NEP-2020 હેઠળ CBSEનો મોટો નિર્ણય, 1 જુલાઈથી તમામ શાળાઓમાં અમલ
વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી બે ભારતીય ભાષા ભણવી પડશે, બહુભાષીયતાને મળશે પ્રોત્સાહન
(પ્રતિનિધિ) વડોદરા, તા. 7
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના અમલીકરણના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-6થી ‘ત્રણ ભાષા ફોર્મ્યુલા’ લાગુ કરવા માટે સીબીએસઈએ તમામ સંલગ્ન શાળાઓને 1 જુલાઈ, 2026થી અમલ શરૂ કરવા તાકીદ કરી છે.
NEP-2020 મુજબ, વિદ્યાર્થીઓએ ધોરણ-6થી 8 દરમિયાન ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. જેમાંથી ઓછામાં ઓછી બે ભાષા ભારતીય હોવી આવશ્યક છે. વિદ્યાર્થીઓ માતૃભાષા, રાજ્યભાષા, હિન્દી, અંગ્રેજી અથવા આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ કોઈપણ ભાષાની પસંદગી કરી શકશે.
CBSE દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ-6માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે આ નિયમ અમલમાં આવશે. શાળાઓને સમયપત્રક અને અભ્યાસક્રમમાં જરૂરી ફેરફારો કરીને પૂર્વ તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ બહુભાષીયતાને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભારતીય ભાષાઓ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો છે. શિક્ષણ નિષ્ણાતોના મતે, નાનપણથી જ વિવિધ ભાષાઓ શીખવાથી બાળકોની જ્ઞાનાત્મક ક્ષમતામાં વધારો થાય છે.
CBSEએ સ્પષ્ટતા કરી છે કે આ ફોર્મ્યુલા કોઈ ચોક્કસ ભાષા લાદવા માટે નહીં પરંતુ ભાષાકીય વિવિધતાને જાળવી રાખતા વિદ્યાર્થીઓને પસંદગીની સ્વતંત્રતા આપવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ શાળા સંચાલકોને વાલીઓ અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી છે.