Santrampur

સંતરામપુરમાં 250 કિલો ગાંજો ભરેલી કાર છોડીને તસ્કરો ફરાર

સંતરામપુર: સંતરામપુર પોલીસ હદના સરસણ આઉટપોસ્ટ વિસ્તારમાં ગત રાત્રે સ્થાનિક પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે રાત્રે 10 વાગ્યાના સમયે શંકાસ્પદ કારનો પીછો કરતા કારચાલકે મોટી સરસણ રોડ પર આવેલ CNG પંપ પાસે કાર મૂકી પોલીસથી બચવા માટે તેના સાગરીત સાથે ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા અંદરથી નશીલા પદાર્થ ગાંજાના કુલ 13 થેલા મળી આવ્યા હતા. ઉપરાંત કારમાંથી વિવિધ નંબરની 7થી 9 જેટલી નંબર પ્લેટો પણ મળી આવતા ગાંજાની હેરાફેરીમાં બોગસ નંબર પ્લેટોનો ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાથમિક અંદાજ મુજબ પોલીસે આશરે 250 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સંતરામપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર: ઈન્દુવદન વી. પરીખ

Most Popular

To Top