“મને છોડી દો, મારા ત્રણ બાળકો ઘરે રાહ જોઈ રહ્યા છે…” મહિલા આરોપીઓ સામે ગિડગિડાતી રહી
દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ખાનગી બસમાં 30 વર્ષીય મહિલાની સાથે ગેંગરેપ થયાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે તેણે આરોપીઓ સામે હાથ જોડીને વિનંતી કરી હતી કે “મારા ઘરે ત્રણ બાળકો રાહ જોઈ રહ્યા છે, મને જવા દો… હું તમારી સામે કોઈ કાર્યવાહી નહીં કરું.” છતાં આરોપીઓએ તેની એક પણ વાત સાંભળી નહીં.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉમેશ કુમાર અને રમેન્દ્ર કુમાર તરીકે થઈ છે. બંને આરોપીઓની ઉંમર આશરે 35થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે અને બંને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ભાઈને ઘર બદલાવવામાં મદદ કરવા ગઈ હતી મહિલા
પીડિત મહિલા દિલ્હીના પિતમપુરા વિસ્તારની રહેવાસી છે. ઘટનાના દિવસે તે પોતાના ભાઈના ઘરે સુલતાનપુરી વિસ્તારમાં ગઈ હતી. ભાઈ ઘર બદલતો હોવાથી તેને સામાન ખસેડવામાં મદદ કરવા માટે મહિલા ત્યાં પહોંચી હતી. આખો દિવસ કામ કર્યા બાદ તે મોડી સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી.મહિલાના જણાવ્યા મુજબ, તેને સરસ્વતી વિહાર સુધી ઈ-રિક્શા મળી ગયું હતું. ત્યારબાદ તે બસ સ્ટોપ પર ઊભી રહી આગળ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન એક ખાનગી બસ ત્યાં આવી ઉભી રહી.
સમય પૂછતાં જ બસમાં બોલાવી
મહિલાએ જણાવ્યું કે બસમાં ઊભેલા એક વ્યક્તિને તેણે સમય પૂછ્યો હતો. ત્યારે તે વ્યક્તિએ તેને બસની અંદર આવીને વાત કરવા કહ્યું. મહિલાએ વિશ્વાસ કરીને બસમાં પગ મૂક્યો, પરંતુ તે અંદર ચઢતાની સાથે જ ડ્રાઈવરે બસ દોડાવી દીધી.
મહિલાના જણાવ્યા અનુસાર બસમાં કુલ ત્રણ લોકો હતા, જેમાં તે પોતે પણ સામેલ હતી. થોડા સમય બાદ બસમાં હાજર એક આરોપીએ તેને બસના પાછળના ભાગમાં ધકેલી દીધી અને ચાલતી બસમાં તેની સાથે દુષ્કર્મ કર્યું.
નાંગલોઈ નજીક બસ ઉભી રાખી ફરી દુષ્કર્મ
પીડિતાના જણાવ્યા પ્રમાણે જ્યારે બસ નાંગલોઈ રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે બસ ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઈવર રમેન્દ્ર કુમારે પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના દરમિયાન મહિલા સતત આરોપીઓને છોડીને જવા દેવા માટે વિનંતી કરતી રહી. તેણે કહ્યું કે “જે થવાનું હતું તે થઈ ગયું… હું પોલીસમાં ફરિયાદ પણ નહીં કરું… બસ મને જવા દો. મારા બાળકો ઘરે રાહ જોઈ રહ્યા છે.”મહિલાની આ કરુણ વિનંતી બાદ આરોપીઓએ અંતે તેને છોડીને જવા દીધું. ત્યારબાદ મહિલાએ તરત જ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
એક આરોપી સ્થળ પરથી ઝડપાયો
મહિલાએ પોલીસને માહિતી આપ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે ડ્રાઈવર રમેન્દ્ર કુમાર અન્ય બે-ત્રણ લોકો સાથે ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે ઉમેશ કુમાર હજુ સ્થળ પર હાજર હતો. પોલીસે તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો.પીડિતા ગંભીર હાલતમાં હતી અને તેના શરીર પરથી લોહી વહી રહ્યું હતું. પોલીસે તેને તાત્કાલિક પિતમપુરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અને મેડિકલ તપાસ માટે ખસેડી હતી.
હોસ્પિટલમાં દાખલ થવા પણ તૈયાર નહોતી મહિલા
ડૉક્ટરોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ મહિલાએ પરિવારની પરિસ્થિતિ જણાવીને હોસ્પિટલમાં રહેવાની ના પાડી હતી.મહિલાએ જણાવ્યું કે તેનો પતિ લાંબા સમયથી બીમાર છે અને પરિવારની તમામ જવાબદારી તેના ખભા પર છે. મહિલાને ત્રણ દીકરીઓ છે, જેમની ઉંમર 4, 6 અને 9 વર્ષ છે. તેણીએ ડૉક્ટરોને કહ્યું કે “મારા પતિની તબિયત સારી નથી અને મારી દીકરીઓ ઘરે મારી રાહ જોઈ રહી છે.”
દિલ્હીમાં ફરી મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ
આ ઘટનાએ દિલ્હીની મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ કરી છે. નિર્ભયા કાંડ બાદ મહિલાઓની સુરક્ષા માટે અનેક દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ આવી બર્બર ઘટનાઓ સામે આવતી રહે છે. સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયની માંગ કરી છે. પોલીસે પણ જણાવ્યું છે કે કેસની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.