉપર છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક, એપલના ટિમ કૂક અને એનવીડિયાના જેન્સન હુઆંગ સહિત એક ડઝનથી વધુ અમેરિકન ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.

બેઇજિંગમાં આ શિખર સંમેલન છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ભીષણ ટેરિફ યુદ્ધને શાંત કરવા, પુરવઠા શૃંખલાઓને પુનઃસ્થાપિત કરવા અને ઈરાન કટોકટી અને તાઇવાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવાનો એક મોટો પ્રયાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૩૦ થી વધુ ઉદ્યોગપતિઓની બેઇજિંગ મુલાકાતનો અર્થ ચીન સાથે વ્યવસાય બંધ કરવાનો નથી, પરંતુ તે સ્વીકારવાનો છે કે ચીનથી આર્થિક રીતે અલગ થવું અશક્ય બની ગયું છે.

એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત એક મોટા પરિવર્તનનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ૨૧મી સદીનું રાજકારણ હવે ફક્ત લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેનો યુદ્ધ નથી. તે બજારો, ટેકનોલોજી, ડેટા અને મૂડી વચ્ચેનું યુદ્ધ પણ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકન વ્યાપાર સમુદાયને ખાતરી આપી છે કે ચીન અમેરિકન વ્યવસાયો માટે તેના દરવાજા વધુ ખોલશે અને વિશાળ તકો પ્રદાન કરશે.

 અમેરિકા અને ચીન બંને દેશોની અર્થવ્યવસ્થાઓ ગયા વર્ષના ટેરિફ યુદ્ધનો ભોગ બની રહી છે. ટેરિફ ૧૦૦ ટકાથી વધુ થઈ ગયા છે, જેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે અને ચીનમાં નિકાસ ધીમી પડી રહી છે. હવે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બજારને વેગ આપવા માટે એક મોટો કરાર કરવા માંગે છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમની સુસ્ત અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નબળી માંગ, મિલકતની સમસ્યાઓ અને નિકાસમાં મંદીના કારણે ચીનનું અર્થતંત્ર દબાણ હેઠળ છે. શી જિનપિંગને આ સમયે સ્થિરતાની જરૂર છે. આ સમિટનો હેતુ વેપાર યુદ્ધના પુનરુત્થાનને રોકવાનો છે. અમેરિકાના બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન શી જિનપિંગે કહ્યું કે ચીન અમેરિકન બિઝનેસ માટે વધુ દરવાજા ખોલશે. ચીનમાં અમેરિકન કંપનીઓ માટે વિશાળ તકો હશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ઇચ્છે છે કે ચીન સપ્લાય ચેઇનને શસ્ત્ર બનાવવાનું બંધ કરે. ખાસ કરીને દુર્લભ પૃથ્વી અને મહત્ત્વપૂર્ણ ખનિજો, જે અમેરિકન ટેકનોલોજી અને સંરક્ષણ ઉદ્યોગોને શક્તિ આપે છે.

ચીને બતાવ્યું છે કે તે દુર્લભ પૃથ્વી ખનિજોની નિકાસને કડક બનાવીને અમેરિકાના સંરક્ષણ સહિતનાં સંવેદનશીલ ક્ષેત્રોને નુકસાન પહોંચાડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેર સૂત્ર સરળ છે કે ચીન માટે દરવાજા ખોલો. આ સૂત્ર પાછળ ત્રણ નક્કર માંગણીઓ છે: (૧) અમેરિકન કંપનીઓ માટે ચીનના બજારમાં સરળ પ્રવેશ (૨) ચીન દ્વારા અમેરિકન માલ જેવા કે સોયાબીન, LNG, વિમાનની ખરીદીમાં વધારો (૩) રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડ્યા વિના આશરે ૩૦ અબજ ડોલર મૂલ્યના માલ પર ટેરિફ ઘટાડવા માટે એક માળખું. જો ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે અપેક્ષિત સહયોગ મેળવી શકશે તો તેમની આબરૂ વધી જશે.

