World

ઘરના નીચે લાવાની નદી, આકાશમાં ઝેરી ગેસનો ખતર

જાણો દુનિયાના સૌથી ખતરનાક શહેર ‘ગોમા’ની હચમચાવી દેતી કહાની

આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલું ગોમા શહેર દુનિયાનાં સૌથી ખતરનાક શહેરોમાં ગણાય છે. અહીં રહેતા લાખો લોકો દરરોજ મોતના સાયામાં જીવે છે. એક તરફ સક્રિય જ્વાળામુખી અને બીજી તરફ ઝેરી ગેસથી ભરેલું તળાવ, ગોમાની આ ભયાનક સ્થિતિને કારણે તેને “સિટી ઓફ વોલ્કેનો” તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં ફરી ચેતવણી આપવામાં આવી છે કે શહેરની બાજુમાં આવેલો માઉન્ટ ન્યારાગોંગો જ્વાળામુખી ફરી ખતરનાક સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. જ્વાળામુખીના ક્રેટરમાં લાવાનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે લાખો લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે.

જમીન નીચે ઉકળે છે લાવા
ગોમા શહેરની સૌથી ભયાનક બાબત એ છે કે શહેરની નીચેની ધરતીમાં સતત લાવાની ગતિ ચાલુ રહે છે. અહીં લોકો એવા ઘરોમાં રહે છે જેના નીચે જ્વાળામુખી સક્રિય છે. રાત્રિના સમયે આકાશ લાલ રંગનું દેખાય છે અને લોકો દરેક સવાર એ ડર સાથે ઉઠે છે કે આજે જમીન ફાટી નહીં જાય ને?

2021માં માઉન્ટ ન્યારાગોંગોમાં થયેલા ભયાનક વિસ્ફોટ દરમિયાન લાવા લગભગ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે શહેર તરફ ધસી આવ્યું હતું. અનેક વિસ્તારો ખાલી કરાવવા પડ્યા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.

એક તરફ જ્વાળામુખી, બીજી તરફ ઝેરી તળાવ
ગોમા માટે ખતરો માત્ર જ્વાળામુખીથી જ નથી. શહેરની બાજુમાં આવેલું કિવુ તળાવ પણ એક મોટો ખતરો માનવામાં આવે છે. આ તળાવની અંદર મોટી માત્રામાં મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ સંગ્રહિત છે.વિજ્ઞાનીઓનું માનવું છે કે જો મોટો ભૂકંપ આવે અથવા જ્વાળામુખી વધુ સક્રિય બને તો તળાવમાંથી ઝેરી ગેસ બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ શકે છે અને લાખો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

લાવાથી બને છે ઘર
આટલા ખતરાઓ છતાં ગોમાના લોકો અહીંથી દૂર જવા તૈયાર નથી. અહીંની સડકો પર જોવા મળતી કાળી ચટ્ટાનો હકીકતમાં જૂના લાવાના જમેલા ભાગો છે. લોકો આ લાવાને કાપીને ઈંટો બનાવે છે અને પોતાના ઘરોનું નિર્માણ કરે છે.
અહીંના લોકો કહે છે કે “જે આગે અમારું ઘર સળગાવ્યું, એ જ રાખમાંથી અમે નવું ઘર બનાવીએ છીએ.” ગોમાના લોકોની આ જિજિવિષા સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે.

ખતરાઓ વચ્ચે પણ જીવન ધમધમતું
જ્વાળામુખી હોવા છતાં ગોમાની જમીન ખૂબ ઉપજાઉ છે. જ્વાળામુખીની રાખને કારણે અહીંની માટીમાં કુદરતી ખાતર જેવી શક્તિ હોય છે, જેના કારણે પાક સારો થાય છે.આ શહેર એડવેન્ચર ટૂરિઝમ માટે પણ જાણીતું છે. દુનિયાભરમાંથી લોકો સક્રિય જ્વાળામુખી અને લાવાથી ઢંકાયેલા વિસ્તારો જોવા અહીં આવે છે. ગોમાની કોફી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ માનવામાં આવે છે. અહીંની એક અનોખી ઓળખ “ચુકુડુ” નામની મોટી લાકડાની સાયકલ છે, જેના દ્વારા લોકો ભારે સામાન વહન કરે છે. શહેરની જીવનશૈલીમાં સ્થાનિક સંસ્કૃતિ અને સંઘર્ષ બંનેની ઝલક જોવા મળે છે.

ટાઈમ બોમ્બ’ તરીકે જોવામાં આવે છે ગોમા
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ગોમાને “ટાઈમ બોમ્બ” તરીકે વર્ણવે છે. વૈજ્ઞાનિકો 24 કલાક સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખે છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ, સાયરન અને ડિજિટલ મેપ્સ દ્વારા લોકોને સમયસર એલર્ટ આપવામાં આવે છે. યુરોપિયન યુનિયન અને વિશ્વ બેંક દ્વારા અહીં સુરક્ષા અને રાહત માટે કરોડો ડોલર ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય અસ્થિરતા અને બળવાખોર જૂથોના કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બને છે.

દુનિયાનું સૌથી જોખમી શહેર કેમ?
વિશ્વમાં નેપલ્સ, કાગોશિમા, રેક્યાવિક અને ઓકલેન્ડ જેવા શહેરો પણ જ્વાળામુખી નજીક આવેલા છે, પરંતુ ગોમાની સ્થિતિ સૌથી ગંભીર માનવામાં આવે છે. કારણ કે અહીં સક્રિય જ્વાળામુખી ઉપરાંત ઝેરી ગેસથી ભરેલું તળાવ પણ છે.
એક તરફ ધરતીની અંદર ઉકળતો લાવા અને બીજી તરફ ગેસથી ભરેલું તળાવ, ગોમા ખરેખર એવી જગ્યા છે જ્યાં લોકો દરરોજ મોતને આંખોમાં જોઈને જીવન જીવે છે.

Most Popular

To Top