છેલ્લા દાયકામાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વેપાર યુદ્ધો, ટેકનોલોજી યુદ્ધો અને વ્યૂહાત્મક હરીફાઈમાં ફેરવાઈ ગયા છે, પરંતુ ટ્રમ્પની મુલાકાત દર્શાવે છે કે તેમની સ્પર્ધા હોવા છતાં બંને દેશોને એકબીજાની જરૂર છે. અમેરિકાએ ચીનને એક મહાસત્તા તરીકે સ્વીકાર્યું છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ હવે મુકાબલો કરવાને બદલે એકબીજાને સંચાલિત કરવા માટે વધુ વલણ ધરાવે છે અને અહીંથી G-2 મોડેલની ચર્ચા શરૂ થાય છે. G-2 નો અર્થ એ છે કે ચીન અને અમેરિકા હવે નક્કી કરશે કે વિશ્વે કેવી રીતે કાર્ય કરવું જોઈએ. આનો અર્થ એ છે કે અમેરિકા ચીનમાં દખલ કરશે નહીં અને ચીન અમેરિકાની બાબતોમાં દખલ કરશે નહીં.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ અને ઈરાન યુદ્ધ પર ચીનનું મૌન દર્શાવે છે કે ચીને પહેલાંથી જ તેને માટે મૌન સંમતિ આપી દીધી છે. ચીનને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે શાંતિપૂર્ણ વિશ્વની જરૂર છે, પરંતુ તેનું લક્ષ્ય શાંતિની સાથે સાથે તેના પ્રભુત્વનો વિસ્તાર કરવાનું છે. એશિયામાં તેણે પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને બાંગ્લાદેશ દ્વારા ભારતને લગભગ ઘેરી લીધું છે, જ્યારે આફ્રિકા, તેમજ લેટિન અમેરિકા અને કેરેબિયનમાં ચીને તેનું પ્રભુત્વ એટલું વિસ્તૃત કર્યું છે કે અમેરિકા પાસે સંઘર્ષ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ નંબર વન પોઝિશન શી જિનપિંગને સોંપવા માટે ચીન ગયા છે?

છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકામાં G2 મોડેલની ચર્ચા થઈ રહી છે. ઓબામા વહીવટીતંત્રે તેને આગળ ધપાવ્યું હતું. G-2 નો અર્થ એ છે કે મુખ્ય વૈશ્વિક નિર્ણયો હવે સંયુક્ત રાષ્ટ્ર, G-20 અથવા બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા નહીં પરંતુ વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે નક્કી કરવામાં આવશે. આબોહવા, વેપાર, AI, સેમિકન્ડક્ટર, સપ્લાય ચેઇન, નાણાંકીય પ્રણાલીઓ, ઊર્જા અને સુરક્ષા; આ બધું બે ધ્રુવો વચ્ચે સંતુલિત કરવામાં આવશે. આ એ જ મોડેલ છે જેને હેન્રી કિસિંજર જેવા વ્યૂહરચનાકારોએ એક સમયે ભવિષ્ય તરીકે ધ્યાનમાં લીધું હતું.

બેઇજિંગ સામે ડોનાલ્ડ ટ્રમ્પની સેંકડો ધમકીઓ છતાં તેમના સમગ્ર કર્મચારીઓ સાથે બેઇજિંગની ધરતી પર ઉતરાણ આ વાતનો સ્વીકાર છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે કોઈ મોટો આર્થિક કરાર થાય છે, તો તે બહુપક્ષીય વ્યવસ્થા માટે મોટો ફટકો હશે. WTO પહેલેથી જ નબળું પડી ગયું છે. યુએન સુરક્ષા પરિષદ વાસ્તવિક રીતે નિષ્ક્રિય દેખાય છે. યુક્રેન યુદ્ધ પછી યુરોપ વ્યૂહાત્મક રીતે અસુરક્ષિતતા અનુભવે છે. આવી સ્થિતિમાં G-2 મોડેલ વિશ્વને બે મુખ્ય ખેલાડીઓ સુધી મર્યાદિત કરી શકે છે. G-2 નો બીજો અર્થ શક્ય તેટલો સંઘર્ષ ટાળવાનો હોઈ શકે છે. તે કરાર ફક્ત બે મહાસત્તાઓ વચ્ચે તેમના પોતાના આર્થિક હિતોના જતન માટે સંઘર્ષ ટાળવા માટેનો અસ્થિર કરાર હોઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top